India Canada Crisis: ભારતના એક્શનથી ગભરાયા ટ્રુડો, હવે UKના PMને કરી ફરિયાદ: જુઓ શું કહ્યું
Image Source: Twitter
India Canada Relation: કેનેડા અને ભારત વચ્ચેના સબંધો સતત વણસી રહ્યા છે ત્યારે આ વચ્ચે હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ફરી એક વખત પ્રતિક્રિયા આપી છે. ભારત સાથે શિંગડા ભરાવ્યા બાદ ટ્રૂડો હવે અન્ય દેશો પાસે જઈને રોદણા રડી રહ્યા છે. હવે તેમણે UKના વડાપ્રધાનને ફરિયાદ કરી છે. જસ્ટિન ટ્રૂડોએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. તેમણે આ પોસ્ટમાં લખ્યું કે, 'વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ UKના વડાપ્રધાન કીર સ્ટામર સાથે ભારત સરકાર સાથે જોડાયેલા એજન્ટો દ્વારા કેનેડિયન નાગરિકો વિરુદ્ધ લક્ષિત અભિયાન વિશે વાત કરી છે.'
આ પણ વાંચો: લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરે છે ભારતના એજન્ટ: ભારત પર કેનેડાના આરોપથી ખળભળાટ
પોસ્ટમાં આગળ લખ્યું કે, 'બંને નેતાઓએ પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અને કાયદાના શાસનને જાળવવા અને તેનું સન્માન કરવાના મહત્ત્વ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન ટૂડોએ આ ગંભીર મામલાનો ઉકેલ લાવવા માટે ભારત સાથે સહયોગમાં કેનેડાની સતત રુચિનો પણ ઉલ્લેખ કર્યો.
કેનેડા ભારત પર લગાવી રહ્યું ગંભીર આરોપ
તમને જણાવી દઈએ કે સોમવારે ઓટાવામાં થેંક્સગિવિંગ ડે પર એક પ્રેસ કોન્ફરન્સમાં RCMP આસિસ્ટન્ટ કમિશ્નર બ્રિગિટ ગોબિને ભારત પર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે મળીને કેનેડામાં આતંક ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ગોબિને પીસીમાં આરોપ લગાવ્યો હતો કે અમે જે જોયું છે તે સંગઠિત અપરાધ તત્ત્વોનો ઉપયોગ છે, અને તેને જાહેરમાં એક સંગઠિત અપરાધ ગેંગ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ ભારતના એજન્ટો સાથે જોડાયેલી છે.
કેનેડાના PM ટૂંક સમયમાં કરશે પ્રેસ કોન્ફરન્સ
કેનેડાના અધિકારીઓએ જણાવ્યું કે વડા પ્રધાન જસ્ટિન ટૂડો પણ ગ્લોબલ અફેર્સ કેનેડા અને RCMPના ભારત સાથે સંબંધિત કેનેડામાં થનારી હિંસક ગુનાહિત ગતિવિધિ સાથે સંબંધિત તપાસના પ્રયાસો અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે. જો કે આ પ્રેસ કોન્ફરન્સને લઈને કોઈ નિશ્ચિત સમયની માહિતી આપવામાં નથી આવી પરંતુ તેમણે કહ્યું કે આ પ્રેસ કોન્ફરન્સમાં પીએમની સાથે વિદેશ મંત્રી મેલાની જોલી અને જાહેર સુરક્ષા, લોકશાહી સંસ્થાઓ અને આંતરસરકારી બાબતોના મંત્રી ડોમિનિક લેબ્લાંક સામેલ થશે.
આ પણ વાંચો: જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- મારા પર વ્યક્તિગત હુમલા થયા