'કેનેડાના પીએમ ટ્રુડો સાથે મારે ડાયરેક્ટ કોન્ટેક્ટ, ભારત વિરૂદ્ધ મેં જ માહિતી આપી', ખાલિસ્તાની પન્નુની મોટી કબૂલાત
Khalistani Terrorist Pannun Big Statement : એક તરફ ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો સાથે પોતાના સીધા સંબંધોની વાત કબૂલી છે. પન્નુએ દાવો કર્યો કે તેઓ છેલ્લા ત્રણ વર્ષમાં ટ્રુડોના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રહ્યા છે અને તેમણે જ ભારત વિરૂદ્ધ માહિતી ઉપલબ્ધ કરાવી, જેના પર ટ્રુડોએ કાર્યવાહી કરી.
કેનેડાએ ગત વર્ષ થયેલી ખાલિસ્તાની સમર્થક નિજ્જરની હત્યા મામલે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારબાદ સોમવારે કેનેડાએ છ ભારતીય રાજદૂતોને સસ્પેન્ડ કરી દીધા. આ વચ્ચે પન્નુએ કેનેડાની ચેનલ સીબીસી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં પન્નુએ કહ્યું કે આ કાર્યવાહી તેના કહેવા પર થઈ છે.
પન્નુએ કહ્યું કે, 'ગુરૂના આશીર્વાદથી અમે શીખ લોકો જીવનના સિદ્ધાંતનું પાલન કરીએ છીએ. જે દિવસે અમે પેદા થયા, તે દિવસે મૃત્યુની તારીખ લખેલી હોય છે, એટલા માટે હું ભારતની હત્યાની ધમકીઓ અને ભારત સરકાર દ્વારા મારા વિરૂદ્ધ સતત રચાઈ રહેલા હત્યાના ષડયંત્રોથી નથી ડરતો, ભલે તે કેનેડામાં હોય કે અમેરિકામાં. પરંતુ નિશ્ચિત રીતે અંતે હું ખાલિસ્તાની અભિયાન ત્યારે જ ચલાવી શકીશ જ્યારે હું જીવિત રહીશ. એટલા માટે હું એ નક્કી કરવા માટે તમામ સુરક્ષા ઉપાય કરી રહ્યો છું કે હું ખુદને સુરક્ષિત રાખી શકું અને દુનિયાભરમાં ખાલિસ્તાની કેમ્પેઈન ચલાવી શકું.'
કમિટી માત્ર દેખાડો છે, તેઓ તપાસ નથી કરી રહ્યા પરંતુ... : પન્નુ
કેનેડાના પત્રકારે સવાલ કર્યો કે ભારત સરકારે નિજ્જર હત્યા કેસની તપાસ માટે કમિટીની રચના કરી છે. વિક્રમ યાદવની ધરપકડ અંગે તમે શું વિચારો છો? જેના પર આતંકવાદી પન્નુએ કહ્યું કે, 'કમિટી માત્ર એક દેખાડો છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ખાલિસ્તાનીઓની સાથે ભારતીય ન્યાય પ્રણાલીનો કેવો અનુભવ રહ્યો છે. કારણ કે અમે તેમના બંધારણને માન્યતા નથી આપતા, તેમની ન્યાય પ્રણાલી પક્ષપાતભરી છે, તે હંમેશા શીખ સમુદાય પ્રત્યે પક્ષપાત રાખે છે, વિશેષ કરીને તે લોકો પ્રત્યે જે આલોચનાત્મક અસહમતિપૂર્ણ મંતવ્ય રાખે છે. જેમ કે હું.'
આ પણ વાંચો : આતંકવાદીઓને આશ્રય, ભારત વિરુદ્ધ ષડયંત્ર, જાણો કેવી રીતે કેનેડા બન્યું 'નવું પાકિસ્તાન'
આતંકવાદી પન્નુએ કહ્યું કે, 'કમિટીને અમેરિકન વકીલ પક્ષ, ન્યાય વિભાગ દ્વારા તમામ માહિતી આપવામાં આવી હતી કે એક વ્યક્તિ છે, જે RAWમાં કામ કરે છે અને સીધા NSA અજીત ડોભાલને રિપોર્ટ કરે છે અને અજીત ડોભાલ સીધા પ્રધાનમંત્રી કાર્યાલયને રિપોર્ટ કરે છે. એટલા માટે આ તપાસ કમિટીનો કોઈ મતલબ નથી. આ માત્ર અમેરિકા કે કેનેડાની સામે એક ચહેરો અને એક કવર અપ ચહેરો બનાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે કે તે એક હત્યાના ષડયંત્રની તપાસ કરી રહ્યા છે. જો તમે મને પૂછશો કે મારું માનવું શું છે તો મને વિશ્વાસ છે કે તે તપાસ નથી કરાવવા જઈ રહ્યા. આ હત્યાના ષડયંત્ર પાછળ કોણ છે? તે મૂળ રીતથી તપાસ કરશે કે તે મારી હત્યા કેવી રીતે નહીં કરી શકે. શું ખોટું થયું? તેમણે એક અમેરિકન અન્ડરકવરને શા માટે કામ પર રાખ્યો? આ કેવી રીતે થયું?'
વેંકૂવર અને ટોરંટોમાં ભારતીય દૂતાવાસને હંમેશા માટે બંધ કરી દેવું જોઈએ : પન્નુ
આતંકવાદી પન્નુએ કહ્યું કે, 'પરંતુ મને લાગે છે કે ભારતીય રાજદૂતને સસ્પેન્ડ કરવા, જેણે ભારતીય એજન્ટોને રસદ અને ગુપ્ત મદદ કરી, જેમણે હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી, ન્યાય મળવાનો નથી. આ માત્ર એક શરૂઆત છે. પ્રો કેનેડિયન શીખ તરીકે અમે ઈચ્છીએ છીએ કે વેંકૂવર અને ટોરંટોમાં ભારતીય દૂતાવાસને હંમેશા માટે બંધ કરી દેવું જોઈએ. કારણ કે ભારતીય રાજદૂતને સસ્પેન્ડ કર્યા બાદ ભારત દ્વારા ખાલી જગ્યા ભરવા માટે અન્ય રાજદૂતોને મોકલવામાં આવશે અને તેનું જાસૂસી નેટવર્ક ક્યારેક ખતમ નહીં થાય. આ કેનેડાની સંપ્રભુતા માટે એક સીધો પડકાર છે.'