અમેરિકાની ચેતવણી બાદ ભારતના સુર બદલાયા... કેનેડાના PM ટ્રુડોએ ફરી સાધ્યું નિશાન
ભારતને અહેસાસ થયો હશે કે, તે હંમેશા આક્રમક વલણ અપનાવી ન શકે : જસ્ટિન ટ્રુડો
ટ્રુડોએ કહ્યું, અમારા માટે કેનેડાના લોકોના અધિકારની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી
ઓટ્ટાવા, તા.20 નવેમ્બર-2023, બુધવાર
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau)એ ફરી ભારત પર નિશાન સાધી કહ્યું કે, ખાલિસ્તાની આતંકવાદી ગુરપંત સિંહ પન્નૂની હત્યા કરવાના કથિત ષડયંત્ર રચવા મામલે અમેરિકાએ ચેતવણી આપ્યા બાદ ભારતના સુર બદલાયા છે. તેમણે કહ્યું કે, ભારતને અહેસાસ થયો હશે કે, તે હંમેશા આક્રમક વલણ અપનાવી ન શકે. આ જ કારણે ભારતમાં સહયોગ આપવાની નિખાસલની ભાવના ઉભી થઈ છે, જે અગાઉ ઓછી હતી. ટ્રુડોએ કહ્યું કે, ભારતને હવે સમજાઈ ગયું છે કે, કેનેડા વિરુદ્ધ મોરચો ખોલી સમસ્યાનું સમાધાન ન થઈ શકે.
ભારત સાથે વિવાદ વધારવા નહીં માંગતુ કેનેડા
ટ્રુડોએ ભારપૂર્વક જણાવ્યું કે, આ મામલે કેનેડા ભારત સાથે ઘર્ષણ કરવા ઈચ્છતું નથી. કેનેડા માત્ર પોતાના લોકોની સુરક્ષા નિશ્ચિત કરવા માંગે છે. તેમણે કહ્યું કે, અમે ભારત સાથે ટ્રેડ ડીલ પર કામ કરવા ઈચ્છીએ છીએ. અમે ઈન્ડો પેસિફિક સ્ટ્રેટેજીને આગળ વધતો જોવા માંગીએ છીએ. જોકે અમારા માટે કેનેડાના લોકોના અધિકારની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે. અમે કાયદાના દાયરામાં કામ કરીશું અને તે જ કરી રહ્યા છીએ.
અમેરિકાએ પન્નૂ મામલે ભારત લગાવ્યો હતો આરોપ
ગત મહિને અમેરિકાએ ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના કથિત ષડયંત્રમાં ભારતનો હાથ હોવાનો અને ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું હોવાનો દાવો કર્યો હતો. પન્નૂ અમેરિકી નાગરિક છે, જ્યારે ભારતે તેને આતંકવાદી જાહેર કર્યો છે. ભારતમાં પન્નૂ વિરુદ્ધ 2 ડઝન કેસ નોંધાયેલા છે.