ભારત સાથે 'શત્રુતા' વચ્ચે ટ્રુડો અચાનક અમેરિકા કેમ દોડ્યાં? નવા પ્રમુખ ટ્રમ્પની ધમકીની અસર!
Trudeau Meeting With Trump: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની મુશ્કેલીઓ વધી છે. ટ્રમ્પની 25 ટકા ટેરિફની ચેતવણી બાદ ટ્રુડો ટ્રમ્પના ઘર સુધી તેમને મનાવવા પહોંચ્યા હતા. ટ્રમ્પ મેક્સિકો, કેનેડામાંથી ડ્રગ્સનો સપ્લાય અને ગેરકાયદે ઈમિગ્રેશનને અટકાવવા કડક વલણ અપનાવવાની યોજના ધરાવે છે. જેથી ટ્રુડો ટ્રમ્પ સાથે સંબંધો સુધારી તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટ્રુડો ટ્રમ્પને મળવા પહોંચ્યાં
જસ્ટિન ટ્રુડોએ અગાઉ નિવેદન આપ્યું હતું કે, ટ્રમ્પ જે કહે છે, તે કરીને બતાવે છે. જેથી 25 ટકા ટેરિફથી કેનેડાની વણસી રહેલી ઈકોનોમીને વધુ નુકસાન થવાની ભીતિ વધી છે. ટ્રમ્પને આ પગલું લેતાં અટકાવવા ટ્રુડો તેમના ઘર સુધી પહોંચ્યા છે. ટ્રુડોએ ભારત પર નિજ્જર હત્યાના અને જાસૂસીના આરોપો મૂકતા ભારત સાથે છેડો ફાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રુડોના આ વલણનો જવાબ ભારતના મિત્ર દેશ અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પે આપ્યો છે.
ફ્લોરિડામાં કરશે મુલાકાત
ટ્રુડોના કાર્યાલય તરફથી ફ્લોરિડા મુલાકાતનું કોઈ શેડ્યુલ રજૂ કરવામાં આવ્યું નથી. પરંતુ તેઓ ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ પર એક હોટલમાંથી નીકળતા જોવા મળ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેઓ માર અ લાગો રિસોર્ટમાં મુલાકાત કરશે. બંને સાથે ડિનર કરશે અને અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરશે. જો કે, આ ચર્ચાઓ ગુપ્ત રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ ઇઝરાયલ કહેર બની તૂટી પડ્યું, ગાઝામાં એરસ્ટ્રાઈક કરતાં 40ના મોત, બાઈડેન થયા એક્ટિવ!
ટ્રમ્પે આપી હતી ચીમકી
સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે ચીમકી આપી હતી કે, જો કેનેડા અને મેક્સિકો ડ્રગ્સની તસ્કરી અને ગેરકાયદે પ્રવાસીઓની ઘૂસણખોરી પર લગામ નહીં લગાવે તો તેમની પ્રત્યેક પ્રોડક્ટ પર 25 ટકા સુધી ટેરિફ લાદવામાં આવશે. ચીન, કેનેડા અને મેક્સિકોના અધિકારીઓને આ મુદ્દે સીધી ચેતવણી આપી છે.
અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થશે
અમેરિકા આ દેશો વિરૂદ્ધ 25 ટકા ટેરિફ લાદે તો અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી કેનેડા આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ઓક્ટોબર, 2025માં કેનેડામાં ચૂંટણી યોજાશે. ટ્રમ્પની ટેરિફની ચીમકીથી કેનેડાની અમેરિકામાં થતી નિકાસ પર અસર થઈ શકે છે. કેનેડા અમેરિકામાં રોજના આશરે 40 લાખ બેરલ ક્રૂડની નિકાસ કરે છે. આ સિવાય અન્ય પ્રોડક્ટ્સની પણ થતી નિકાસ પર માઠી અસર થવાની ભીતિ છે.