જતાં જતાં બાઇડેનનો વધુ એક મોટો નિર્ણય, 4 ભારતવંશી સહિત 1500 લોકોની સજા 'માફ' કરી!
Joe Biden granted clemency 1500 people | અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનો કાર્યકાળ આગામી જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ જતાં જતાં તેઓ અનેક મોટા નિર્ણયો લેવામાં વ્યસ્ત છે. હવે તેમણે અમેરિકાની જેલોમાં કેદ 1500 જેટલાં કેદીઓની સજા ઘટાડવા કે માફ કરવાનો નિર્ણય લીધો છે. જેમાંથી ચાર તો ભારતીય મૂળના અમેરિકન છે.
બાઈડેને નિવેદનમાં શું કહ્યું?
રાષ્ટ્રપતિ બાઈડેને એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા સંભાવના અને બીજી તક આપવાના વાયદાના વળાંકે ઊભું છે. રાષ્ટ્રપતિ હોવાને લીધે મારી પાસે આવા લોકોને માફ કરવાનો વિશેષાધિકાર છે કે જેમને તેમના કરેલા કૃત્યો માટે પસ્તાવો અને દુઃખ છે અને જેઓ અમેરિકન સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માંગે છે. તેમાં ખાસ કરીને ડ્રગ્સના કેસમાં દોષિત ઠરેલા લોકોનો સમાવેશ થાય છે.
39 લોકોની સજા સંપૂર્ણ માફ
બાઈડેને કહ્યું કે એટલા માટે આજે હું આવા 39 લોકોની સજા માફ કરી રહ્યો છું અને લગભગ 1500 લોકોની સજા ઘટાડી રહ્યો છું. એમાં એવા લોકોની સંખ્યા વધારે હશે જેમની સજા ઘટી જશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં તાજેતરના સમયમાં એક જ દિવસમાં આપવામાં આવેલી આ સૌથી મોટી સજા માફી છે.
ચાર ભારતીયો પણ સામેલ
ખરેખર ડિસેમ્બર 2012 માં ડૉ. મીરા સચદેવાને છેતરપિંડીના દોષિત ઠેરવ્યા બાદ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેના પર 82 લાખ ડૉલરનો દંડ પણ લાદવામાં આવ્યો હતો. બાઈડેને પહેલા એવા 39 ગુનેગારોની સજા માફ કરી જેઓ હિંસક ગુનાઓમાં સામેલ ન હતા. આ સાથે ભારતીય મૂળના ચાર અમેરિકન નાગરિકોની સજા માફ કરવામાં આવી. જેમાં મીરા સચદેવા, બાબુભાઈ પટેલ, ક્રિષ્ના મોટે અને વિક્રમ દત્તા સામેલ છે.
બાઈડેને અગાઉ પોતાના દીકરાની સજા માફ કરી હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલા પોતાની સત્તાનો ઉપયોગ કરીને બાઈડેને પોતાના પુત્રની સજા પણ માફ કરી દીધી હતી. તેમણે ઘણા કેસમાં હન્ટર બાઈડેનને માફી આપી હતી. પુત્ર હન્ટર બાઈડેન પર કરચોરીથી લઈને ગેરકાયદેસર હથિયાર રાખવા, સરકારી નાણાંનો દુરુપયોગ અને ખોટી જુબાની જેવા આરોપો હતા.