સ્કૂલમાં ભયાનક આગથી 17 બાળકનાં મોત, 13 દાઝી જતાં કેન્યામાં માહોલ ગમગીન, માતા-પિતા શોકાતુર
Kenya Fire News | કેન્યાની નીએરી કાઉન્ટી સ્થિત હીલ સાઇડ એન્ડશૉ પ્રાયમરી સ્કૂલમાં આવેલાં બોર્ડીંગમાં અચાનક આગ ફાટી નીકલતાં 17 બાળકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે અન્ય 13ને સખત દાહ થયા હતા. આથી મૃત્યુ આંક વધવાની પણ ભીતિ છે તેમ પોલીસ અધિકારીએ શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું. પોલીસ પ્રવક્તા રેસીલા ઓનિયાંગોએ આ માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે આ બોર્ડીંગ સ્કૂલમાં 14 વર્ષ સુધીનાં 4 બાળકોને લેવામાં આવે છે.
નીએરી કાઉન્ટીના કમીશનર પાયસ મુરૂગુએ અને શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે જે બિલ્ડીંગમાં વિદ્યાર્થી રહે છે તે ત્રણ માળનું બિલ્ડીંગ છે. તેમાં 150 વિદ્યાર્થીઓ રહે છે. મોટા ભાગનાં મકાનો પાટીયાનાં જ બનેલાં હોઈ આગ ઝડપભેર ફેલાઈ જાય છે.
આ સ્કૂલમાં 824 વિદ્યાર્થીઓ છે. તે પાટનગર નૈરોબીથી 200 કિ.મી. ઉત્તરે આવેલા મધ્યસ્થ ઉચ્ચ પ્રદેશમાં આવેલી છે. મધ્ય અને દક્ષિણ આફ્રિકામાં જંગલો ઘણાં હોવાથી મોટા ભાગનાં ઘરો તો લાકડાનાં જ બનેલાં હોય છે. તેથી આગ લાગવી સહજ છે.
આ આગ પછી મૃતક બાળકોનાં માતા-પિતા ભારે હૈયે બાળકોના મૃતદેહો શોધી રહ્યાં હતા.
આ દુર્ઘટના પછી પ્રમુખ વિલિયમ હૂતોએ તે સમાચારોને દ્રવ્ય-દ્રાવક કહ્યા હતા. સાથે X ઉપર કરેલા ટ્વિટમાં જણાવ્યું હતું કે આ માટે જવાબદારોને સખતમાંથી સખત સજા કરાશે. ઉપ પ્રમુખ રિગાથી ગયાગુઆએ શાળાઓના વહીવટકર્તાઓને સલામતી માટે આપેલી માર્ગદર્શક રેખાને યોગ્ય રીતે અનુસરવા અનુરોધ કર્યો હતો.
બાળકોને જવા આવવાનો સમય બચે તે માટે ઘણાં માતા-પિતા, ખાસ કરીને જેઓ સ્કૂલથી દૂર રહે છે તેઓ તેમનાં બાળકોને બોર્ડીંગ સ્કૂલમાં મુકે છે.
કેટલાક સમય પૂર્વે વિદ્યાર્થીઓએ જ કામનાં દબાણ અને બોર્ડીંગની પરિસ્થિતિ અંગે વિરોધ દર્શાવવા શાળાનાં મકાનને આગ ચાંપી હતી. તો ઘણીવાર ડ્રગના બંધાણીઓ ડ્રગના નશામાં જ સ્કૂલને આગ ચાંપી દેતાં હોય છે.