દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની ભવિષ્યવાણી, 'કેનેડામાં જસ્ટિન ટ્રુડો આગામી ચૂંટણી હારશે'
US Election and Elon Musk News | કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો વિશે અબજોપતિ ઈલોન મસ્કે મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનો દાવો છે કે ટ્રુડો આગામી ચૂંટણીમાં હારી જશે. હાલમાં જ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ખાસ વાત એ છે કે ટ્રમ્પના પ્રચારમાં મસ્કની પણ મોટી ભૂમિકા હતી. ટ્રમ્પે પણ પોતાના ભાષણમાં ટેસ્લા ચીફનો ઘણી વખત ઉલ્લેખ કર્યો હતો.
સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં...
હાલમાં જ એક યુઝરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં મસ્કને ટેગ કર્યો હતો. તેણે લખ્યું કે 'ઈલોન મસ્ક અમને ટ્રુડોથી છૂટકારો મેળવવા માટે તમારી મદદની જરૂર છે.' તેના પર મસ્કે જવાબ આપ્યો કે આગામી ચૂંટણીમાં ટ્રુડો હારી જશે. ખાસ વાત એ છે કે કેનેડામાં ડિસેમ્બર 2025 પહેલા ચૂંટણી યોજાવાની છે અને હાલમાં ટ્રુડો પોતાની લિબરલ પાર્ટીમાં જ વિરોધનો સામનો કરી રહ્યા છે.
ઈલોન મસ્કની લાગી લોટરી...
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પને જીતાડવામાં ઈલોન મસ્કની ભૂમિકા મહત્ત્વપૂર્ણ મનાઈ રહી છે અને ઈલોન મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ પણ બની ગયા છે. તેમની સંપત્તિમાં એક જ દિવસમાં બે લાખ કરોડ રૂપિયાનો અધધધ વધારો નોંધાયો છે. મસ્કની જીતને કારણે ટેસ્લાના સ્ટોક રોકેટ બન્યા હતા જેનો ફાયદો સીધી રીતે મસ્કને થયો હતો.