પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણ, પોલીસે કાર્યવાહી નહીં કરતા હિન્દુ સમાજ રસ્તા પર ઉતર્યો
Image Source: Freepik
પાકિસ્તાનમાંથી શરણાર્થી બનીને આવેલા હિન્દુઓને સીએએ હેઠળ નાગરિકતા આપવાનો વિરોધ કરનારા લોકો પાકિસ્તાનમાં હિન્દુ સમાજની દયાજનક સ્થિતિ સામે આંખ આડા કાન કરી દેતા હોય છે.
પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓને ઉઠાવી જવાની ઘટનાઓ સતત ચાલુ જ છે. તાજેતરમાં વધુ એક હિન્દુ યુવતીનુ અપહરણ થયા બાદ લાચાર હિન્દુઓએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો છે. મળતી વિગતો પ્રમાણે ડેરા મુરાદ જમાલી નામના કસ્બામાં રહેતી હિન્દુ યુવતી પ્રિયા કુમારીનુ અપહરણ તાજેતરમાં થયુ હતુ. એ પછી પોલીસે રાબેતા મુજબ જ આ ઘટનાની કોઈ તપાસ કરી નહોતી અને આ યુવતીના કોઈ સગડ હજી સુધી મળ્યા નહીં હોવાથી હિન્દુ સમાજમાં ભારે રોષ છે.
કટ્ટરવાદીઓ સામે લાચાર હિન્દુ સમાજે રસ્તા પર ઉતરીને દેખાવો કર્યા હતા અને રેલી કાઢી હતી. પાકિસ્તાનના અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર હિન્દુ સમાજના નેતાઓ આ રેલીમાં જોડાયા હતા અને લોકોએ પોલીસની કામગીરી પર નિરાશા વ્યક્ત કરી હતી. સાથે સાથે હિન્દુ સમાજે યુવતીઓના અપહરણની ઘટનાઓ સામે દેશ વ્યાપી દેખાવો કરવાની પણ ચીમકી આપી હતી.
હ્યુમન રાઈટસ ફોકસ પાકિસ્તાન નામની સંસ્થાનું કહેવું છે કે, હવે હિન્દુઓ મોટા આંદોલનની તૈયારી કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં બનેલી વિવિધ ઘટનાઓમાં માત્ર હિન્દુઓ જ નહીં પણ ખ્રિસ્તીઓ, શીખ અને અહેમદિયા સમુદાયને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.