પહેલીવાર બેધડક બોલ્યાં જસ્ટિન ટ્રુડો - ખાલિસ્તાનીઓ તમામ શીખોનું પ્રતિનિધિત્વ નથી કરતાં
India-Canada Conflict : ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલો ઉગ્ર વિવાદ અને તાજેતરમાં જ બ્રેમ્પટનમાં હિંદુ ભક્તો પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓના હુમલાની ભારત સહિત અનેક દેશોમાં ટીકા કરવામાં આવી છે. આ તમામ ઘટનાઓના કારણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (PM Justin Trudeau) પોતાના દેશમાં પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. ચોતરફ ઘેરાયા બાદ હવે ટ્રુડોએ સંસદમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો ઉલ્લેખ કરીને મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
‘ખાલિસ્તાનીઓ તમામ શીખોનું પ્રતિનિધિત્વ કરતાં નથી’
વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ‘દિવાળી’ અને શિખોનો તહેવાર ‘કેદી મુક્તિ દિવસ’ પર સંસદમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે પહેલીવાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અંગે કહ્યું છે કે, ખાલિસ્તાનીઓ તમામ શીખોનું પ્રતિનિધિત્વ કરતાં નથી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત એક વ્યક્તિએ ટ્રુડોના નિવેદનને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં તેઓ ખાલિસ્તાની અંગે નિવેદન આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : આ રીતે નંખાયો અમેરિકાની જાસૂસી સંસ્થા CIA નો પાયો, આવી છે એની ગુપ્ત કામગીરી
વર્તમાન સમયમાં અમારી સમક્ષ અનેક પડકાર : ટ્રુડો
જસ્ટિન ટ્રુડો કહે છે કે, ‘કેનેડામાં ખાલિસ્તાનીઓનું સમર્થન કરનારા અનેક લોકો છે, જોકે તેઓ આખા શિખ સમાજનું પ્રતનિધિત્વ કરતા નથી. આપણા દેશમાં કોઈપણ પ્રકારની હિંસા, અસહિષ્ણુતા અને વિભાજનને સ્થાન અપાતું નથી. અહીંના શીખો એવા લોકો નથી, જેઓ ખાલિસ્તાનનું સમર્થન કરતા હોય, તેઓ આખા સમાજનું પ્રતિનિધિત્વ કરતા નથી. અમે તમામ લોકોને પોતાની સંસ્કૃતિ અનુસાર જીવવા તેમજ પોતાના સમાજના નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. વર્તમાન સમયમાં અમારી સમક્ષ અભિપ્રાયનો આદર અને વિભાજનથી બચવાનો પડકાર છે.’
ટ્રુડોએ પીએમ મોદીનો ઉલ્લેખ કરી ભારત પર કર્યો કટાક્ષ
સંસદમાં ભાષણ દરમિયાન ટ્રુડોએ પોતાનું આકરું વલણ બદલવાનો સંકેત આપી કહ્યું કે, આપણે વન ઈન્ડિયાનું સમર્થન કરીએ છીએ. બીજીતરફ તેમણે ખાલિસ્તાની શીખોનું પ્રતિનિધિત્વ ન કરતા હોવાની વાત કહી ભારત પર કટાક્ષ પણ કર્યો છે. તેમણે કહ્યું કે, કેનેડામાં મોદી સરકારના પણ અનેક સમર્થકો છે, જોકે તેઓ કેનેડામાં રહેતા સંપૂર્ણ હિંદુ સમાજનું પ્રતિનિધિત્વ કરતા નથી.
ટ્રુડોના નિવેદનથી પ્રખર વિરોધી ચોંક્યા
કેનેડીયન વડાપ્રધાનના આ નિવેદન બાદ બ્રિટિશ કોલંબિયાના પૂર્વ સાંસદ ઉજ્જવલ દોસાંજનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ‘મેં પહેલીવાર જોયું કે, ટ્રુડોએ ખાલિસ્તાનીઓને શિખ સમુદાયથી અલગ દર્શાવાય છે. મને લાગે છે કે, ઘણા લોકોએ ખાલિસ્તાનીઓના અપરાધો અંગે તેમને માહિતગાર કર્યા છે, તેથી જ તેમણે આ નિવેદન આપ્યું છે.’
ઉલ્લેખનીય છે કે, દોસાંજે અગાઉ જસ્ટિન ટ્રુડોની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી તેમને સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ મૂર્ખ કહ્યા હતા. તેઓએ જ અત્યાર સુધી ખાલિસ્તાનીઓને પોષ્યા છે.