કમલા હેરિસની કટાક્ષમય હાજર જવાબીએ ટ્રમ્પ તરફીઓને મૂંગા કરી દીધા : શ્રોતાઓએ વધાવી લીધાં
- ટ્રમ્પ તરફીઓ રેલીમાં ખલેલ પાડી રહ્યા હતા ત્યારે કમલાએ કહ્યું 'મને લાગે છે કે તમે ખોટી રેલીમાં આવી ચઢ્યા છો'
વૉશિંગ્ટન : વિશ્વની સૌથી સમર્થ અને સૌથી સમૃદ્ધ સત્તા અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. તે સાથે પ્રચાર યુદ્ધ તીવ્ર અને તીવ્ર બનતું જાય છે. બંને તરફથી 'ઘા' ઉપર 'ઘા' થઇ રહ્યા છે. તેમાં પૂર્વ પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ તો એટલી હદે ઝનૂને ચઢેલા દેખાય છે કે તે યુદ્ધનાં શબ્દો પ્રહારો કરવામાં લક્ષ્મણ રેખા પણ ઓળંગી જતા જોવા મળ્યા છે. ત્યારે ભારત વંશીય કમલા હેરિસ પૂરી મર્યાદામાં રહી તેઓની રેલી ઘણી ધમાલ કરવા માગતા ટ્રમ્પના ટેકેદારોને કટાક્ષમય હાજર જવાબીથી મૂંગા કરી દીધા હતા. રેલીમાં ઉપસ્થિતિ તેઓના સમર્થકોએ તેઓને તાળીઓથી વધાવી લીધાં હતાં.
વિસ્કોન્ઝીનમાં યોજાયેલી રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદારોએ ખલેલ પાડવાની શરૂઆત કરી ત્યારે હેરીસે કહ્યું 'તમે નાનાં શહેરની કોઈ નાની શેરીમાં પહોંચી જાવ, તમારૃં સ્થાન ત્યાં જ છે, આમ છતાં ધમાલ ચાલુ રહી ત્યારે તેઓએ 'ઘા' માર્યો હતો કે મને લાગે છે કે તમો ખોટી રેલીમાં આવી ચઢ્યા છો. આ સાથે કમલાનાં ટેકેદારોએ તેઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધાં હતાં. ટ્રમ્પના ટેકેદારો આ સાથે મૌન થઇ ગયા હતા.
જો કે સોશ્યલ મીડીયામાં મિશ્ર પ્રતિભાવો આવી રહ્યા છે. એક X યુઝરે કહ્યું હતું કે તેઓ મારા પ્રમુખ છે. તો બીજાએ લખ્યું તેઓ ગોઠવીને કહ્યું છે. આ તો બધું ખોટું છે, તેઓ સારાં અભિનેત્રી નથી.'
આ સાથે હેરિસે ગર્ભપાત જેવા સંવેદનશીલ મુદ્દાએ ટ્રમ્પને ઘેર્યા હતા. તેમજ (ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે) સુપ્રીમ કોર્ટે કેટલીક નિયુક્તીઓની પણ ટીકા કરતાં કહ્યું હતું કે રૉ વર્સિસ વેડ કેસ ઓવરરૂલ થવામાં તેની સીધી અસર પડી હતી.
જ્યારે તેઓ મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન (મેગા) વિષે બોલવા લાગ્યાં ત્યારે ટ્રમ્પના ટેકેદારો બૂમો પાડવા લાગ્યા કે તમો ખોટું બોલો છો, ખોટું બોલો છો તમો જુઠ્ઠાં છો, જુઠ્ઠાં છો. ત્યારે ઘડીભર મૌન થઇ ગયાં પછી તેઓએ કટાક્ષમય હાજર જવાબ આપતાં કહ્યું : મને લાગે છે કે તમો ખોટી રેલીમાં આવી ચઢ્યા છો. (આ તમારે ટ્રમ્પની રેલીમાં બોલવું જોઇએ તેવો તેનો ગૂઢાર્થ હતો) આ સાથે કમલા તરફી ટેકેદારોએ તાળીઓના ગગડાટ અને હર્ષનાદોથી તેઓને વધાવી લીધાં હતા.
વિસ્કોન્ઝીન તે સાત મહત્ત્વનાં રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. તે રાજ્યો પ્રમુખ પદની ચૂંટણી માટે મહત્વનાં છે : લા'ક્રોએમાં રેલીને સંબોધન કરતાં તેઓએ વિશેષત: ગર્ભપાત અને મહિલાઓનાં આરોગ્ય વિષે વધુ લક્ષ્ય કેન્દ્રિત કર્યું હતું.
વિસ્કોન્ઝીનમાં ટ્રમ્પ હેરિસ કરતાં માત્ર ૧ પર્સન્ટેજ પોઇન્ટથી આગળ છે. એવું લાગે છે કે કમલાની આ રેલી કદાચ તે તફાવત પૂરી દેશે.