UAEમાં ભારતીયનું નસીબ ચમક્યું, 70 કરોડની લોટરી જીતી, મિત્રો સાથે ઈનામી રકમ શેર કરશે
Indian Win Lottery in UAE | એવું કહેવાય છે ને કે ઉપરવાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડ કે... આ કહેવત સાચી સાબિત થઇ. યુએઈમાં મેડિકલ ક્ષેત્રમાં કામ કરતાં ભારતીયની કિસ્મત રાતોરાત ચમકી ગઈ છે. મનુ મોહન નામના આ ભારતીય યુવકે યુએઈની પ્રસિદ્ધ બિગ ટિકિટ રેફલમાં રૂ. 70 કરોડની રકમ જીતી છે. બહેરીનમાં કામ કરી કરતાં મનુ માટે 535948 નંબર લકી સાબિત થયો હતો.
મનુ સાચા અર્થમાં નસીબનો બળિયો નીકળ્યો છે. તેણે કરોડોની રકમ એવી ટિકિટ પર જીતી છે જેણે તે ખરીદી જ નહતી. રિપોર્ટ મુજબ, 26 ડિસેમ્બર, 2024ના રોજ બિગ ટિકિટ રેફલમાં તેને એક ટિકિટની ખરીદી પર બીજી ટિકિટ ફ્રીમાં મળી હતી. જ્યારે, લાઈવ શૉ દરમિયાન હોસ્ટે મનુને ફોન કરીને જણાવ્યું કે, તેણે 3 કરોડ દિરહમ જીત્યો છે ત્યારે તેને વિશ્વાસ જ ન થયો.
બહેરીનમાં છેલ્લા સાત વર્ષથી નર્સ તરીકે કામ કરી રહેલા મનુએ જીત બાદ જણાવ્યું કે, તેણે 16 મિત્રો સાથે મળીને આ ટિકિટ ખરીદી હતી. છેલ્લા પાંચ વર્ષથી તેઓ ટિકિટ ખરીદી રહ્યાં હતા. પરંતુ, નસીબ સાથ નહોતું આપી રહ્યું. જોકે 2025ની આ સૌથી મોટી ઈનામી રકમ છે. મનુએ કહ્યું કે, આ રકમ હું મારા 16 મિત્રો સાથે શેર કરીશ. ઘણા મિત્રો પર હાલમાં ઉધારીના દબાણ હેઠળ છે, જ્યારે ઘણા લગ્ન કરવા માંગે છે. ગત મહિને ભારતીય પ્રવાસી અરવિંદ અપ્પુકુટ્ટને રૂપિયા 59 કરોડની રકમ જીતી હતી.