પાકિસ્તાન શિયાઓ માટે ખતરનાક દેશ, કાશ્મીરી એક્ટિવિસ્ટે પાડોશી દેશની યુએનના મંચ પર પોલ ખોલી
Image Source: Twitter
જિનેવા, તા. 17 માર્ચ 2024
ભારતના CAA સામે આંતરરાષ્ટ્રીય સ્તરે રોદણા રડી રહેલા પાકિસ્તાનને કાશ્મીરના જ એક એક્ટિવિસ્ટ જાવેદ બેગે યુએનની હ્યુમન રાઈટ કાઉન્સિલની બેઠકમાં અરીસો બતાવ્યો છે.
બેગે પાકિસ્તાનના શાસકોની પોલ ખોલીને કહ્યું હતું કે, પાકિસ્તાનમાં શિયા મુસ્લિમો અત્યંત બદહાલીમાં જીવી રહ્યા છે અને તેના માટે પાકિસ્તાનના પંજાબી શાસકો જવાબદાર છે. શિયાઓ માટે પાકિસ્તાન ખતરનાક દેશ બની ગયો છે. સાથે સાથે તેમણે કાશ્મીરમાં થઈ રહેલા વિકાસની પણ ચર્ચા કરી હતી અને તેની સાથે પાક કબ્જા હેઠળના કાશ્મીરની તુલના કરી હતી.
આખી દુનિયામાં ઈસ્લામોફોબિયા છે તેવો પ્રસ્તાવ યુએનમાં મુકનારા પાકિસ્તાનની આબરુના હ્યુમન રાઈટસ કાઉન્સિલની બેઠકમાં ધજાગરા થઈ ગયા હતા. એક્ટિવિસ્ટ જાવેદ બેગે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં શિયાઓ પર એ હદે અત્યાચાર વધી ગયો છે કે પાકિસ્તાનની સરકાર, મીડિયા અને ન્યાયપાલિકાએ હવે આ ગંભીર પ્રશ્ન પ્રત્યેની સંવેદનશીલ તા જ ગુમાવી દીધી છે. મને કહેવામાં કોઈ ખચકાટ નથી થઈ રહ્યો કે પાકિસ્તાનની સરખામણીએ ભારતનુ જમ્મુ કાશ્મીર એક પ્રતિભાશાળી જગ્યા બનીને ઉભરી રહ્યુ છે અને ત્યાં શાંતિ, સદભાવના તેમજ આર્થિક વિકાસના મૂળિયા મજબૂત બની ચુકયા છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં પારાચિનાર વિસ્તારમાં શિયા મુસ્લિમોને નિશાન બનાવીને હિંસા આચરવામાં આવી રહી છે. દેવબંધી તેમજ સલાફી વિચારધારાઓના પ્રચારના કારણે શિયાઓએ માઠા પરિણામ ભોગવવાના આવ્યા છે. શિયાઓને આ વિસ્તારમાં કાફિર ગણવામાં આવી રહ્યા છે. પારાચિનાર વિસ્તારમાં શીયા સમુદાય માટે ભારે નિરાશાજનક સ્થિતિ છે. 2007માં પણ સુન્ની કટ્ટરવાદી પરિબળોના હાથે હજારો શિયાઓની હત્યા કરવામાં આવી હતી.