જ્હોન કેનેડી, ઓબામાથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી.. અમેરિકામાં નેતાઓ પર હુમલા થવાની લાંબી છે યાદી
US Presidents assassinated Many Times: અમેરિકાના પેન્સિલવેનિયામાં શનિવારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થતાં તેઓ ઘવાયા હતા. ગોળી તેમના કાનને અડીને પસાર થઈ હતી. અમેરિકાના ઈતિહાસમાં રાષ્ટ્રપતિઓ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ અને રાષ્ટ્રપતિ માટે ઉમેદવારી નોંધાવનારાઓ પર હુમલાનો લાંબો ઈતિહાસ છે. જેમાં જ્હોન એફ કેનેડીથી લઈને બરાક ઓબામા સુધીના નામ સામેલ છે. કેનેડીની હત્યાનું રહસ્ય આજ સુધી વણઉકલ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં ચાર એવા રાષ્ટ્રપતિઓ છે, જેમની પદ પર જ હત્યા કરવામાં આવી હતી. અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની 14 એપ્રિલ, 1865ના જ્હોન વિલ્ક્સ બૂથ નામના શખ્સે ગોળી મારી હત્યા કરી હતી. જ્યારે તેમના પર હુમલો થયો ત્યારે તે પરિવાર સાથે વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં ગયા હતા. અમેરિકાના 20માં રાષ્ટ્રપતિ જેમ્સ ગારફિલ્ડ લિંકન બાદ બીજા રાષ્ટ્રપતિ હતા, જેમની પદ ગ્રહણ કર્યા બાદ છ મહિનામાં જ હત્યા કરી દેવામાં આવી હતી. 2 જુલાઈ, 1881ના રોજ ન્યૂ ઈંગ્લેન્ડ જતી ટ્રેન પકડવા માટે તે વોશિંગ્ટનના એક ટ્રેન સ્ટેશન પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમને ગોળી વાગી હતી.
મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો, ગોળી કાનને ચીરતી નીકળી ગઈ, ઘણું લોહી વહ્યું..' ટ્રમ્પની આપવીતી
કેનેડીના મૃત્યુનું રહસ્ય વણઉકેલાયેલું
અમેરિકાના 25માં પ્રેસિડેન્ટ વિલિયમ મેકકિન્લીને 6 સપ્ટેમ્બર, 1901ના રોજ ન્યૂયોર્કમાં ગોળી મારી દેવામાં આવી હતી. ડોકટરોને આશા હતી કે મેકકિન્લી સ્વસ્થ થઈ જશે પરંતુ ગોળીના ઘાની આસપાસ ગેંગરીન ફેલાઈ જતાં મેકકિન્લીનું 14 સપ્ટેમ્બર, 1901ના રોજ અવસાન થયું હતું. યુનાઇટેડ સ્ટેટ્સના 35માં રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીને નવેમ્બર 1963માં ગોળી મારી દેવામાં આવી હતી. કેનેડીના મૃત્યુ પાછળ કોનો હાથ હતો તે અંગે હજુ પણ ચર્ચા ચાલી રહી છે.
એવા ઘણા અમેરિકન રાષ્ટ્રપતિ છે જેમને મારી નાખવાનો પ્રયાસ થયો હતો પરંતુ તેઓ બચી ગયા હતા. જેમાં મહત્ત્વનું નામ પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટનું છે. મિયામીમાં તેમને ગોળી વાગી હતી પરંતુ તે બચી ગયા હતા. નવેમ્બર 1950માં 33માં રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેન પર બે બંદૂકધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં વ્હાઇટ હાઉસના એક પોલીસકર્મીનું મોત થયું હતું.
ફોર્ડને બે વાર મારવાનો પ્રયાસ
ગેરાલ્ડ ફોર્ડ અમેરિકાના 38માં રાષ્ટ્રપતિ હતા. 1975માં ફોર્ડની હત્યાના બે વખત પ્રયાસો થયા હતા પરંતુ તેઓ બંને ઘટનાઓમાં બચી ગયા હતા. 40માં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનને વોશિંગ્ટન ડીસીમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ હુમલામાંથી તેઓ સ્વસ્થ થયા હતા. જ્યોર્જ ડબ્લ્યુ. બુશ 2005માં જ્યોર્જિયન રાષ્ટ્રપતિ મિખાઈલ સાકાશ્વિલી સાથે ટિબિલિસીમાં એક રેલીમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે તેમની તરફ હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. 2011માં, એક વ્યક્તિ પર પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જ્યારે સત્તાધીશોએ જણાવ્યું હતું કે હુમલાખોરે વ્હાઇટ હાઉસમાં ગોળીબાર કર્યો હતો.
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો પણ હુમલાખોરોના નિશાન બન્યા છે. 1912માં પ્રમુખપદના ઉમેદવાર થિયોડોર રૂઝવેલ્ટને મિલવૌકીમાં પ્રચાર કરતી વખતે ગોળી વાગી હતી. 1968માં, રોબર્ટ એફ. કેનેડી ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા. લોસ એન્જલસની એક હોટલમાં તેની હત્યા કરવામાં આવી હતી. જ્યોર્જ વોલેસ જ્યારે 1972માં મેરીલેન્ડમાં ગોળી મારી દેવામાં આવી ત્યારે ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ નોમિનેશનની માંગ કરી રહ્યા હતા.