અફઘાનિસ્તાનના કાબુલમાં ભરબજારે ભયાનક બોમ્બ વિસ્ફોટ, બે બાળકો સહિત કુલ 11ની હાલત ગંભીર
Kabul Attack news | કાબુલની ભરચક બજારમાં બુધવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં બે બાળકો સહિત 11ને ઇજાઓ થઇ હતી. આ વિસ્ફોટ કોણે કર્યો તે જાણવા મળ્યું નથી. તાલિબાનો પૈકી પણ કોઇએ તે અંગે કશી જાણકારી આપી નથી. કાબુલનાં પામીર સિનેમા વિસ્તારમાં ચાલતી સેકન્ડ હેન્ડ કપડાં બજારમાં એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ચલાવાતાં સર્જિકલ સેન્ટર પાસે થયેલા આ વિસ્ફોટમાં 3 વર્ષની એક બાળકી અને 4 વર્ષના એક બાળકને ઇજાઓ થઇ હતી. સ્વૈચ્છિક સંસ્થાના ડાયરેક્ટર સ્ટીફેનો ગેનારો સ્મર્નોદે આ માહિતી આપી હતી.
તેઓએ કહ્યું આ પામીર સિનેમા પાસેનો વિસ્તાર કાબુલમાં સૌથી સઘન વસ્તી ધરાવતો વિસ્તાર છે, તેમજ સૌથી ગરીબ વિસ્તાર પણ છે. તાલિબાનોએ 2021માં (15 ઓગસ્ટે) અફઘાનિસ્તાન ઉપર કબ્જો જમાવ્યો, તે પછી ત્યાં કટ્ટરવાદી પ્રવૃત્તિઓએ માઝા મુકી છે. તે કટ્ટરવાદીઓ તાલિબાનોના પણ વિરોધીઓ છે. તેઓ તાલિબાનો તેમજ શિયા પંથીઓને તેમનાં નિશાન બનાવે છે. શિયા પંથીઓ અફઘાનિસ્તાન (અને પાકિસ્તાનમાં પણ) લઘુમતિમાં છે.
બલુચીસ્તાનનાં મુખ્ય શહેર ક્વેટામાં ખોજાક રોડ સ્થિત અચકઝાઈ રેસિડેન્શ્યલ કોલોનીમાં રોકેટ હુમલો થયો હતો. આ વિસ્તારની દિવાલ સાથે આ રોકેટ્સ ભટકાયાં હતાં અને તેના વિસ્ફોટથી બે વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. આશ્ચર્યની વાત તે છે કે આ વિસ્તારની પાસે જ, ફ્રન્ટીયર કોર્પ્સ ઓફ પાકિસ્તાનનું હેડ ક્વાર્ટર આવેલું છે. છતાં આતંકીઓ ત્યાં હુમલા કરી શક્યા છે. નિરીક્ષકો કહે છે કે ત્રાસવાદે માઝા મુકી છે તે તેના રચનારને જ નિશાન બનાવે છે.