ટેક્સ વધારાની ભલામણ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો, સંસદને લગાવી આગ, આ દેશમાં બળવો શરૂ
Image: IANS |
Protest in Kenya: કેન્યાની સંસદમાં ટેક્સ વધારાને લઈને રજૂ કરવામાં આવેલા બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. મંગળવારે મોટી સંખ્યામાં વિરોધીઓએ કેન્યાની સંસદને ઘેરી લીધી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓના એક જૂથે સંસદમાં આગ લગાવી દીધી હતી. ઘટના સમયે અંદર ફસાયેલા સાંસદોને ફાયર બ્રિગેડ અને અન્ય સુરક્ષા એજન્સીઓની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. કેન્યામાં ચાલી રહેલા આ ઉગ્ર વિરોધમાં બે લોકોના મોત થયા છે.
મંગળવારે સંસદમાં આગ લગાડતા પહેલા, પોલીસકર્મીઓએ રાજધાની નૈરોબીમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. આ વિરોધમાં હજારો લોકો ભાગ લઈ રહ્યા છે, અને દેશના સાંસદો વિવાદાસ્પદ ફાઇનાન્સ બિલમાં પ્રસ્તાવિત નવા ટેક્સ નિયમો વિરુદ્ધ મતદાન કરવાની માંગ કરી રહ્યા છે. આ વિરોધ લાંબા સમયથી ચાલી રહ્યો છે, ગત સપ્તાહે વિરોધ દરમિયાન બે લોકોના મોત થયા હતા.
ઈજાગ્રસ્તો માટે હંગામી મેડિકલ કેમ્પ
મંગળવારે પ્રદર્શનમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. દેખાવો દરમિયાન ઘાયલ થયેલા લોકોને સારવાર આપવા માટે દેશભરના ડોકટરોએ ઘણા શહેરોમાં ઇમરજન્સી હંગામી મેડિકલ કેમ્પ લગાવ્યા છે. કેન્યાના લોકો આ શિબિરો માટે પૈસા અને સામગ્રીનું દાન કરી રહ્યા છે.
નવા બિલના કારણે આ સામાનની કિંમતમાં વધારો થશે
કેન્યામાં સાંસદોએ નવા ટેક્સની ઓફર કરતાં બિલ પર મતદાન કર્યું હતું. નવા ટેક્સમાં 'ઇકો-લેવી' પણ સામેલ છે, જે સેનિટરી પેડ્સ અને ડાયપર જેવી વસ્તુઓની કિંમતમાં વધારો કરશે. વિરોધ ઉગ્ર બન્યા પછી, 'બ્રેડ' પર ટેક્સ લાદવાની દરખાસ્ત પડતી મૂકવામાં આવી હતી, પરંતુ વિરોધીઓ હજુ પણ નવુ બિલ પસાર ન કરવાની માગ કરી રહ્યા છે.
કેન્યાના માનવાધિકાર પંચે મંગળવારે વિરોધીઓ પર ગોળીબારનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે આ અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે. માનવ અધિકાર પંચે રાષ્ટ્રપતિ વિલિયમ રુટો વિરુદ્ધ 'X' પર પોસ્ટ કરી છે કે, 'દુનિયા તમને જુલમ તરફ આગળ વધતા જોઈ રહી છે, તમારી સરકારમાં લોકશાહી પર હુમલો થયો છે. વિરોધીઓ પર ગોળીબારમાં પ્રત્યક્ષ કે આડકતરી રીતે સામેલ તમામને જવાબદાર ઠેરવવા જોઈએ.'