ગુજરાતી પત્રકાર કુશ દેસાઈ બન્યા ટ્રમ્પના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી, USમાં વધી રહ્યો છે ભારતીયોનો દબદબો
Indian-Americans Part Of Trump 2.0: અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દરરોજ કંઈક એવું કરતા રહે છે જે દુનિયાભરના લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. તાજેતરમાં તેમણે ભારતીય-અમેરિકન પત્રકાર કુશ દેસાઈને તેમના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે, જે ટ્રમ્પ સરકારમાં ભારતીયોના વધતા દબદબાની સાબિતી છે.
કુશ દેસાઈને કામનો બહોળો અનુભવ છે
કુશ દેસાઈ એક યુવા ભારતીય-અમેરિકન છે, જેમણે વર્ષ 2024ના ‘રિપબ્લિકન નેશનલ કન્વેન્શન’ માટે ડેપ્યુટી કોમ્યુનિકેશન ડિરેક્ટર અને ‘રિપબ્લિકન પાર્ટી ઑફ આયોવા’ માટે કોમ્યુનિકેશન ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તેમણે ‘રિપબ્લિકન નેશનલ કમિટી’માં ડેપ્યુટી બેટલગ્રાઉન્ડ સ્ટેટ્સ અને પેન્સિલવેનિયા કોમ્યુનિકેશન ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.
અહીં ભણ્યા હતા કુશ દેસાઈ
કુશ દેસાઈએ હેનોવર, ન્યુ હેમ્પશાયરમાં આવેલી ‘ડાર્ટમાઉથ કૉલેજ’ નામની ખાનગી આઇવી લીગ સંશોધન યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ આર્ટસની ડિગ્રી મેળવી હતી. તેમને જેમ્સ ઓ. ફ્રીડમેન પ્રેસિડેન્શિયલ રિસર્ચ સ્કોલરશિપ એનાયત કરવામાં આવી હતી. આ એક એવો પ્રોગ્રામ છે જે વિદ્યાર્થીઓને ડાર્ટમાઉથ ફેકલ્ટી સાથે કામ કરીને સંશોધનનો અનુભવ મેળવવાની તક આપે છે.
ફાંકડું ગુજરાતી બોલી જાણે છે
કુશ દેસાઈ અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોવા છતાં, સરસ ગુજરાતી બોલી જાણે છે. તેમને રાજકીય સંચારનો બહોળો અનુભવ છે, જેને કારણે તેમને ટ્રમ્પના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી બનવાની તક આપવામાં આવી છે.