Get The App

PM પદ છોડ્યા બાદ ટ્રુડોની વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારી? આગામી ચૂંટણી નહીં લડે!

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
Justin Trudeau


Justin Trudeau Big Statement: કેનેડામાં વડાપ્રધાન પદ છોડ્યા બાદ જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી છે કે, તે આગામી સામાન્ય ચૂંટણી નહીં લડે. કેનેડામાં સામાન્ય ચૂંટણીઓ ઓક્ટોબર 2025માં યોજાવાની છે. આ દરમિયાન ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, 'હું આગામી ચૂંટણી લડીશ નહીં. આ મારો નિર્ણય છે. મેં ભવિષ્યમાં શું કરીશ તે વિશે વધુ વિચાર્યું નથી. અત્યારે, હું તે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું જેના કારણે કેનેડાના લોકોએ મને મત આપ્યો હતો.'

ટ્રુડો 2015માં સત્તામાં આવ્યા હતા

જસ્ટિન ટ્રુડો પહેલી વાર વર્ષ 2008માં ક્વૂબેકના પાપિનો મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2015માં પ્રચંડ વિજય બાદ તેમણે વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, જેમાં તેમની લિબરલ પાર્ટીએ 338 માંથી 184 બેઠકો જીતી. જોકે, તેમને વર્ષ 2019 અને 2021ની ચૂંટણીમાં બહુમતી મેળવી શક્યા નહીં.

નેતૃત્વ પરિવર્તન પ્રક્રિયા

છઠ્ઠી જાન્યુઆરીના રોજ જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી કે લિબરલ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયા પછી તેઓ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશે. પાર્ટીના નેતૃત્વની ચૂંટણી નવમી માર્ચે સમાપ્ત થશે અને નવા નેતાની પસંદગી સાથે ટ્રુડોના સ્થાને બીજા વડાપ્રધાન આવશે.

આ પણ વાંચો: નેતન્યાહૂ ફરી ગયા? અમેરિકાએ યુદ્ધવિરામને મંજૂરી આપી છતાં કહ્યું- હજુ સમજૂતી પૂર્ણ નથી થઈ


પક્ષમાં અસંતોષ

વર્ષ 2024ના અંત સુધીમાં જસ્ટિન ટ્રુડોને પાર્ટીમાં વધતા અસંમતિનો સામનો કરવો પડ્યો. 16મી ડિસેમ્બરે નાણામંત્રી પદેથી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડના રાજીનામાથી પક્ષમાં અસ્થિરતામાં વધારો થયો. ત્યારબાદ લગભગ 100 સાંસદોએ ટ્રુડોના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી. ત્યારબાદ ટ્રુડોએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

નવા નેતાઓના નામો પર ચર્ચા

અત્યાર સુધી ઔપચારિક રીતે પોતાનો દાવો રજૂ કરનારા નેતાઓમાં ઇન્ડો-કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યનો પણ સમાવેશ થાય છે. જોકે, વિદેશ મંત્રી મેલાની જોલી, ડોમિનિક લેબ્લેન્ક, ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેન અને સંરક્ષણ મંત્રી અનિતા આનંદ જેવા સંભવિત મુખ્ય ઉમેદવારોએ નેતૃત્વની રેસમાં જોડાવાનો ઈનકાર કર્યો છે.

PM પદ છોડ્યા બાદ ટ્રુડોની વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારી? આગામી ચૂંટણી નહીં લડે! 2 - image


Google NewsGoogle News