જો બાઈડેન અને શી જિનપિંગ વચ્ચે ફરી યોજાશે બેઠક, વ્હાઈટ હાઉસ પ્રવક્તાએ આપી માહિતી
બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટે મહત્વપૂર્ણ બેઠક
થોડા દિવસ અગાઉ જ બંને દેશોના રાષ્ટ્રપતિઓ વચ્ચે આશરે ચાર કલાક સુધી ચાલી હતી બેઠક
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તાજેતરમાં જ બેઠક યોજાઈ હતી. બંને વચ્ચે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો શહેરમાં બેઠક થઈ હતી અને એક વર્ષ બાદ આ પ્રથમ મુલાકાત હતી. આ દરમિયાન બંને દેશોના રાષ્ટ્રપતિઓ વચ્ચે આશરે ચાર કલાક સુધી બેઠક ચાલી હતી. આ મીટીંગ દરમિયાન બાઈડન અને જિનપિંગ વચ્ચે બે દેશો વચ્ચેના સંઘર્ષ, હાઈ લેવલ મીલીટરી ટુ મીલીટરી ચર્ચાને ફરી શરુ કરવા,ફેંટાઈલ નામની પ્રભાવશાળી નાર્કોટિક દર્દનાશક દવાના ટ્રાફિકીંગ પર કાબુ કરવા, તાઈવાન,ક્લાયમેટ ચેન્જ, રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અને અન્ય વિષય પર ચર્ચા થઇ હતી. આ બંને નેતાઓ વચ્ચે યોજાયેલ સકારાત્મક હોવાનું જણાવવામાં આવ્યું હતું. હવે વ્હાઈટ હાઉસના પ્રવક્તા જોન કીર્બીએ જો બાઈડન અને શી જિનપિંગ સાથે જોડાયેલ મહત્વની જાણકારી આપી છે.
બાઈડન અને જિનપિંગ ફરી મળશે
કિર્બીએ માહિતી આપતા કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ ફરી મુલાકાત કરશે. કિર્બીએ કહ્યું કે, બાઈડન હજુ પણ માને છે કે જિનપિંગ એક સરમુખત્યાર છે, પરંતુ અમેરિકા અને ચીનના રાષ્ટ્રપતિઓ વચ્ચેની બેઠકને સકારાત્મક અને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટે મહત્વપૂર્ણ પણ ગણાવવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે અને તણાવ વધ્યો છે. આવી સ્થિતિમાં, સાન ફ્રાન્સિસ્કોમાં બિડેન અને જિનપિંગ વચ્ચેની બેઠકને બંને દેશોના સંબંધોમાં સુધારની શરૂઆત તરીકે જોવામાં આવી હતી.
બાઈડન અને જિનપિંગ વચ્ચે ફરી મુલાકાત થશે તે વાતની કીર્બીએ ખાતરી આપી દીધી છે. જોકે આ મુલાકાત ક્યારે થશે તેની કોઈ જાણકારી સામે આવી નથી.