ખોરદાદ-15 મિસાઈલ્સ તૈનાત : E-૩ સાથે તત્કાળ મિટીંગો : ટ્રમ્પના શપથ પહેલાં ઈરાનની તૈયારીઓ
- બ્રિટન, ફ્રાંસ અને જર્મની E-3 તરીકે ઓળખાય છે, ઈરાન તેઓની સાથે પરમાણુ મંત્રણા કરી રહ્યું છે
તહેરાન : એક તરફ ઇઝરાયેલ સાથે યુદ્ધો ચાલી રહ્યાં છે. તેવામાં નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ યોજાવાના છે. તેથી મધ્ય-પૂર્વમાં હલચલ મચી ગઈ છે. ઇઝરાયેલ, હમાસ ઉપર બંધકોને છોડવાનો દાવો કરી રહ્યું છે. બીજી તરફ ઈરાનને ભીતિ છે કે ટ્રમ્પનું અમેરિકા તેનાં પરમાણુ સ્થાનો ઉપર હુમલા કરશે જ. તેથી ઈરાને અમેરિકાને સામી ધમકી આપી છે. છતાં, અમેરિકાના ભયથી ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (આઈ.આર.જી.સી.)એ તેનાં બે શહેરોમાં રહેલાં પરમાણુ સંયંત્રોની સલામતી વધારી દીધી છે. કોમ પ્રાંતના ફોર્ડો અને ખોનવી શહેરોને મિસાઈલ્સ સુરક્ષાથી અભેદ્ય બનાવી દીધાં છે. જ્યાં હેવી વોટર રીએકટર્સ રહેલાં છે.
જાહેર સમાચાર એજન્સીના રિપોર્ટ પ્રમાણે ઇરાને તે શહેરો ફરતી ખોરદાદ એર ડીફેન્સ સીસ્ટીમ તૈનાત કરી દીધી છે. તેણે ખોરદાદ-૧૫, અને સૈયદ-૩ મિસાઈલ્સ ગોઠવી દીધાં છે જે ૨૦૦ કી.મી. દૂર રહેલાં ડ્રોન, ક્રૂઝ મિસાઈલ્સ તથા માનવયુક્ત વિમાનો એકી સાથે પ્રક્ષેપાસ્ત્રાનાં સ્થાન પકડી તેને નિશાન બનાવી શકે તેમ છે. બીજી સીસ્ટીમમાં ૪૫ કી.મી. દૂર રહેલાં વિમાનને નિશાન બનાવી શકે તેમ છે. ખોરદાદ-૧૫ ઇરાનની એર ડીફેન્સ સીસ્ટીમ પૈકી સૌથી આધુનિક એન્ટી મિસાઈલ્સ સીસ્ટીમ છે.
બીજી તરફ ઈરાને-૩ તરીકે ઓળખાતાં બ્રિટન, ફ્રાન્સને જર્મની જેવા યુરોપીય દેશો સાથે પરમાણુ શક્તિ સંબંધી મંત્રણાઓ શરૂ કરી દીધી છે. સોમવારે આ મંત્રણઓ ચાલુ રહી છે. આ રીતે ઈરાન, પરમાણુ કાર્યક્રમ અંગે બે મહિનામાં જ બીજી વાર તે ઈ-૩ દેશો સાથે મંત્રણા કરી છે. પહેલીવાર નવેમ્બરમાં જીનીવામાં તહેરાને તે ત્રણે દેશો સાથે વાતચીત કરી લીધી છે.
જોકે જર્મનીનાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, તે મંત્રણા ન હતી, માત્ર અનૌપચારિક વાતચીત હતી. બીજી તરફ ઈરાને માત્ર દ્વિપક્ષીય મંત્રણા કરવાનો ઇનકાર કર્યો છે. જ્યારે ફ્રાંસ હજી પણ ઈરાનનાં પરમાણુ કાર્યક્રમ અંગે રાજદ્વારી ઉકેલ શોધવા માટે કામ કરી રહ્યું છે.
સોમવારની બેઠક, એટલા માટે મહત્ત્વની છે કે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પહેલાં થઈ રહી છે. ૨૦ જાન્યુ.એ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ૪૭માં પ્રમુખ તરીકે શપથ લેવાના છે. તેઓ વ્હાઈટ હાઉસમાં બેસશે તે સાથે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટ્રમ્પે, પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ઈરાન પર વધુને વધુ દબાણ કરવાની નીતિ અપનાવી હતી, તે અમેરિકાને ઐતિહાસિક પરમાણુ સંધિથી અલગ કરી દીધું હતું.