Get The App

ખાલિસ્તાનીઓનું નવું કારસ્તાન : કેનેડા અમારું, ગોરાઓ ઈંગ્લેન્ડ ભાગે

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
ખાલિસ્તાનીઓનું નવું કારસ્તાન : કેનેડા અમારું, ગોરાઓ ઈંગ્લેન્ડ ભાગે 1 - image


- કેનેડાના સરે બીસીમાં ખાલિસ્તાનીઓની જંગી રેલી, કેનેડિયનોને ઘૂસણખોર ગણાવતો વીડિયો વાયરલ

- પાક.ની આઈએસઆઈએ ભારતમાં અશાંતિ ફેલાવવા અર્શ દલ્લાને હથિયારો આપ્યા : મોદી સરકારે પ્રત્યાર્પણની માગની તૈયારી શરૂ કરી

- ભારતે 50થી વધુ કેસોમાં વોન્ટેડ અર્શ દલ્લાને 2023માં આતંકી જાહેર કરી કેનેડા સરકારને ધરપકડની વિનંતી કરી હતી

- ખાલિસ્તાની સમર્થકો બેફામ બનતા આગામી વર્ષે ચૂંટણી પહેલાં ટ્રુડો સરકાર મુશ્કેલીમાં મુકાઈ

ઓટ્ટાવા : કેનેડામાં રહીને ભારતમાં ખાલિસ્તાનની માગણી કરનારા શીખોને અત્યાર સુધી ટ્રુડો સરકાર સમર્થન આપતી હતી, પરંતુ હવે આ જ ખાલિસ્તાનીઓ તેમને આશરો આપનારા કેનેડાના ગોરા લોકોના વિરુદ્ધમાં રસ્તા પર ઉતર્યા છે. અત્યાર સુધી હિન્દુઓ પર હુમલા કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોએ હવે કેનેડાવાસીઓને ધમકી આપવાનું શરૂ કર્યું છે. હવે કેનેડાના રસ્તા પર 'કેનેડા અમારું છે, ગોરાઓ ઈંગ્લેન્ડ ભાગે'ના સૂત્રોચ્ચાર ગુંજી રહ્યા છે. આ સાથે કેનેડાના નાગરિકો ખાલિસ્તાનીઓની આ રેલીથી ગભરાયા છે.

કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સરકારની સુરક્ષા ધરાવતા ખાલિસ્તાની સમર્થકો હવે બેફામ બન્યા છે. તેમણે હવે કેનેડાના સ્થાનિક લોકોને જ ઘૂસણખોર ગણાવી તેમને ધમકી આપવાનું શરૂ કર્યું છે. ખાલિસ્તાની સમર્થકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે સેંકડો ખાલિસ્તાની સમર્થકો રસ્તા પર ઉતર્યા છે અને રેલી કાઢી છે. 

વીડિયોમાં એક ખાલિસ્તાની સમર્થકને કહેતા સાંભળી શકાય છે કે કેનેડા તેમનું છે. ગોરા લોકોએ ઈંગ્લેન્ડ અથવા યુરોપ જતા રહેવું જોઈએ. વીડિયોમાં ખાલિસ્તાની સમર્થકોને એક જુલુસ કાઢતા પણ જોઈ શકાય છે. કેમેરાની પાછળથી એક વ્યક્તિ સતત બોલતો રહે છે કે કેનેડા અમારો દેશ છે. ગોરા લોકોએ આ દેશ છોડી દેવો જોઈએ.

બે મિનિટના આ વાયરલ વીડિયોમાં ખાલિસ્તાની સમર્થકો કેનેડિયન લોકોને 'ઘૂસણખોર' પણ કહી રહ્યા છે. એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે, 'ખાલિસ્તાની સરે બીસીમાં માર્ચ કરી રહ્યા છે અને દાવો કરે છે કે તેઓ કેનેડાના માલિક છે અને ગોરા લોકોએ યુરોપ અને ઈઝરાયેલ પાછા જતા રહેવું જોઈએ.' અમે આ લોકોને અમારી વિદેશ નીતિને આકાર આપવા નહીં દીએ.

આ ઘટનાથી ખાલિસ્તાની સમર્થકોને આશ્રય આપી રહેલી ટ્રુડો સરકારની ચિંતા વધી ગઈ છે. કેનેડામાં સરકારનો ટેકો ધરાવતા ખાલિસ્તાની સમર્થકો બેફામ બની ગયા છે. તેઓ કેનેડાના બધા જ પાસા પર પોતાનો કબજો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

દરમિયાન સરેમાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરના વિશ્વાસુ અને ખાલિસ્તાની ટાઈગર ફોર્સનું સુકાન સંભાળી રહેલા અર્શ દલ્લા ઉર્ફે અર્શદીપસિંહની કેનેડા પોલીસે થોડાક દિવસ પહેલાં ધરપકડ કરી હતી. હવે કેનેડા પોલીસે તેની પાસેથી અનેક હાઈટેક હથિયારો જપ્ત કર્યા છે. સૂત્રો મુજબ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ ભારતમાં અશાંતિ ફેલાવવા માટે ખાલિસ્તાની આતંકીઓને હથિયારો મોકલી રહી છે. અર્શ દલ્લા પાસેથી મળેલા હથિયારો ખાલિસ્તાન સમર્થક પ્રવૃત્તિઓમાં તેની વધતી સંડોવણીની પુષ્ટી કરે છે.

સૂત્રો મુજબ કેનેડામાં ૨૮ ઑક્ટોબરે અર્શ દલ્લાને ગોળી વાગી હતી. દલ્લા તેની કારમાં હોલ્ટન વિસ્તારમાંથી જઈ રહ્યો હતો ત્યારે તેની કારમાં રખાયેલા હથિયારમાંથી આકસ્મિક ગોળીબાર થતાં તેને ઈજા થઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરાયા પછી ધરપકડ કરાઈ હતી. સૂત્રો મુજબ પોલીસે તેની તપાસ કરતા પોલીસને તેના ઘરના ગેરેજમાંથી પ્રતિબંધિત હથિયારો અને કારતૂસો મળ્યા હતા. મૂળ પંજાબના મોગાના નિવાસી અર્શ દલ્લા પર ૧૧ કલમો લગાવાઈ છે.

અર્શ દલ્લાની ધરપકડ કરાઈ હોવાના સમાચારની પુષ્ટી થતાં જ ભારતે તેના પ્રત્યાર્પણ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ૧૦ નવેમ્બરથી કેનેડામાં અર્શ દલ્લાની ધરપકડના સમાચાર આવી રહ્યા છે. કેનેડાના પ્રિન્ટ અને વિઝ્યુઅલ મીડિયામાં તેનું વ્યાપક રિપોર્ટિંગ કરાયું છે. ઓન્ટેરિયો કોર્ટે કેસની સુનાવણી માટે તારીખ નિશ્ચિત કરી છે.

અર્શ દલ્લા ભારતમાં ૫૦થી વધુ હત્યાઓ, હત્યાના પ્રયત્નો, ખંડણી વસૂલી અને આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવણીના કેસોમાં દોષિત ઠેરવાયો છે. મે ૨૦૨૨માં તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. ૨૦૨૩માં ભારત સરકારે તેને વોન્ટેડ આતંકી જાહેર કર્યો હતો. જુલાઈ ૨૦૨૩માં ભારતે કેનેડા સરકારને તેની અસ્થાયી ધરપકડની વિનંતી કરી હતી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી. હવે દલ્લાની ધરપકડ કરાઈ છે ત્યારે ભારતની એજન્સીઓએ પણ તેના પ્રત્યાર્પણની વિનંતીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

રામ મંદિરમાં શનિ-રવિવારે હિંસાની પન્નુની ધમકી

ન્યૂયોર્ક : અમેરિકા અને કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ આ સપ્તાહમાં સતત ત્રીજી વખત અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં હિંસાની ધમકી આપી છે. પન્નુએ એક વીડિયો જાહેર કરી કહ્યું છે કે ૧૬-૧૭ નવેમ્બરે અયોધ્યામાં રામ મંદિરમાં ભારે હિંસા થશે. પન્નુની ધમકી પછી અયોધ્યામાં રામ મંદિરની આજુબાજુ સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાઈ છે. અયોધ્યા તંત્ર ઘણું જ સાવધ થઈ ગયું છે, કારણ કે અયોધ્યામાં ૧૮ નવેમ્બરે રામ મંદિરમાં ભગવાન રામના વિવાહનો ઉત્સવ થવાનો છે. આ ઉત્સવમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજરી આપે તેવી શક્યતા છે. આતંકીઓની ધમકીના પગલે અયોધ્યાને હાઈએલર્ટ પર રખાઈ છે. જોકે, પન્નુનો ધમકીવાળો વીડિયો સામે આવ્યા પછી ફરી એક વખત સુરક્ષા ઉપાયોની સમીક્ષા કરાઈ હતી.


Google NewsGoogle News