શું ભારત શ્રીલંકા પાસેથી કચ્ચાથિવુ ટાપુ પાછો લઈ શકે, વિયેના સમજૂતી હેઠળ શું જોગવાઈ છે?

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
શું ભારત શ્રીલંકા પાસેથી કચ્ચાથિવુ ટાપુ પાછો લઈ શકે, વિયેના સમજૂતી હેઠળ શું જોગવાઈ છે? 1 - image

ભારતના દક્ષિણી રાજ્ય તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલો નિર્જન ટાપુ હાલમાં અચાનક ચર્ચામાં આવી ગયો છે. 'કચ્ચાથિવુ ટાપુ' નામનો આ ટાપુ હાલમાં શ્રીલંકાના અધિકારક્ષેત્રમાં આવેલો છે, પરંતુ હાલમાં ભારતનો સત્તાધારી પક્ષ અને વિપક્ષ આ મુદ્દે અચાનક સામસામે આવી ગયા છે. તેની શરુઆત એક  આરટીઆઈથી મળેલી માહિતીના આધારે થઈ છે. જેમાં જણાવવામાં આવ્યું કે, ભારતે કઈ રીતે વર્ષ 1974માં શ્રીલંકાને 'કચ્ચાથિવુ ટાપુ' સોપી દીધો હતો. 

હકીકતમાં વર્ષ 1974ની ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકારે એક કરાર પર આ ટાપુ શ્રીલંકાને સોપ્યો હતો. આરટીઆઈથી મળેલી માહિતી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના આ ટાપુને ગુમાવવા માટે અગાઉની કોંગ્રેસ સરકારોની ટીકા કરી હતી અને કહ્યું હતું કે "કોંગ્રેસ 75 વર્ષથી દેશની એકતા અને અખંડિતતાને કમજોર બનાવી રહી છે. કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકાય તેમ નથી." પીએમ મોદીના પ્રહાર બાદ કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો છે. તો વધુમાં કોંગ્રેસી નેતા મણિકમ ટાગોરે તો પીએમ મોદીને આ ટાપુ પરત લેવાનો પડકાર પણ ફેંક્યો હતો. પરંતુ હવે સવાલ એ થાય કે, શું હવે  શ્રીલંકા પાસેથી ટાપુ પાછો લઈ શકાશે? જૂના કરાર તોડવા માટે ભારત પાસે કયા વિકલ્પો છે? ચાલો આપણે મા મુદ્દાને વિગતે સમજીએ, પરંતુ એ પહેલાં આપણે ટૂંકમાં કચ્ચાથિવુની સ્ટોરી જાણવી જરુરી છે

1974માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કરાર હેઠળ આ ટાપુ શ્રીલંકાને સોંપી દીધો

કચ્ચાથિવુ ટાપુ એ 285 એકર વિસ્તાર ધરાવતો આ એક નાનકડો ટાપુ છે, જે તમિલનાડુના દક્ષિણમાં રામેશ્વરમથી આગળ અને શ્રીલંકા પહેલા પાલ્ક સ્ટ્રેટમાં આવેલો છે. આ ટાપુ પર કોઈ વસ્તી નથી, પરંતુ અહીં સેંકડો વર્ષ જૂનું કેથોલિક ચર્ચ છે, જ્યાં વર્ષમાં માત્ર એકવાર કાર્યક્રમ યોજાય છે. આ પ્રસંગે ભારત અને શ્રીલંકાના માછીમારો અહીં જાય છે. અંગ્રેજોના સમયથી આ ટાપુ પર ભારતનો કબજો રહ્યો છે, પરંતુ આઝાદી પછી સિલોન (હાલનું શ્રીલંકા) આ ટાપુ પર દાવો કરવા લાગ્યું હતું. ભારતે શરૂઆતમાં શ્રીલંકાના દાવાનો ઘણો વિરોધ કર્યો હતો, પરંતુ બાદમાં નવી દિલ્હીએ તેના પર વધુ ભાર મૂક્યો ન હતો. હાલમાં આરટીઆઈ દ્વારા મળેલી માહિતી મુજબ 10 મે, 1961ના રોજ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એક નોંધમાં લખ્યું હતું કે, હું આ ટાપુને કોઈ મહત્ત્વ નથી આપતો. અને તેના પર મારો દાવો છોડવામાં મને કોઈ સંકોચ નહીં થાય. આ નોટ તત્કાલીન કોમનવેલ્થ સેક્રેટરી વાયડી ગુંડેવિયાએ તૈયાર કરી હતી. ભારત ધીમે ધીમે આ વલણ તરફ આગળ વધતું રહ્યું અને 1974માં ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ એક કરાર હેઠળ આ ટાપુ શ્રીલંકાને સોંપી દીધો.

શું ભારત ટાપુ પાછો લઈ શકે છે?

કચ્ચાથિવુ ટાપુ પરત લેવાની માંગ અચાનક ઉભી થઈ નથી. આ પહેલા તમિલનાડુની સરકારે ભારત સરકાર પાસે આ દ્વિપક્ષીય સંધિને રદ કરવાની માંગ કરી રહી હતી. પહેલા AIADMKના જયલલિતાએ આ માંગણી ઉઠાવી હતી, પરંતુ બાદમાં તેમના વિપક્ષ DMKએ પણ તેના પક્ષમાં સમર્થન કર્યું. હાલમાં આ ટાપુ પર જે રાજકારણ ખેલાઈ રહ્યું છે તે અલગ બાબત છે, પરંતુ નિષ્ણાતો તેને એટલું સરળ નથી માનતા. પૂર્વ ભારતીય વિદેશ સેવા અધિકારી નિરુપમા મેનન રાવ શ્રીલંકા, ચીન અને અમેરિકામાં ભારતના રાજદૂત પણ રહી ચૂક્યા છે. રાવના કહેવા પ્રમાણે 1974ના ભારત-શ્રીલંકા સમજોતા કરારમાં કાયદાકીય રીતે તેને પરત કરવાનો કે સમાપ્ત કરવાની કોઈ જોગવાઈ નથી. આ કરાર 'વિયેના કન્વેન્શન ઓન ધ લો ઓફ ટ્રીટીઝ (VCLT) 1969' હેઠળ બંધનકર્તા છે.

કરારમાંથી ખસી જવા માટે શ્રીલંકાની સંમતિ જરૂરી છે

નેશનલ મેરીટાઇમ ફાઉન્ડેશન માટેના એક લેખમાં રાવે કહ્યું કે VLCTની કલમ 56 માં એ વાત સ્પષ્ટ કરે છે કે, ભારત આ સંધિમાંથી એકપક્ષીય રીતે હટી શકે નહીં. સંધિમાંથી ખસી જવા માટે ભારતે કલમ 65(1) હેઠળ શ્રીલંકાને જાણ કરવી અને તેની સંમતિ લેવી જરૂરી છે. જો શ્રીલંકાની સંમતિ પ્રાપ્ત ન થાય તો બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની કલમ 33 હેઠળ સહારો લેવો પડશે. આ સ્થિતિમાં મધ્યસ્થતાનો સહારો લઈને અથવા તૃતીય પક્ષને સામેલ કરીને શાંતિપૂર્ણ ઉકેલ શોધી શકાય છે.


Google NewsGoogle News