અમેરિકામાં જનમત સંગ્રહના તમાશા વચ્ચે બે ખાલિસ્તાની જૂથો અંદરો-અંદર મારામારી પર ઉતરી આવ્યા
image : Socialmedia
વોશિંગ્ટન,તા.03 ફેબ્રૂઆરી 2024,શનિવાર
ભારત સાથે દોસ્તીનો દાવો કરતા અમેરિકામાં ભારત વિરોધી અને ભારત સામે ઝેર ઓકનારા ખાલિસ્તાનીઓને વાણી સ્વાતંત્ર્યના નામે ગમે તે કરવાની છૂટ આપવામાં આવતી હોય છે.
જેના કારણે ખાલિસ્તાનીઓ વારંવાર ભારત વિરોધી દેખાવો કરતા હોય છે. જોકે સાન ફ્રાન્સિસ્કો શહેરમાં યોજાયેલા આવા જ એક કાર્યક્રમમાં ખાલિસ્તાનીઓ અંદરો અંદર મારામારી પર ઉતરી આવ્યા હતા.
સાન ફ્રાન્સિસ્કો શહેરમાં 28 ફેબ્રુઆરીએ ખાલિસ્તાન માટે કથિત જનમત સંગ્રહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભારત વિરોધી પોસ્ટરો લગાવાયા હતા પણ આ કાર્યક્રમ દરમિયાન બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો અને જોત જોતામાં મારામારી શરુ થઈ ગઈ હતી. આ પૈકીનુ એક જૂથ મેજર સિંહ નિજ્જર તેમજ બીજુ જૂથ સરબજીત સિંહ સબીનુ હોવાનુ કહેવાઈ રહ્યુ છે.
એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નૂ દ્વારા મેજર સિંહ નિજ્જરના ગ્રુપને સાઈડ લાઈન કરવામાં આવી રહ્યુ છે. આ જનમત સંગ્રહમાં પન્નૂ પણ હાજર હતો.
જોકે પન્નૂની હરકતોથી મેજર સિંહનુ જૂથ રોષે ભરાયેલુ હતુ અને જનમત સંગ્રહના નામે થયેલા તમાશમાં ખાલિસ્તાનીઓ જ અંદરો અંદર બાખડી પડયા હતા.