'જો શક્તિશાળી દેશ આવું કરશે તો દુનિયા..' નિજ્જરની હત્યા મામલે જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
એક પત્રકારના સવાલના જવાબમાં ફરીવાર ટ્રુડોએ ભારત પર આરોપો મઢ્યાં
કહ્યું - કેનેડા એક એવો દેશ છે જે હંમેશા કાયદાનું પાલન કરે છે અને તેના માટે ઊભો રહે છે
Canada India Row | કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર ફરી એકવાર વાહિયાત આરોપ લગાવ્યા છે. એક પત્રકારે ટ્રુડોને પૂછ્યું કે કેનેડાની ધરતી પર તેના જ નાગરિક નિજ્જરની હત્યાની તપાસમાં શું પ્રગતિ થઈ છે અને જો કોઈ પ્રગતિ ન થઈ હોય તો શું અમેરિકાએ ભારત પ્રત્યે કેનેડા વતી કડક વલણ અપનાવવું જોઈએ? તેના જવાબમાં જસ્ટિન ટ્રુડોએ ફરી એ જ જૂના આરોપોનું પુનરાવર્તન કર્યું જે તેમણે કેનેડાની સંસદમાં ભારત પર લગાવ્યા હતા.
જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું?
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે શરૂઆતથી જ જ્યારે અમને વિશ્વાસનીય આરોપો વિશે જાણ થઇ કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારના એજન્ટો સંડોવાયેલા છે, ત્યારે અમે ભારતનો સંપર્ક કર્યો અને તેમને આ મામલે તપાસમાં જોડાવા કહ્યું. સહકાર આપવા વિનંતી કરી. તેમણે વધુમાં કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય કાયદા અને કેનેડિયન સાર્વભૌમત્વના આ ગંભીર ઉલ્લંઘન પર કાર્યવાહી કરવા માટે અમેરિકા અને અમારા અન્ય મિત્ર દેશોનો પણ સંપર્ક કર્યો હતો. આ એવી વસ્તુ છે જે અમે ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ.
કેનેડા એવો દેશ છે જે હંમેશા કાયદાનું પાલન કરે છે'
કેનેડાના વડાપ્રધાને કહ્યું કે અમે અમારા તમામ સહયોગીઓ અને ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું, તપાસ એજન્સીઓ તેમનું કામ કરતી રહેશે. કેનેડા એક એવો દેશ છે જે હંમેશા કાયદાનું પાલન કરે છે અને તેના માટે ઊભો રહે છે. કારણ કે જો સત્તા સાચા-ખોટાનો નિર્ણય લેવાનું શરૂ કરે, જો મોટા દેશો કોઈપણ પરિણામની ચિંતા કર્યા વિના આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરશે, તો સમગ્ર વિશ્વ દરેક માટે વધુ જોખમી બની જશે.