ટ્રમ્પ વિટકોન્ઝીન, પેન્સિલવાનિયા એ મિશીગનમાં આગળ રહેતાં, કમલા હેરિસની વિજયી તક ઘટી હતી
- કમલા હેરિસે પ્રચાર ભાષણ રદ કર્યું
- બુધવારે સવારે ડોનાલ્ડ ટ્રમ્પ 26 રાજ્યોમાં આગળ હતા જ્યારે કમલા હેરિસ માત્ર 16 રાજ્યોમાં જ આગળ હતાં
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી પ્રથમ દ્રષ્ટિએ જ ભારે રસાકસી ભરી દેખાતી હતી પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં સૂત્ર અમેરિકા-ફર્સ્ટનો પ્રભાવ વિસ્તરતો જતો હતો. અન્ય એ વાસ્તવિકતા પ્રત્યે વિશ્લેષકો ધ્યાન દોરે છે કે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત નજીક દેખાયો. ત્યારથી જ અમેરિકા વિશ્વમાં સૌથી સમર્થ અને સૌથી પ્રબળ રાષ્ટ્ર તરીકે પ્રથમ ક્રમે આવી ગયું હતું. ત્યારથી (૧૯૪૪થી) સતત ૮૦ વર્ષ સુધી અમેરિકા વિશ્વની સર્વોચ્ચ સત્તા બની રહ્યું. તેવું અમેરિકા તેની નેતાગીરીને લીધે જ.
વિશ્વમાં નિર્બળ દેખાય તે અમેરિકનો સહન કરી શકે તેમ નથી. દ્વિતીય વિશ્વ યુદ્ધ સમયતી આજ સુધીના સમયમાં હવે ત્રીજી પેઢી યુએસમાં આગળ આવી રહી છે. તે સુષ્ટુ-સુષ્ટુ વાતો ચલાવી લેવા તૈયાર હોય તે સંભવિત નથી. તેથી જ, હવે ૧૮૧૨માં થોમસ જેફર્સને સ્થાપેલી ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી રીપબ્લિકન્સ તરફ પ્રવાહ વધ્યો હોય તેમ લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન એમ.એ.જી.એ. સાથે અમેરિકા ફર્સ્ટનું સુત્ર આપી આગળ આવી ગયા છે.
ઉલ્લેખનીય તો તે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર અનેક વિધ આરોપનામા મુકાયા હોવા છતાં તેઓ જે હિંમતથી ચૂંટણી લડી રહ્યા તેથી પણ અમેરિકાનો મતદાર વર્ગ તેઓની તરફ થયો હોવાના સ્પષ્ટ સંકેતો આપે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાધારી થશે તો વિશ્વ રાજકારણમાં આમૂલ પરિવર્તન આવી જશે તે પણ નિશ્ચિત છે. બીજી તરફ ડેમોક્રેટ કમલા હેરિસની તકો પણ ઘટી રહી હતી તેમ બુધવાર સવારે નિશ્ચિત બની ગયું હતું.
બુધવારે સવારે પ્રાપ્ય માહિતી પ્રમાણે ટ્રમ્પ વિસ્કોન્ઝીન, પેન્સિલવાનિયા અને મીશીગનમાં આગળ હતા. આ સાથે તેઓ કુલ ૨૬ રાજ્યોમાં આગળ હતા. જ્યારે કમલા હેરિસ માત્ર ૧૬ રાજ્યોમાં જ આગળ હતાં. આટલો મોટો તફાવત પૂરી શકાય તે ત્યારથી જ અસંભવિત લાગતું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તાધીશ થતાં ચીન, રશિયા, ઇરાન અને ઉત્તર કોરિયાના બનેલા ધરી-રાજ્યોની ઊંઘ ઉડી જશે તે નક્કી છે. તેમ વિશ્લેષકોએ બુધવારે સવારે જ સ્પષ્ટ જણાવી દીધું હતું.
મંગળવાર રાતના અહેવાલો જણાવે છે કે કમલા હેરિસે તેઓની ચૂંટણી પ્રચાર સભા રદ કરી ભાષણ પણ આપવાનું રદ્દ કર્યું હતું.