'કેનેડા વેચવાની વસ્તુ નથી, અમે લડવા તૈયાર...' ટ્રુડોના પૂર્વ સહયોગીનો ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર
Jagmeet Singh Warns Donald Trump: કેનેડામાં હાલમાં રાજકીય ઉથલ-પાથલ ચાલી રહી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે આ વચ્ચે જસ્ટિન ટ્રુડોના પૂર્વ સહયોગી જગમીત સિંહે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે. ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતાએ ટેરિફની વારંવાર ધમકી અને બંને દેશો વચ્ચે વિલીનીકરણના પ્રસ્તાવ પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાર આપતાં કહ્યું કે, કેનેડા વેચવા માટે નથી. અમે દેશની સાર્વભૌમત્વની રક્ષા માટે લડવા તૈયાર છીએ. સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, 'હું ડોનાલ્ડ ટ્રમ્પને એક સંદેશ આપવા માંગુ છું. અમારો દેશ વેચવાની વસ્તુ નથી અને આ ક્યારેય નહીં થશે.'
અમને અમારા દેશ પર ગર્વ છે
NDP નેતાએ પડકાર ફેંકતા કહ્યું કે, હું આખા દેશમાં રહ્યો છું અને હું તમને કહી શકું છું કે કેનેડાના લોકોમાં ગૌરવ ભરેલું છે. અમને અમારા દેશ પર ગર્વ છે અને અમે તેને બચાવવા માટે લડવા માટે તૈયાર છીએ. હાલમાં ત્યાં જંગલમાં આગ લાગી છે, ઘણા ઘરો નાશ પામ્યા છે. આ સમય દરમિયાન કેનેડિયન ફાયર વિભાગે સંપૂર્ણ સહયોગ આપ્યો છે. અમે આવા જ છીએ. અમે પાડોસીઓને સમર્થન કરનારા લોકો છીએ. જો ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે તે અમારી સામે લડી શકે છે, તો તેની કિંમત ચૂકવવી પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા માટે શું કહ્યું હતું
જગમીત સિંહે આગળ કહ્યું કે, મેં વચન લીધું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ અમારા પર ટેરિફ લગાવશે તો અમારે તેના જવાબમાં ટેરિફ લગાવવું પડશે. મને લાગે છે કે વડા પ્રધાનપદની રેસમાં રહેલા કોઈપણ વ્યક્તિએ આવું જ કરવું જોઈએ. ટ્રમ્પે કહ્યું હતું કે, હું કેનેડાને અમેરિકાનો ભાગ બનાવવા માટે આર્થિક બળનો ઉપયોગ કરીશ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, હું કેનેડાને અમેરિકાનો હિસ્સો અને તેના 51મું રાજ્ય બનાવવા માગુ છું. ઘણી વખત તેમણે ટ્રુડોની મજાક ઉડાવતા તેમને કેનેડાના ગવર્નર કહી ચૂક્યા છે. ટ્રમ્પે કહ્યું કે, હું આર્થિક બળનો ઉપયોગ કરીશ કારણ કે આ કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખરેખર મોટી વાત હશે. તમે તે કૃત્રિમ રીતે દોરેલી રેખાથી છૂટકારો મેળવી શકો છો અને તમે જોઈ શકો છો કે તે કેવી દેખાય છે. આ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખૂબ સારું રહેશે. એ ભૂલશો નહીં કે અમે મૂળ રૂપે કેનેડાની રક્ષા કરીએ છીએ.