કોણ છે બેગમ ખાલિદા જિયા? શેખ હસીનાએ છોડતાં જેલમાંથી આવ્યા બહાર, ભારત માટે ચિંતાજનક
Bangladesh Violence : બાંગ્લાદેશમાંથી શેખ હસીનાને હટાવ્યા પછી સેનાએ દેશ પર કંટ્રોલ મેળવી લીધો છે. ત્યારે સૌથી પહેલા રાષ્ટ્રપતિએ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) નેતા બેગમ ખાલિદા ઝિયાને નજરકેદમાંથી મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઝિયા બે વખત વડાપ્રધાન રહી ચૂક્યા છે. પૂર્વ પીએમ બેગમ ખાલિદા ઝિયાની પાર્ટી BNPનો ઝુકાવ હંમેશા ઈસ્લામિક કટ્ટરપંથીઓ તરફ રહ્યો છે. જે હંમેશાથી પાકિસ્તાનની વકીલાત કરતાં રહ્યા છે. ખાલિદા ઝિયાના શાસનકાળમાં આ દેશ આતંકવાદીઓનું આશ્રયસ્થાન બની ગયો હતો. આવી સ્થિતિમાં જો ખાલિદા ઝિયા ફરી એકવાર ત્યાં શક્તિશાળી બનશે તો બાંગ્લાદેશનો ઝુકાવ પાકિસ્તાન અને ચીન તરફ વધી જશે.
ખાલિદા ઝિયાના શાસનમાં ભારત અને બાંગ્લાદેશ સંબંધો ખરાબ હતા
બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાના શાસનકાળ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ક્યારેય સૌહાર્દપૂર્ણ નહોતા રહ્યા. ખાલિદા હંમેશા ભારત કરતાં ચીન અને પાકિસ્તાનને વધુ પસંદ કરતી હતી. ખાલિદાના સમયમાં બાંગ્લાદેશના ભારત સાથેના સંબંધો હંમેશા ખરાબ જ રહ્યા હતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કહેતા હતા કે 'તમે મિત્રો બદલી શકો છો, પણ પડોશી નહીં'. આવી સ્થિતિમાં તમારા પાડોશીનો વ્યવહાર તમને ખુશી આપી શકે છે, અને તમારી ચિંતાઓ વધારો પણ કરી શકે છે.
ભારતમાં જે પૂર્વોત્તર રાજ્યો છે, ત્યાં કાર્યરત આતંકવાદી સંગઠનોને બાંગ્લાદેશના મુખ્ય આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન અને ખાલિદા ઝિયાની પાર્ટી BNP દ્વારા પરોક્ષ રીતે સમર્થન આપે છે. ભારતની ગોદમાં બેઠેલા બાંગ્લાદેશ, કે જેની 4000 કિલોમીટરની સરહદ ભારત સાથે જોડાયેલી છે. એક તરફ બંગાળની ખાડી છે તો બીજી તરફ પાકિસ્તાન અને ચીને ત્યાં રાજકીય અસ્થિરતાની સ્થિતિ બનાવી છે. એટલે આ ભારત માટે ચિંતાનો વિષય જરુર છે.
ભારતમાં પ્રતિબંધિત આંતકી સંગઠન પીએફઆઈનો સીધો સંબંધ બાંગ્લાદેશના જમાત-ઉલ- મુઝાહિદીન સાથે રહ્યો છે. 2018માં બિહારના બોધગયામાં થયેલા બ્લાસ્ટમાં જમાત-ઉલ-મુઝાહિદીનના આતંકવાદી અને બાંગ્લાદેશી નાગરિકો જાહિદુન ઈસ્લામ ઉર્ફ કૌસરને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.
ISI, છાત્ર શિબીર અને જમાત-એ-ઈસ્લામી
હવે બાંગ્લાદેશમાં જે સ્થિતિ સર્જાઈ છે, તેના સંદર્ભે જે વાત સામે આવી રહી છે, તે પ્રમાણે આ સ્થિતિ સર્જવામાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો હાથ છે. પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામી સાથે જોડાયેલા 'છાત્ર શિબીર' નામના સંગઠનનું નામ અહીં હિંસા ભડકાવવા માટે જવાબદાર માનવામાં આવી રહ્યું છે.
આ જમાત-એ-ઈસ્લામીને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાનું સમર્થન કરે છે. જમાત-એ-ઇસ્લામી તેના વિદ્યાર્થી સંઘ અને અન્ય સંગઠનો પર શેખ હસીનાની સરકારે થોડા દિવસો પહેલા પ્રતિબંધ મૂક્યો હતો. 'છાત્ર શિબિર' નામના સંગઠનનું કામ બાંગ્લાદેશમાં હિંસા ભડકાવવાનું અને વિદ્યાર્થીઓના વિરોધને રાજકીય આંદોલનમાં ફેરવવાનું હતું.
પ્રદર્શનકારોની તસવીરો સુનિયોજિત ષડયંત્ર તરફ ઈશારો કરે છે
એટલે આ વિરોધ પ્રદર્શનકારોની જે તસવીરો સામે આવી રહી છે, તે એક સુનિયોજિત ષડયંત્ર તરફ ઈશારો કરી રહી છે. આ જ વસ્તુ અફઘાનિસ્તાન અને શ્રીલંકામાં પણ જોવા મળી હતી, જ્યાં ચીન અને પાકિસ્તાનની તાકાત આવુ કરી રહી હતી.
જો કે પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશમાં પણ આ તખ્તાપલટના કાવતરામાં સેના સામેલ હતી અને આ ષડયંત્ર 6 મહિના પહેલા જ ઘડવામાં આવ્યું હતું. આ ષડયંત્ર માટે સતત અન્ય દેશો પાસેથી ફંડિંગ મળી રહ્યું હતું. જાન્યુઆરી 2024થી જ ધીમે ધીમે આ ષડયંત્ર માટે મેદાન તૈયાર કરવામાં આવ્યું હતું. આ મામલે બાંગ્લાદેશના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને જમાત-એ-ઈસ્લામીના લોકો વચ્ચે સતત બેઠકો ચાલુ હતી. વિદ્યાર્થીઓનું આંદોલન અહીંથી શરૂ થયું અને ધીમે ધીમે આતંકવાદી દળો તેમાં જોડાવા લાગ્યા.
ઢાકા યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓ નાહીદ ઈસ્લામ, આસિફ મહમૂદ અને અબુ બકર એ બાંગ્લાદેશમાં આટલું મોટું આંદોલન ઊભું કર્યું. હવે આ ત્રણેય અહીં વચગાળાની સરકારની રૂપરેખા નક્કી કરી રહ્યા છે.
આ પરિસ્થિતિ ભારત માટે ચિંતાનો વિષય છે કે, જે દેશને ભારતે પાકિસ્તાનના બે ટુકડા કરીને બનાવ્યો છે, જો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા, આતંકવાદી સંગઠનો અને ચીનની અન્ય શક્તિઓ સાથે મળીને આ દેશને ચલાવવા લાગશે તો ભારત માટે ખતરો વધી જશે.