'મારા દાદાએ ભારતની આઝાદીની લડત લડી...', અમેરિકાના પ્રમુખની ચૂંટણી વચ્ચે કમલા થયા ભાવુક
Kamala Harris: યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે પોતાનો દાવો રજૂ કરી રહેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેના અવસર પર પોતાના દાદા-દાદીને યાદ કરીને X પર એક ભાવુક પોસ્ટ કરી છે. પોસ્ટમાં કમલાએ પોતાના દાદા-દાદી પીવી ગોપાલન અને રાજમ ગોપાલનને યાદ કરીને પરિવારનો એક જુનો ફોટો પણ શેર કર્યો છે અને ભારતમાં વિતાવેલા દિવસોને પણ યાદ કર્યા છે.
ભારતમાં વિતાવેલા દિવસોને યાદ કર્યા
રવિવારે કમલા હેરિસે પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'જ્યારે હું નાની હતી ત્યારે ભારતમાં મારા દાદા-દાદીને મળવા જતી હતી, ત્યારે મારા દાદા મને મોર્નિંગ વોક પર લઈ જતા હતા અને મારી સાથે અસમાનતા અને ભ્રષ્ટાચાર સામે લડવાના મહત્વ વિશે ચર્ચા કરતા હતા. તેઓ એક નિવૃત્ત સિવિલ સર્વન્ટ હતા, જેઓ ભારતની સ્વતંત્રતા ચળવળનો ભાગ પણ હતા.'
As a young girl visiting my grandparents in India, my grandfather took me on his morning walks, where he would discuss the importance of fighting for equality and fighting corruption. He was a retired civil servant who had been part of the movement to win India’s independence.… pic.twitter.com/vOpgtsomQN
— Kamala Harris (@KamalaHarris) September 8, 2024
સારા ભવિષ્ય માટે કામ કરવાની પ્રતિબદ્ધતા હજુ પણ મારામાં જીવંત છે
કમલા હેરિસના દાદા પીવી ગોપાલનએ દેશની આઝાદી પછી ભારત સરકાર અને સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન બ્રિટિશ વહીવટ બંને માટે કામ કર્યું હતું. કેટલાક અહેવાલો અનુસાર, ગોપાલને પૂર્વ પાકિસ્તાન(હવે બાંગ્લાદેશ)થી શરણાર્થીઓને ભારતમાં લાવવામાં પણ મદદ કરી હતી. તેમણે ઝામ્બિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કેનેથ કાઉન્ડાના સલાહકાર તરીકે પણ સેવા આપી હતી.
પીવી ગોપાલનના પત્ની રાજમ ગોપાલનને ઝામ્બિયામાં તેમના સામાજિક કાર્ય માટે ઓળખવામાં આવી હતી. કમલા હેરિસે કહ્યું, 'મારી દાદી ભારતભરમાં ફરતા હતા. તેઓ ફેમિલી પ્લાનિંગ જેવા મુદ્દાઓ પર મહિલાઓ સાથે વાત કરતા હતા. લોકોની સેવા કરવા અને તેમના સારા ભવિષ્ય માટે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતા હજુ પણ મારામાં જીવંત છે.'
આવતીકાલે ટ્રમ્પ અને હેરિસની ડિબેટ
કમલા હેરિસ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે લડી રહી છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચેનીમંગળવારે એટલે કે આવતીકાલે રાત્રે 9 વાગ્યે ફિલાડેલ્ફિયાના નેશનલ કોન્સ્ટિટ્યુશન સેન્ટરમાં ડિબેટ યોજાશે. જેનું લાઈવ ટેલિકાસ્ટ થશે.