કમલા હેરિસનું ચૂંટણી ફંડ એક અબજ ડોલર, ઓક્ટો.ના આરંભે ટ્રમ્પનું ભંડોળ 283 મિલિયન ડોલર
- નેન્સી પેલોસી કમલાને સાથ આપે છે
- આખરી યુદ્ધમાં ડેમોક્રેટ્સ છુઠ્ઠા હાથે પૈસા વાપરે છે, હોલિવૂડ સ્ટાર્સ તેઓને સમર્થન આપી રહ્યા છે
સાનફ્રાંસિસ્કો : કમલા હેરિસના પ્રચારકો અને ડેમોક્રેટિક જૂથોએ છેલ્લા ત્રણ મહિનામાં ૬૩૩ મિલિયન ડૉલર્સ ઉભા કર્યા છે. આ સાથે કમલા હેરિસનું ચૂંટણી પ્રચાર ભંડોળ ૧ અબજ ડોલર પહોંચ્યું છે. આ રીતે છેલ્લા તબક્કામાં હેરિસ ટ્રમ્પ કરતાં ઘણાં આગળ નીકળી ગયાં છે.
કમલા હેરિસ માટે ડેમોક્રેટિક નેશનલ કમિટી અને સ્ટેટ લેવર કમીટીઝ સપ્ટેમ્બર મહિનામાં જ ૩૫૯ મિલિયન ડોલર્સથી વધુ ભંડોળો એકત્રિત કર્યા હતાં. જ્યારે હેરિસે પોતાના પ્રચારકાર્ય દરમિયાન, સપ્ટેમ્બર મહિનામાં ૨૨૨ મિલિયન ડોલર્સ ઉભા કર્યા હતા.
પૈસાની રેલમ છેલને લીધે હેરિસની ટીમે ૨૭૦ મિલિયન ડોલર્સ જાહેર ખબરોનો મોટો મારો ચલાવ્યો હતો. મતદારો સુધી પહોંચવા તેમણે બિલ બોર્ડઝ મુકાવ્યાં છે, ટીવી, રેડિયો અને ઓનલાઈન પ્રચાર યુદ્ધ છેડી દીધું છે.
ફેડરલ ગવર્નમેન્ટને જાણવા મળ્યું છે કે હેરિસ કેમ્પેઇન કમીટી પાસે ઓક્ટોબરમાં ૩૪૬ મિલિયન ડોલર્સ હાથ ઉપર હતા.
ટ્રમ્પમાં ચૂંટણી પ્રચાર માટે રીપબ્લિકન નેશનલ કમિટીએ તથા તેને સંલગ્ન જૂથોે સપ્ટેમ્બરનાં ૧૬૦ મિલિયન ડોલર્સ અને ઓગષ્ટમાં ૧૩૦ મિલિયન ડોલર્સ એકઠા કર્યા હતા. આ રીતે ઓક્ટોબરનાં પ્રારંભે બેન્ક એકાઉન્ટ ૨૮૩ મિલિયન ડોલર્સ પહોંચ્યો હતો.
છેલ્લે મળતી માહિતી પ્રમાણે રવિવારે રાત્રે મુકેલા અંદાજ મુજબ ચૂંટણી ફંડમાં મળેલાં અનુદાનો પૈકી ૯૫ ટકા અનુદાનો તો, ૨૦૦ ડોલરથી નીચેનાં હતાં. આશરે ૬૦ લાખ દાતાઓને ૧૩.૧ મિલિયન ડોલર્સ જેટલો ફાળો આપ્યો હતો. જે પૈકી ૪.૩ મિલિયન દાતાઓ તેવા છે કે જેમણે પહેલી જ વાર ફાળો આપ્યો હતો.
ઉપપ્રમુખની ટીમે કહ્યું હતું કે સપ્ટેમ્બરના છેલ્લા વીક એન્ડમાં તેઓએ કેલિફોર્નિયામાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. તે દરમિયાન તેઓ ૫૫ મિલિયન ડોલર ઉભા કરી શક્યાં હતાં. જે પૈકી લોસ એન્જલસમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેઓ ૨૮ મિલિયન ડોલર ઉભા કરી શક્યાં. આ કાર્યક્રમમાં હોલિવૂડ સ્ટાર્સ જેસિકા આલ્બા લીલી ટોમ્લીન અને સ્ટીવી વન્ડર ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ પરફોર્મ પણ કર્યું હતું. સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પૂર્વ અધ્યક્ષ નેન્સી પેલોમી કમલાની સાથે ડાયસ પર હતાં.