ટ્રમ્પ સામેની ડિબેટમાં કમલા હેરિસનું પલ્લું ભારે

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ સામેની ડિબેટમાં કમલા હેરિસનું પલ્લું ભારે 1 - image


- તોફાની ટક્કર : બાઇડેને કરેલા ધબડકાને કમલા હેરિસે ધોઈ નાખ્યો

- ગર્ભપાત અંગે ટ્રમ્પનું વલણ મહિલા મતદારોને રિપબ્લિકન પક્ષથી વિમુખ કરી શકે છે તેવું પણ તારણ

- ટ્રમ્પે કમલાને બોર્ડર સીઝાર અને માર્કસવાદી કહ્યા, કમલાએ ટ્રમ્પને અમેરિકન મધ્યમ વર્ગનું શોષણ કરતાં ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ ગણાવ્યા

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખપદના દાવેદાર રિપબ્લિકન ફાયરબ્રાન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ્સની આક્રમક લેડી કમલા હેરિસ વચ્ચેની પ્રથમ ડિબેટે અમેરિકનોને જ નહીં સમગ્ર વિશ્વભરના રાજકીય દર્શકોને રીતસરનો જલ્સો કરાવી દીધો હતો. અમેરિકનો સહિત વિશ્વએ  ઘણા લાંબા સમય પછી આવી આક્રમક પ્રેસિડેન્સિયલ ડિબેટ નીહાળી હતી. અમેરિકન નિરીક્ષકોના જણાવ્યા મુજબ આ ડિબેટમાં ટ્રમ્પ સામે કમલા હેરિસનું પલ્લુ ભારે રહ્યું હતું. કમલાના જડબાતોડ જવાબોએ બાઇડેને ટ્રમ્પ સામે કરેલા ધબડકાને ધોઈ નાખ્યો હતો. 

આ ડિબેટ ફક્ત ડિબેટ ન રહેતા ભવિષ્યના અમેરિકા અને ભૂતકાળના અમેરિકા વચ્ચેની જાણે એક ટક્કર બની ગઈ હતી. આ ડિબેટ એક સર્વસમાવેશી અમેરિકા અને બીજું શ્વેત રાષ્ટ્રવાદના ભૂતકાળમાં રાચનારાઓ વચ્ચેની ડિબેટ હતી. તેથી જ ઘણા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આના પરથી ફક્ત અમેરિકા જ નહીં વિશ્વના ભવિષ્યનો પણ ચિતાર મળી રહેશે.

ટીવી પર મંગળવારે રાત્રે આ ડિબેટનો પ્રારંભ થયો હતો. કમલા હેરિસે ટ્રમ્પ સાથે જઈ તેના હાથ મિલાવ્યા હતા અને ટ્રમ્પે પણ તેમની સાથે ઉષ્માસભર હસ્તધૂનન કર્યુ હતુ. કમલાએ ડિબેટના અંતે જણાવ્યું હતું કે હું માનું છું કે તમે આ ચર્ચામાં આપણા દેશને લઈને બે વિઝન સાંભળ્યા છે. એક વિઝન એ છે જે ભવિષ્ય તરફ દોરી જાય છે અને બીજું ભૂતકાળ પર કેન્દ્રિત કરે છે અને આપણને ભૂતકાળમાં લઈ જાય છે. પણ આપણે ભૂતકાળમાં જવાનું નથી, આગળ જ વધવાનું છે એમ કમલા હેરિસે જણાવ્યું હતું. 

કમલાએ દાવો કર્યો હતો કે વિશ્વના આગેવાનો ટ્રમ્પ પર હસે છે. તેઓને ટ્રમ્પની રાજકીય સમજ અંગે શંકા છે. ૭૮ વર્ષના ટ્રમ્પે જણાવ્યું હતું કે શા માટે બાઇડેન-હેરિસ  તંત્રએ જે હાલમાં વચન આપ્યું છે તે કામ કર્યું નથી. કમલાએ બધી સારી-સારી વાતો કરી છે, પણ આ સાડા ત્રણ વર્ષમાં આમાથી કેટલી વાતોનો અમલ કર્યો છે. તેઓ બોર્ડર મુદ્દાનો ઉકેલ લાવી શક્યા નથી, નોકરીઓ સર્જી શક્યા નથી. 

હેરિસે જણાવ્યું હતું કે મને ખબર છે કે તમે જૂઠાણાઓ ચલાવશો, પણ તેનાથી હકીકતો બદલાવવાની નથી. કમલાએ રીતસરની મહિલા વોટ બેન્ક પર ઘા કરતા જણાવ્યું હતું કે ટ્રમ્પ ફરીથી ચૂંટાયો તો તે ગર્ભપાત વિરોધી બિલ પર સહી કરશે. આ રીતે તે મહિલાઓના પોતાના શરીર પર અધિકાર છીનવશે. તેના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આવો કોઈ અધિકાર અમારી પાસે છે જ નહી, તેના પર કમલાએ વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાજ્યોમાં હાલમાં તેના પર મતદાન ચાલી રહ્યુ છે. પણ હું આ બિલ પર સહી નહીં કરું. 

કમલા હેરિસે જણાવ્યું હતું કે તમારી રેલીઓમાં તમે હન્નિબાલ લેક્ટર જેવા પાત્રો અંગે વાત કરો છો. વિન્ડમિલના લીધે કેન્સર થાય છે તેમ કહો છો. શું તમે તે જોયું છે કે લોકો કંટાળીને તમારી રેલીઓ છોડીને જતાં રહે છે. ટ્રમ્પે તેના અંગે આરોપ મૂકતા જણાવ્યું હતું કે કમલા પુરાવા વગર ખોટા આરોપ મૂકી રહી છે. અમે રાજકીય ઇતિહાસની સૌથી મોટી રેલીઓ કરી છે. 

હેરિસે રીતસર ઓબામા સ્ટાઇલમાં અમેરિકનોની લાગણીઓનો પડઘો પાડતા જણાવ્યું હતું કે હું મક્કમપણે માનું છું કે અમેરિકન પ્રજા ઇચ્છે છે કે તેઓને એવા પ્રમુખની જરૂર છે જે આપણને એકસાથે રાખવાના મહત્ત્વને સમજે અને આપણામાં એવું ઘણું બધુ કોમન છે જે આપણને અલગ પાડવાના બદલે આપણને સાથે રાખે છે. હું પ્રતિજ્ઞાા કરું છું કે હું બધા અમેરિકનોની પ્રમુખ હોઈશ. અર્થતંત્રને લઈને ટ્રમ્પે કમલા હેરિસનો પ્રતિકાર કરતાં જણાવ્યું હતું કે દરેક જણ જાણે છે કે મારા સમયગાળામાં અર્થતંત્રમાં કેવી તેજી હતી, કરવેરામાં જબરદસ્ત ઘટાડો કરાયો હતો. જો રોગચાળો આવ્યો ન હોત તો આપણું ઇકોનોમી હજી પણ ક્યાં હોત. રોગચાળા દરમિયાન પણ આપણું ઇકોનોમી ધબકતું રહ્યું હતું. તેણે કમલા હેરિસને માર્કસવાદી વિચારસરણીને વરેલી ગણાવી હતી. તેણે કહ્યું હતું કે હાલમાં કમલા અમારા ચીલે ચાલી રહી છે, પરંતુ ચૂંટાયા પછી તે અમેરિકન અર્થંતત્રમાં પહેલી વખત માર્ક્સવાદી વિચારસરણી લાગુ કરશે. તેના પિતા ઇકોનોમીના માર્ક્સવાદી પ્રાધ્યાપક હતા. તેના જવાબમાં કમલા હેરિસે ટ્રમ્પને અમેરિકન મધ્યમ વર્ગનું શોષણ કરતાં ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે ટ્રમ્પને સામાન્ય અમેરિકન સાથે કોઈ નિસ્બત નથી. તે સીધા ટ્રમ્પ હાઉસમાંથી વ્હાઇટ હાઉસમાં આવ્યા છે.

ટ્રમ્પે હેરિસને બાઇડેનની બોર્ડર સીઝર ગણાવી હતી. તેના કાળ દરમિયાન સરહદેથી લાખો લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશી ગયા હોવાનું જણાવ્યું હતું. આના કેટલાય ગુનેગારો છે, જે અમેરિકાની ઇકોનોમી માટે ખરાબ બાબત છે. હેરિસે જણાવ્યું હતું કે અમેરિકાને એવા લીડરની જરૂર છે જે તેની મુશ્કેલીઓ શોધે અને દૂર કરે. જ્યારે અહીં તો આપણા આ આગેવાન મુશ્કેલીઓને કચડી નાખવાની વાત કરે છે, તેનો ઉકેલ લાવવાની વાત કરતાં નથી. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે તે ચૂંટણી જીતશે તો રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે. તેમણે ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાંથી પરત ખેંચાયેલા એમેરિકન દળોને બાઇડેન તંત્રની ઘોર નિષ્ફળતા ગણાવી હતી. હેરિસે જણાવ્યું હતું કે બાઇડેન તંત્રએ અમેરિકા માટે એકદમ ક્ષોભજન કહી શકાય તેવું પગલું પણ ટ્રમ્પની નીતિઓના લીધે જ ભરવું પડયું હોત. તેમણે  તાલિબાન સાથે એટલું ખરાબ ડીલ કર્યું હતું કે બાઇડેન તંત્રએ આ રીતે અમેરિકામાંથી નીકળવું પડયું ન હોત. આમ કમલા અફઘાન મોરચે બાઇડેનના ધબડકાનો દોષ ટ્રમ્પ પર ઢોળવામાં સફળ રહ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે કમલા હેરિસ ઇઝરાયેલને ધિક્કારે છે તો કમલાએ વળતા પ્રહારમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ સરમુખત્યારોનો પ્રશંસક છે. 

સામાન્ય રીતે ફોક્સ ટીવી ટ્રમ્પનું સમર્થક માનવામાં આવે છે તેણે પણ જણાવ્યું હતું કે આ ડિબેટમાં કોનં. પ્રભુત્વ રહ્યુ છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યુ છે, પરંતુ અમેરિકન પ્રમુખપદની ચૂંટણી હજી પૂરી થઈ નથી.


Google NewsGoogle News