કેનેડાના PM જસ્ટિન ટ્રુડો બરાબરના ફસાયા, તેમના જ સાંસદે જાહેરમાં ટીકા કરી માગ્યું રાજીનામું
India Canada Relations: પોતાની સત્તા બચાવવા માટે ભારત વિરોધી નિવેદનો આપનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના જ વતનમાં ઘેરાયા છે. પ્રજા અને સાંસદોની અસહમતિના કારણે ભારત પર આકરા પ્રહારો કરી શીખોની વસ્તીને આકર્ષિત કરવામાં વ્યસ્ત ટ્રુડોથી તેમનો જ પક્ષ ત્રસ્ત બન્યો છે. લિબરલ પાર્ટીના 20 જેટલા સાંસદો ટ્રુડોને રાજીનામુ આપવા માગ કરી રહ્યા છે. જેમાં એક સાંસદે જાહેરમાં જ ટ્રુડો પાસે રાજીનામું માંગી લીધુ છે.
લિબરલ પાર્ટીના એક સાંસદે મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જે સંદેશ હું જોરશોરથી રજૂ કરવા માગુ છું, તે સમયની સાથે વધુ દ્રઢ બનશે, તે સંદેશ છે તેઓ (ટ્રુડો) હવે જશે, તેમનો જવાનો સમય આવી ગયો છે અને હું સહમત છું. ગત સપ્તાહે પાર્ટીના 20 જેટલા સાંસદોએ બેઠક યોજી લીડરશીપમાં પરિવર્તન લાવવાના પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારે દિવાળી ટાણે ખેડૂતોને આપી ભેટ, રવિ પાકોની MSPમાં કર્યો ધરખમ વધારો, જુઓ યાદી
મતદારોએ ટ્રુડોને અવગણ્યો
વધુમાં સાંસદે કહ્યું કે, ટ્રુડોએ પદ પરથી રાજીનામું આપી દેવુ જોઈએ, કારણકે, તેમની પસંદગી મતદારોએ કરી હતી. અને તેઓ હવે વડાપ્રધાનને નાપસંદ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે કે, ટ્રુડો રાજીનામુ આપે. છેલ્લા નવ વર્ષમાં ટ્રુડોનું કામ પરિવર્તનશીલ રહ્યું છે, પરંતુ મતદારો હવે ટ્રુડોની વાત સાંભળી રહ્યા નથી.
અન્ય સાંસદોએ પણ કરી માગ
લિબરલ પક્ષના અન્ય 30થી 40 સાંસદો પણ ટ્રુડો પાસે રાજીનામુ આપવાની માગ કરી રહ્યા છે. પરંતુ તેઓએ સત્તાવાર જાહેરાત કરી નથી. તેમને ચૂંટણી પહેલાં જ પદ છોડવા અને લિબરલ્સના અન્ય ઉમેદવારને નેતૃત્વ કરવાની તક આપવાનો આગ્રહ કરાયો છે. જૂનમાં ટોરેન્ટો-સેન્ટ પોલની પેટાચૂંટણીમાં હાર બાદ પાર્લિયામેન્ટ હિલમાં આયોજિત બેઠકમાં ટ્રુડોએ ભાગ લીધો ન હતો.