અમેરિકાની અવળચંડાઇ: PM મોદીના પ્રવાસ પહેલા વ્હાઇટ હાઉસમાં ખાલિસ્તાની સમર્થકોની મુલાકાત
PM Modi US Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (21મી સપ્ટેમ્બર) વહેલી સવારે અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થઈ ગયા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ક્વાડ (Quad) સમિટમાં ભાગ લેશે. જો કે, પીએમ મોદીના અમેરિકા પહોંચ્યા પહેલા ખાલિસ્તાની સમર્થકોએ વ્હાઇટ હાઉસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસે ખાલીસ્તાનીઓને આંતરરાષ્ટ્રીય હુમલાઓ સામે સુરક્ષા પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.
વ્હાઇટ હાઉસે આશ્વાસન આપ્યું
વ્હાઇટ હાઉસે ખાલીસ્તાનીઓને આશ્વાસન આપતા કહ્યું કે, 'તે અમેરિકી નાગરિકોને દેશની સીમાઓ અંદર કોઇ પણ પ્રકારના નુકસાનથી બચાવવા માટે તેમની સાથે ઉભો છે.' આ ઘટનાક્રમ એવી ચિંતાઓ વચ્ચે સામે આવ્યો છે, જ્યારે કેનેડા અને અમેરિકા ખાલિસ્તાની અલગતાવાદીઓને શરણ આપી રહ્યા છે.
ખાલિસ્તાની સમૂહો પર ભારતમાં પ્રતિબંધ
હકિકતમાં, ખાલિસ્તાન આંદોલન સાથે જોડાયેલા જૂથો ભારતમાં પ્રતિબંધિત છે. આમાંથી ઘણાં સંગઠનોએ પાછલા કેટલાક દાયકાઓમાં ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપ્યું છે. જો કે, અમેરિકાએ આવા તત્ત્વોને આશ્રય આપવા પર કોઇ સત્તાવાર ટિપ્પણી કરી નથી, પરંતુ કેનેડા આ આંદોલનને 'અભિવ્યક્તિની સ્વતંત્રતા' ગણાવી સમર્થન આપી રહ્યું છે.
વિદેશ મંત્રી જયશંકરની પ્રતિક્રિયા સામે આવી
વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ પહેલાં ખાલીસ્તાનીઓની વ્હાઇટ હાઉસ મુલાકાત પર વિદેશ મંત્રી એસ. જયશંકરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, 'ભારત અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરે છે અને તેનું પાલન પણ કરે છે, પરંતુ આનું અર્થ વિદેશી રાજકારણીઓને ધમકાવવા કે હિંસાની વકિલાત કરનારા તત્ત્વોને રાજકીય સ્થાન આપવાની સ્વતંત્રતા નથી.'
વધુમાં તેમણે કહ્યું કે, 'કોઇ પણ નિયમ આધારિત સમાજમાં તમે વિચારશો કે તમે લોકોના બેકગ્રાઉન્ડની તપાસ કરશો, તેઓ કઇ રીતે આવ્યા, તેમની પાસે કયો પાસપોર્ટ હતો, વગેરે... જો તમારી પાસે એવા લોકો છે જેમનું અસ્તિત્વ પોતે જ શંકાસ્પદ દસ્તાવેજો પર નોંધાયેલો હોય તો આ તમારા વિશે શું જણાવે છે? હકિકતમાં આ જણાવે છે કે તમારું વોટ બેન્ક તમારા કાયદાના શાસનથી વધુ શક્તિશાળી છે.'
આ પણ વાંચોઃ ટેલિગ્રામ દેશ માટે ખતરો, યુક્રેને રશિયા પર ગંભીર આરોપ લગાવી 'એપ' પર લગાવ્યો પ્રતિબંધ
ખાલીસ્તાનીઓએ આભાર વ્યક્ત કર્યો
આ બેઠક સત્તાવાર રીતે વ્હાઇટ હાઉસ પરિસરમાં યોજાઇ હતી. જેમાં અમેરિકન શીખ કોક્સ કમિટિ, શીખ ગઠબંધન અને શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન અમેરિકન શીખ કોક્સ કમિટિના સંસ્થાપક પ્રીતપાલ સિંહે જણાવ્યું કે, 'કાલે અમને અમેરિકી શીખોના જીવ બચાવવા અને અમારા સમુદાયની સુરક્ષામાં સાવચેતી રાખવા બદલ સિનિયર કેન્દ્રીય સરકારી અધિકારીઓનો આભાર વ્યક્ત કરવાની તક મળી હતી. અમે તેમને વધુ સુરક્ષા પૂરી પાડવા કહ્યું, તેઓએ અમને આશ્વાસન આપ્યું અને અમને વિશ્વાસ છે કે તેઓ અમને સુરક્ષા પુરી પાડશે.'