સ્કોટલેન્ડમાં ખાલિસ્તાનીઓએ ભારતીય હાઈકમિશનરને ગુરુદ્વારામાં જતા રોક્યા

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
સ્કોટલેન્ડમાં ખાલિસ્તાનીઓએ ભારતીય હાઈકમિશનરને ગુરુદ્વારામાં જતા રોક્યા 1 - image


ખાલિસ્તાનીઓ મુદ્દે કેનેડા સાથે તણાવ વચ્ચે બ્રિટનમાં નવો વિવાદ

ખાલિસ્તાની સમર્થકોએ દોરાઈસ્વામીના કાર ખોલવા પ્રયત્ન કર્યો  ઘર્ષણ ટાળવા માટે ભારતીય હાઈકમિશનર રવાના થઈ ગયા

ગ્લાસગો/વોશિંગ્ટન: ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો તળિયે પહોંચ્યા છે. આવા સમયે સ્કોટલેન્ડમાંમાં કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈકમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ગુરુદ્વારામાં જતા રોક્યા હતા. એટલું જ નહીં તેમની સાથે મારામારીનો પ્રયત્ન કર્યો હતો. જોકે, હાઈકમિશનરની સમયસૂચકતાથી મોટી ઘટના ટળી હતી. બીજીબાજુ વિદેશ મંત્રી જયશંકરે ફરી કેનેડાની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે કેનેડામાં જે થઈ રહ્યું છે તે સામાન્ય નથી.

બ્રિટનના ગ્લાસગો ખાતે ગુરુદ્વારા સમિતિ, ભારતીય હાઈકમિશનર અને કોન્સ્યુલેટ દ્વારા એક સામુદાયિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ભાગ લેવા માટે ગુરુદ્વારાએ ભારતીય હાઈકમિશનર વિક્રમ દોરાઈસ્વામીને આમંત્રણ આપ્યું હતું. ખાલિસ્તાની સમર્થકોને આ કાર્યક્રમની જાણ થઈ જતાં વિક્રમ દોરાઈસ્વામી ગુરુદ્વારા પહોંચ્યા ત્યારે તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. તેમણે ગુરુદ્વારા સમિતિને ધમકાવી હતી અને વિક્રમ દોરાઈસ્વામીને ગુરુદ્વારામાં જતા રોક્યા હતા. 

ખાલિસ્તાની સમર્થકોએ તેમની કારનો દરવાજો ખોલીને મારામારીનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે, ગુરુદ્વારા સમિતિના એક સભ્યે તેમને કારનો દરવાજો ખોલતા અટકાવ્યા હતા. ત્યાર પછી અનિચ્છનીય ઘટના ટાળવા દોરાઈસ્વામી ત્યાંથી રવાના થઈ ગયા હતા.

ભારતીય હાઈકમિશને આ મુદ્દો બ્રિટિશ સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી. ભારતીય દૂતાવાસે કહ્યું કે, ત્રણ ખાલિસ્તાનીઓએ તેમને ધમકી આપી અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. કોઈપણ સંભવિદ વિવાદ રોકવા એચસી અને સીજીએ ત્યાંથી જતા રહેવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય હાઈકમિશનરને રોકનારા ત્રણેય સ્કોટલેન્ડની બહારના હતા. આયોજકોમાં સમુદાયના સીનિયર લિડર્સ, મહિલાઓ અને સમિતિના સભ્ય તથા સ્કોટિશ સાંસદ પણ હતા. પોલીસે આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ.

બીજીબાજુ સ્કૉટલેન્ડ પોલીસના પ્રવક્તાએ કહ્યું કે, અમને શુક્રવારે ગ્લાસગોના આલ્બર્ટ ડ્રાઈવ ક્ષેત્રમાં થયેલી ગડબડ અંગે માહિતી મળી હતી. કોઈના ઘાયલ થવાના અહેવાલ નથી. પોલીસ સ્થાનિક લોકોની પૂછપરછ કરી છે.

દરમિયાન ભારતના વિદેશ મંત્રી જયશંકરે અમેરિકામાં કેનેડા સાથેના વિવાદ મુદ્દે પશ્ચિમી દેશની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, કેનેડામાં જે થઈ રહ્યું છે તેને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. કેનેડામાં ભારતીય મિશન અને રાજદૂતો વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો અપાઈ રહ્યા છે અને ભારતીય મિશન બહાર હિંસા થઈ રહી છે. આમ છતાં આ મુદ્દે કેનેડા સરકારે ચૂપકિદી સેવી રાખી છે અને ખાલિસ્તાની તત્વોને ખુલ્લી છૂટ આપી છે. ભારતયી મિશન બહાર સ્મોક બોમ્બ ફોડવામાં આવી રહ્યા છે. શું આ સામાન્ય બાબત છે? અન્ય કોઈ દેશમાં આવું થયું હોત તો તમારી શું પ્રતિક્રિયા હોત તેવો પણ તેમણે સવાલ કર્યો હતો. તેમણે વધુ એક વખત નિજ્જરની હત્યા મુદ્દે કેનેડા સરકારને નક્કર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું.


Google NewsGoogle News