Get The App

ઇઝરાયલના બંકર બસ્ટર બોમ્બથી કચ્ચરઘાણ હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહનું મોત

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
ઇઝરાયલના બંકર બસ્ટર બોમ્બથી કચ્ચરઘાણ  હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહનું મોત 1 - image


- હિઝબુલ્લાહના અનેક કમાન્ડર માર્યા ગયાની સંભાવના

- લડાકુ વિમાનોની પ્રચંડ બોમ્બ વર્ષામાં પુત્રી ઝૈનાબ, કમાન્ડર અલી કારસી, ઇરાનના અધિકારી સહિત 11નાં મોત અને 108ને ઇજા

- આઇડીએફે ગુપ્ત બાતમીના આધારે પાર પાડેલા ઓપરેશનની અમેરિકાને પણ ખબર ન હતી

બૈરુત : ઈઝરાયલે બૈરુત પર ગઈકાલે કરેલા હુમલામાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહને ઠાર કર્યો છે. ઈઝરાયલે હિઝબુલ્લાહના આતંકવાદીઓને ખતમ કરવા માટે આખા બૈરુતને કબ્રસ્તાન બનાવી દીધું છે.  આ કબ્રસ્તાનમાં તે એક પછી હિઝબુલ્લાહના આતંકવાદીઓને દફન કરી રહ્યુ છે. હસનની સાથે તેની પુત્રી ઝૈનાબ અને હિઝબુલ્લાહનો એક કમાન્ડર અલી કારસી પણ મૃત્યુ પામ્યો છે. આમ ઈઝરાયલે હિઝબુલ્લાહને મરણતોલ ફટકો માર્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી હિઝબુલ્લાહ ઈઝરાયલ પર મિસાઇલ વર્ષા કરી રહ્યા હતાં તે સામે ઈઝરાયલે પ્રચંડ બોમ્બ વર્ષા શરૂ કરી દીધી હતી. પરિણામે બૈરૂત પણ લગભગ કબ્રસ્તાન બની ગયું છે. દક્ષિણ બૈરૂત સ્થિત હિઝબુલ્લાહનું મુખ્ય મથક આજે ઈઝરાયલના લક્ષ્ય પર રહ્યું હતું. તેણે પ્રચંડ તેવા બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા.

લેબનોન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ તે વાતને સમર્થન આપ્યું હતું કે તેમનો વડો નસરલ્લાહ ઈઝરાયલના હુમલામાં માર્યો ગયો છે. ઈઝરાયલે શુક્રવારે કરેલા હુમલામા હિઝબુલ્લાહના વડા, નસરલ્લાહ, તેની પુત્રી ઝૈનાબ, કમાન્ડર અલી કારસી, ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડનો ડેપ્યુટી અધિકારી અબ્બાસ સહિત ૧૧ના મોત થયા છે અને ૧૦૮ને ઇજા થઈ છે. નસરલ્લાહ ૩૨ વર્ષથી હિઝબુલ્લાહનું નેતૃત્વ પદ સંભાળતો હતો. 

ઈઝરાયલની સેનાએ સોશિયલ મીડિયા સાઇટ્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'હસન નસરૂલ્લાહ હવે જગતને ત્રાસ આપી નહીં શકે.'

ઈઝરાયલી સૈન્યે વધુમાં કહ્યું હતું કે નસલ્લાહ અનેક ઈઝરાયલીઓના મૃત્યુ માટે જવાબદાર છે. તેણે માત્ર સૈનિકોની જ હત્યા કરાવી છે તેવું નથી, અનેક નિર્દોષ નાગરિકોની પણ હત્યા કરાવી છે. તેણે જ આ ઈઝરાયલ પરના સેંકડો ત્રાસવાદી હુમલાઓનું આયોજન કર્યું હતું. હિઝબુલ્લાહના તમામ વ્યૂહાત્મક નિર્ણયો તેના કહેવાથી જ લેવાતા હતા, તે ખતરનાક રણનીતિકાર પણ હતો.

ઈઝરાયલના લશ્કરના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નાડેવ શોશાનીએ જણાવ્યું હતું કે આ એર સ્ટ્રાઇકનો આધાર વર્ષો સુધી નસરલ્લાહનો ટ્રેક રાખવામાં આવ્યો તથા તેની હાજરી અંગે ઉપલબ્ધતાની રિયલ ટાઇમ ઇન્ફોર્મેશનના આધારે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. નસરલ્લાહને મારવા માટે કયા પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો તેની માહિતી આપવાનો તે ઇન્કાર કર્યો હતો. 

હિઝબુલ્લાહનું હેડક્વાર્ટર દક્ષિણ બૈરુતના દહિયાહમાં રહેણાક વિસ્તારોની નીચે બંકરમાં આવેલું હતું. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરો આ બંકરમાં હતા અને ઈઝરાયલ સામે આતંકવાદી પ્રવૃત્તિઓની તૈયારી કરી રહ્યા હતા. આમ આ હુમલામાં હિઝબુલ્લાહના બીજા ટોચના કમાન્ડરો પણ માર્યા ગયા હોવાનું કહેવાય છે. આના પગલે હાલ પૂરતું તો હિઝબુલ્લાહ દિશાવિહીન થઈ ગયું છે.

ઈઝરાયલના ખાનગી સૂત્રો દ્વારા ખબર પડી હતી કે નસરલ્લાહ પણ આ બેઠકમાં હાજર છે. તેના પછી ઈઝરાયલના લડાકુ વિમાનોએ બૈરૂત માટે ઉડાન ભરી. ઈઝરાયલે હુમલાની યોજના અત્યંત ખાનગી રાખી હતી. અમેરિકા સુદ્ધાને પણ એમ જ કહ્યું હતું કે અમે એર સ્ટ્રાઇક માટે જઈએ છીએ. 

આ હુમલો એટલો ભયંકર હતો કે બૈરૂત માટે બચવું મુશ્કેલ હતું. હુમલા પછી આખા બૈરૂત શહેર પર ધુમાડો છવાઈ ગયો હતો. ઈઝરાયલના હુમલામાં છ બહુમાળી બિલ્ડિંગો જમીનદોસ્ત કરી દેવાયા હતા. 

ઇરાનના પ્લેનને લેબનોનમાં ન ઉતરવા દેવાયું

બૈરુતની બ્રોડકાસ્ટ ફ્રીકવન્સી સંપૂર્ણપણે ઈઝરાયલના કબ્જામાં

- બૈરુતના એરપોર્ટ પર કયું પ્લેન ઉતરવા દેવું તે હવે આઇડીએફ નક્કી કરશે

તેલ અવીવ : ઈઝરાયલે બૈરુતના એરપોર્ટના કંટ્રોલ ટાવરની બ્રોડકાસ્ટ ફ્રીકવન્સી સંપૂર્ણપણે તેના કબ્જામાં લઈ લીધી છે. તેણે એક ઇરાની વિમાનને લેબનોનમાં ઉતરતું જ રોકવાનો આદેશ જારી કર્યો હતો. આમ હવે બૈરુતના એરપોર્ટ પર કયું પ્લેન ઉતરવા દેવું કે નહીં તે ઈઝરાયલ નક્કી કરશે. લેબનોનના એમટીવી નેટવર્કે તાજેતરમાં જ પરિવહન અને લોકનિર્માણ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઈઝરાયલે બૈરુત આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બ્રોડકાસ્ટ ફ્રીકવન્સી પર કબ્જો કરી લીધો છે. એટલું જ નહીં તેણે એરપોર્ટના સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે તે ઇરાનના પ્લેનને ત્યાં ઉતરતું રોકે. જો આદેશનું પાલન કરવામાં નહીં આવે તો બળપ્રયોગ કરવામાં આવશે. 

તેના પછી હિઝબુલ્લાહ સાથે સંબંધ ધરાવતા લેબનોનના પરિવહન મંત્રીએ ઇરાનના વિમાનને બૈરૂતમાં ન ઉતરવા દેવાનો આદેશ આપ્યો. આનો સીધો અર્થ એવો કરી શકાય કે હવે ઇરાન પણ હવાઈ માર્ગે હિઝબુલ્લાહને કોઈપણ પ્રકારની મદદ નહીં કરી શકે. ઇરાનનું કોઈ પ્લેન જ હવે લેબનોનનમાં લેન્ડ નહીં કરી શકે. તેના કારણે હિઝબુલ્લાહને ઈઝરાયલ સામેના યુદ્ધમાં વધુ મોટો ફટકો પડે તેમ માનવામાં આવે છે. 

અમેરિકા-ઈઝરાયલ વિરુદ્ધ સુત્રોચ્ચાર

હિઝબુલ્લાહના વડાના મોત બાદ શ્રીનગરમાં ઈઝરાયલ સામે વિરોધ

મેહબૂબાએ હિઝબુલ્લાહના વડાને શહીદ ગણાવી એક દિવસ મોટા ચૂંટણી પ્રચાર સસ્પેન્ડ કર્યો

ઈઝરાયલના હુમલામાં આતંકી સંગઠન હિઝબુલ્લાહનો વડો નસરલ્લાહ અને તેની પુત્રીના મોત નિપજ્યા હતા. જેને પગલે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢીને ઈઝરાયલ અને અમેરિકાનો વિરોધ કર્યો હતો. જ્યારે પીડીપીના વડા મેહબૂબા મુફ્તીએ ઈઝરાયલી હુમલામાં લેબેનોનમાં માર્યા ગયેલા હિઝબુલ્લાહના વડા સહિતના તમામ લોકોને શહીદ ગણાવતા વિવાદ થયો હતો.  શ્રીનગરના હસનાબાદ, રૈનાવરી, શૈદાકલ, મીર બેહરી સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા, બાળકો મહિલાઓ સહિતના લોકોએ કાળા વાવટા સાથે ઈઝરાયલ, અમેરિકાનો વિરોધ કર્યો હતો. સાથે જ આ બન્ને દેશો વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યો હતો. લેબેનોન સ્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહના વડાને ઈઝરાયલી હુમલામાં મૃત જાહેર કરાયો હતો. આ હુમલાના વિરોધમાં શ્રીનગરમાં દેખાવો થયા હતા. 

દરમિયાન જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી રહી ચુકેલા અને પીડીપીના પ્રમુખ મેહબૂબા મુફ્તીએ એક દિવસ માટે ચૂંટણી પ્રચારને સસ્પેન્ડ કરી દીધો હતો, ઈઝરાયલના હુમલામાં જે લોકો માર્યા ગયા તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હતો. અન્ય એક પક્ષ નેશનલ કોન્ફરંસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહેલા શ્રીનગરના સાંસદ આગા રુહુલ્લાહે પણ પોતાનો ચૂંટણી પ્રચાર સસ્પેન્ડ કરી દીધો હતો. મેહબૂબાએ ટ્વીટ કરતા કહ્યું હતું કે ગાઝા-લેબેનોનમાં માર્યા ગયેલા લોકો ખાસ કરીને હસન નસરુલ્લાહના મોતને ધ્યાનમાં રાખીને મારો ચૂંટણી પ્રચાર મે સસ્પેન્ડ કરી દીધો છે. હિઝબુલ્લાહે એક નિવેદન જારી કરીને દાવો કર્યો હતો કે ઈઝરાયલ દ્વારા બૈરુતમાં થયેલા હુમલામાં સંગઠનના એક સ્થાપક હસન નસરૂલ્લાહનું મોત નિપજ્યું છે.

હુમલા સમયે નસરલ્લાહ 50 ફૂટ ઉંડે બંકરમા હતો

ઓપરેશન ન્યુ ઓર્ડર : એક-એક ટનના 80 બોમ્બ ઝીંકાયા

- લેસર ગાઇડેડ બોમ્બ જમીનની અંદર 200 ફૂટ ઉંડે સુધી ધસી ગયા અને પછી ફાટયા

તેલ અવીવ : ઈઝરાયલના લશ્કરે જણાવ્યું હતું કે ઓપરેશન ન્યુ ઓર્ડર હેઠળ હિઝબુલ્લાહના હેડ ક્વાર્ટર પર હુમલો કરવામાં આવ્યો અને તેને જમીનદોસ્ત કરવામાં આવ્યું. આ હુમલામાં હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહનું પણ મોત થયું. તે હુમલા વખતે કમાન્ડ સેન્ટરમાં જ હતો. 

ઈઝરાયલના મીડિયાનું કહેવું છે કે ઈઝરાયલના લડાકુ વિમાનોએ હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર કુલ ૮૦ બોમ્બ વડે પ્રચંડ હુમલો કર્યો હતો. દરેક બોમ્બ સરેરાશ એક ટન વિસ્ફોટની ક્ષમતાવાળો હતો. બંકર બસ્ટર બોમ્બનો પણ આ હુમલામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

ઈઝરાયલના ટેલીવિઝન નેટવર્કે જણાવ્યું હતું કે હુમલા વખતે નસરલ્લાહ જમીનની અંદર ૫૦ ફૂટ ઉંડે આવેલા બંકરમાં હતો. આ હુમલામાં ૨૦૦૦ કિલોગ્રામના લેઝર અને જીપીએસ ગાઇડેડ જીબીયુ-૨૮ અને ૧૦૦૦ કિલોગ્રામના બ્લૂ-૧૦૯ બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ લેસર ગાઇડેડ બોમ્બ ફાટતા પહેલા જમીનની અંદર ૨૦૦ ફૂટ સુધી અંદર ઉતરી ગયા હતા અને પછી ફાટયા હતા.


Google NewsGoogle News