કેનેડાથી મોટા સમાચાર, જસ્ટિન ટ્રુડો ટૂંક સમયમાં PM પદેથી રાજીનામું આપશે!
Justine Trudeau Canada News | કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે તે જલદી જ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી શકે છે. એક અહેવાલ અનુસાર નેશનલ કોકસની બુધવારે યોજાનાર બેઠકર પહેલાં ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી દેશે.
ટ્રુડો પર દબાણ ક્યારે વધ્યું?
ભારત વિરોધી વલણ અપનાવનારા ટ્રુડો હવે દેશમાં જ ઘેરાતા જઈ રહ્યા છે. ટ્રુડો પર તેમની પાર્ટીના સાંસદો તરફથી રાજીનામું આપી દેવા માટે મહિનાઓથી દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ દબાણ ત્યારે વધી ગયું જ્યારે તેમના નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રિલેન્ડએ 16 ડિસેમ્બરે એમ કહેતા પદ છોડ્યું કે નીતિગત મુદ્દાઓ પર મારા અને વડાપ્રધાન વચ્ચે મતભેદ છે.
અહેવાલમાં કરાયો મોટો દાવો
એક અહેવાલમાં જણાવાયું હતું કે ટ્રુડોનું રાજીનામું બુધવારે યોજાનારી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કોકસની બેઠક પહેલા આવશે. એક સ્ત્રોતે જણાવ્યું કે કેનેડિયન પીએમને લાગે છે કે તેમણે નેશનલ કોકસની બેઠક પહેલાં જાહેરાત કરવાની જરૂર છે જેથી એવું ન લાગે કે તેમને પાર્ટીના સાંસદો દ્વારા હાંકી કાઢવામાં આવ્યા છે. નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ પર ચાલુ રહેશે કે કેમ તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.
લિબરલ પાર્ટીની સંસદમાં શું છે સ્થિતિ?
લિબરલ પાર્ટી પાસે હાલમાં કેનેડાની સંસદ હાઉસ ઓફ કોમન્સમાં 153 સાંસદો છે. કેનેડિયન હાઉસ ઓફ કોમન્સમાં 338 સીટો છે. તેમાં બહુમતનો આંકડો 170 છે. થોડા મહિનાઓ પહેલા ટ્રુડો સરકારના સહયોગી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. NDP એ ખાલિસ્તાની તરફી કેનેડિયન શીખ સાંસદ જગમીત સિંહની પાર્ટી છે.
ટ્રમ્પ અને મસ્કે લીધા હતા નિશાને
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા બાદથી તેમના પર દબાણ વધી ગયું છે. ટ્રમ્પ સતત તેમને નિશાને લઈ રહ્યા છે. ઈલોન મસ્કે પણ ટ્રમ્પની જીત બાદ કહ્યું હતું કે હવે ટ્રુડોના સત્તામાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.