એશિયન અમેરિકી સમુદાયમાં કમલા હેરિસ ટ્રમ્પ કરતા વધુ લોકપ્રિય, ૬૬ ટકા મત મળવાની શકયતા
એનઓરસી શિકાગો યુનિવર્સિટીના સર્વેક્ષણમાં ચોંકાવનારો ખુલાસો
હેરિસ એશિયાઇ અમેરીકી મતદાતાઓમાં ટ્રમ્પ કરતા ૧૮ અંક આગળ
વોશિંગ્ટન,25 સપ્ટેમ્બર,2024,બુધવાર
અમેરિકાના પ્રેસિડેન્સિયલ ઇલેકશનમાં વિજેતા બનવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના ઉપ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે સ્પર્ધા છે. ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાના એશિયન મૂળના સમૂદાયમાં ટ્રમ્પ કરતા વધુ લોકપ્રિયતા ધરાવે છે. એક નવા સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર હેરિસ એશિયાઇ અમેરીકી મતદાતાઓમાં ટ્રમ્પ કરતા ૧૮ અંક આગળ છે.
આ સર્વેક્ષણ એનઓરસી શિકાગો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડને પોતાનું નામાંકન પાછું ખેંચી લીધા પછી પ્રથમવાર જ સર્વે થયો હતો. સર્વે મુજબ અમેરિકામાં નવેમ્બર મહિનામાં યોજાનારા ઇલેકશનમાં ૬૬ ટકા એશિયાઇ સમૂદાયના મતદારો કમલા હેરિસ અને ૨૮ ટકા ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાં મતદાન કરી શકે છે. ૬ ટકા લોકો કોઇ અન્ય ઉમેદવાર માટે મતદાન કરી શકે છે. અગાઉ એપ્રિલ મહિનામાંં એશિયાઇ અમેરિકી મતદાતા સર્વેક્ષણમાં ૪૬ ટકા જો બાયડનને સમર્થન કરતા હતા. જયારે ટ્રમ્પના પક્ષમાં ૩૧ ટકા મતદારો હતા. કમલા હેરિસ એશિયન સમુદાયના મતદારોમાં જો બાયડેન કરતા પણ આગળ નિકળી ગયા છે. ટ્રમ્પની લોકપ્રિયતામાં પણ ક્રમશ ઘટાડો જોવા મળે છે.