બ્રિટનમાં સ્ટાર્મરનો 'સપાટો', સુનકનું 'સુરસુરિયું'

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
બ્રિટનમાં સ્ટાર્મરનો 'સપાટો', સુનકનું 'સુરસુરિયું' 1 - image


- સંસદની 650માંથી લેબર પાર્ટીને 412, કન્ઝર્વેટિવ પાર્ટીને 121 બેઠકો

- મુક્ત વેપાર કરારમાં બ્રિટન અને ભારત ઝડપથી આગળ વધશે, સ્ટાર્મરનું જમ્મુ-કાશ્મીર, ખાલિસ્તાન મુદ્દે ભારતને સમર્થન

- લેબર પાર્ટીનું 14 વર્ષે સત્તા પર પુનરાગમન, કન્ઝર્વેટિવ પાર્ટીનો 1906 પછી કારમો પરાજય, 250 બેઠકો ગુમાવી

- મધ્યમ માર્ગી લિબરલ ડેમોક્રેટ્સનો 71, એસએનપીનો 13, અન્યોનો 34 બેઠકો પર વિજય

- બ્રિટિશ ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત પૂર્વ વડાપ્રધાનનો પરાજય, લિઝ ટ્રસ સહિત 11 કેબિનેટ મંત્રી હાર્યા

લંડન : યુનાઈટેડ કિંગ્ડમ પર દોઢ દાયકા કરતાં વધુ સમયથી શાસન કરતા કન્ઝર્વેટિવ પક્ષે ૨૦૨૪ની કેન્દ્રીય ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરવો પડયો છે. દુનિયાના સૌથી જૂના લોકતંત્રોમાંની એક ૬૫૦ બેઠકોવાળી બ્રિટિશ સંસદમાં ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન રિશિ સુનકના નેતૃત્વની કન્ઝર્વેટિવ પાર્ટીએ વિક્રમી ૨૫૦ બેઠકો ગુમાવવી પડી છે. બીજીબાજુ લેબર પક્ષ ૧૪ વર્ષે પહેલી વખત બ્રિટનમાં સત્તા પર પાછો આવ્યો છે.  કેર સ્ટાર્મરના નેતૃત્વમાં લેબર પાર્ટીએ ૪૨૧ બેઠકો જીતી છે.

બ્રિટનમાં ૬૧ વર્ષીય સર કેર સ્ટાર્મરના નેતૃત્વમાં લેબર પાર્ટીએ ૬૫૦ બેઠકોના હાઉસ ઓફ કોમન્સમાં ૪૨૧ બેઠક પર વિજય મેળવ્યો છે જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી માત્ર ૧૨૧ બેઠકો પર સમેટાઈ ગઈ હતી. આ ચૂંટણીમાં લેબર પાર્ટીને ૨૦૧૯ની ચૂંટણી કરતાં ૨૧૧ બેઠકો વધુ મળી છે. 

૬૧ વર્ષીય સર કેર સ્ટાર્મર હવે બ્રિટનના ૫૮મા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. લેબર પાર્ટીનો વિજય સ્પષ્ટ થઈ જતાં સ્ટાર્મરે બકિંગહામ પેલેસમાં રાજા ચાર્લ્સ-૩ની મુલાકાત કરી હતી. આ પહેલાં ભારતીય મૂળના રિશિ સુનકે પણ બ્રિટિશ રાજાને મળીને ચૂંટણી પરિણામોથી તેમને માહિતગાર કર્યા હતા અને કન્ઝર્વેટિવ પાર્ટીના પરાજયની જવાબદારી સ્વીકારી હતી.

વર્ષ ૧૯૪૭માં ભારતની આઝાદીની જાહેરાત કરનાર લેબર પાર્ટીનું બ્રિટનમાં ૧૪ વર્ષે સત્તા પર પુનરાગમન થયું છે. સરકાર બદલાવાથી નીતિઓમાં પણ ફેરફાર થશે, જેની અસર તેના મહત્વપૂર્ણ સહયોગી ભારત પર પણ પડશે. ભારત અને બ્રિટનના સંબંધો હંમેશા એકંદરે સ્થિર રહ્યા છે. લેબર પાર્ટીના નવા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે તેમના મેનિફેસ્ટોમાં જાહેરાત કરી હતી કે તેઓ ભારત સાથે નવી વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવશે, જેમાં મુક્ત વેપારનો પણ સમાવેશ થાય છે. સાથે જ લેબર પાર્ટીએ સુરક્ષા, શિક્ષણ, ટેક્નોલોજી અને જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં પણ ભારત સાથે સહયોગ મજબૂત કરવાનું વચન આપ્યું છે. વધુમાં લેબર પાર્ટી જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારતની ટીકા કરતી આવી છે. પરંતુ સ્ટાર્મરે જમ્મુ-કાશ્મીરને ભારતનો ઘરેલુ મુદ્દો ગણાવીને કહ્યું કે, બંને પડોશી દેશો ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય રીતે તેનો ઉકેલ લાવશે.

કન્ઝર્વેટિવ પાર્ટીએ આ ચૂંટણીમાં પરાજયના અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટી ૨૦૧૯ની ચૂંટણીમાં ૩૬૪ બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે તેણે ૨૫૦થી વધુ બેઠકો ગુમાવી છે. આ પહેલાં શાસક ટોરી પક્ષે ૧૯૦૬માં કારમા પરાજયનો સામનો કરવો પડયો હતો, જેમાં આર્થર બાલ્ફોરના નેતૃત્વમાં પક્ષે ૨૪૬ બેઠકો ગુમાવી દીધી હતી. 

કન્ઝર્વેટિવ પાર્ટીના પરાજિત ઉમેદવારોમાં પૂર્વ વડાપ્રધાન લિઝ ટ્રસ અને ૧૧ કેબિનેટ મંત્રીઓનો સમાવેશ થાય છે. જોકે, ભારતીય મૂળના વડાપ્રધાન રિશિ સુનક તેમની રિચમન્ડ અને નોર્થએલર્ટન બેઠક પર ૨૩,૦૫૯ મતોથી વિજય મેળવવામાં સફળ રહ્યા છે. પરંતુ રિશિ સુનકે પક્ષના પરાજયની જવાબદારી સ્વીકારતા વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદેથી પણ રાજીનામું આપી દેશે. છેલ્લા ૨૦૦ વર્ષમાં મોટાભાગે ઈંગ્લેન્ડ પર રાજ કરનારા કન્ઝર્વેટિવ પાર્ટીના વડાપ્રધાન રિશિ સુનકે ૨૨ મેના રોજ અચાનક ચૂંટણી જાહેર કરી દીધી હતી. જોકે, તેમનો આ નિર્ણય પક્ષ માટે વિનાશક સાબિત થયો.

કન્ઝર્વેટિવ પાર્ટીના વોટ શૅરમાં પણ ઐતિહાસિકરૂપે ઘટાડો થયો છે. ચૂંટણીમાં થયેલા કુલ મતદાનમાં કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર ૨૩ ટકા વોટ જ મળ્યા છે, જે ૧૮૩૪માં પક્ષની રચના પછી સૌથી ઓછા છે. બીજીબાજુ લેબર પાર્ટીને ૩૩.૭ ટકા વોટ મળ્યા છે. બ્રિટનમાં બે મુખ્ય લેબર અને કન્ઝર્વેટિવ પક્ષ ઉપરાંત રિફોર્મ યુકે પાર્ટીના બ્રેક્સિટર અને જમણેરી વિચારસરણીવાળા નેતા નાઈઝેલ ફરાઝ સાત પ્રયાસો પછી પહેલી વખત હાઉસ ઓફ કોમન્સમાં પહોંચવામાં સફળ થયા છે. તેમના પક્ષે ચાર બેઠકો પર વિજય મેળવ્યો હતો. ફરાઝે આગામી પાંચ વર્ષ લેબર પાર્ટીને ટેકો આપવાની જાહેરાત કરી છે. આ સિવાય મધ્યમમાર્ગી લિબરલ ડેમોક્રેટ્સ ૭૧ બેઠકો જીત્યા છે. એસએનપીનો ૧૩ બેઠક પર વિજય થયો છે જ્યારે અપક્ષ સહિત અન્યો ૩૪ બેઠક જીત્યા છે.

બાજપેયીવાળી ભૂલ સુનકને પડી ભારે

વૈભવી જીવનથી લઈ વહેલા ચૂંટણીનું આયોજન સુનકના પરાજયનું કારણ

- મોંઘવારી, ટેક્સમાં વધારો, બેરોજગારી મોટી સમસ્યા, કથળતી આર્થિક સ્થિતિ સુધારવામાં સુનક નિષ્ફળ

લંડન : બ્રિટનમાં ૧૪ વર્ષના વનવાસ પછી લેબર પાર્ટીના નેતા કેર સ્ટાર્મર બ્રિટનના નવા વડાપ્રધાન બનશે. ભારતીય મૂળના રિશિ સુનકના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ કારમા પરાજયનો સામનો કર્યો છે. સુનકના પરાજય માટે અનેક કારણો જવાબદાર છે, જેમાં તેમના વૈભવી જીવનથી લઈને વહેલા ચૂંટણી કરાવવાના નિર્ણયનો સમાવેશ થાય છે.

ભારતીય મૂળના ૪૪ વર્ષીય રિશિ સુનક પર ઈનસાઈડ બેટિંગના આરોપ મૂકાયા હતા. ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ સુનકની પત્ની અક્ષતા પર કર ચોરીના આરોપ મુકાયા હતા. જોકે, સુનક પરિવારે તેને નકારી કાઢ્યા હતા. સુનકના પત્ની અક્ષતા મૂર્તિ બ્રિટનનાં સૌથી અમીર મહિલા છે. સુનક પરિવારની સંપત્તિ અંદાજે રૂ. ૬,૮૬૭ કરોડ હોવાનું મનાય છે, જે રાજા ચાર્લ્સ-ત્રીજા કરતાં પણ વધુ છે. સુનકે ક્યારેય તેમની સંપત્તિનો ખુલાસો નથી કર્યો. પરંતુ તેમનું વૈભવી જીવન બ્રિટિશ નાગરિકોમાં ચર્ચાનો વિષય રહ્યું છે. બ્રિટનની કથળતી આર્થિક સ્થિતિ અને હોસ્પિટલ વ્યવસ્થા પણ સુનકના પરાજયનું કારણ બન્યા. વડાપ્રધાન બન્યા પછી મોંઘવારી ઘટાડવાનું અને સુધારાનું સુનકે વચન આપ્યું હતું પરંતુ તેઓ તે પૂરું કરી શક્યા નહીં.

કોરોના મહામારી પછી બ્રિટનમાં મોંઘવારી, ટેક્સમાં વધારો અને બેરોજગારી મોટી સમસ્યા છે. પ્રજા આ સમસ્યાઓથી પીડિત છે તેવા સમયે સુનકને અંદાજે ૨૦,૦૦૦માં કોફીનો મગ ખરીદતા જોવા મળ્યા હતા. આ સિવાય બ્રિટનમાં ચૂંટણી નવેમ્બરમાં યોજાવાની હતી, પરંતુ સુનકે જુલાઈમાં જ ચૂંટણીની જાહેરાત કરીને જનતાને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. ૨૦૦૪માં અટલબિહારી વાજપેયીએ જેમ વહેલા ચૂંટણી કરીને ભૂલ કરી હતી. તે જ રીતે સુનકે પણ વહેલા ચૂંટણી યોજી જેનાથી પક્ષને ભારે નુકસાન થયું. વધુમાં ચૂંટણી પહેલાં છેલ્લા એક વર્ષમાં સરકારમાં રાજીનામાઓનું પૂર આવ્યું. એક વર્ષમાં ત્રણ મંત્રીઓ અને ૭૮ સાંસદોએ રાજીનામાં આપ્યા અને ચૂંટણી મેદાનમાં ઉતરવાનો ઈન્કાર કરી દીધો.


Google NewsGoogle News