ઈરાન પણ સમજી જાય, હૂતી જૂથ પર હવાઈ હુમલાઓ વચ્ચે જો બાઈડનની ચેતવણી
વોશિંગ્ટન,તા.13.જાન્યુઆરી.2024
હૂતી જૂથ પર અમેરિકા અને બ્રિટનના હવાઈ હુમલા બીજા દિવસે પણ ચાલુ રહ્યા છે ત્યારે અમેરિકાએ હવે ઈરાનને પણ આડકતરી રીતે ધમકી આપી છે.
અ્મેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યુ છે કે, રેડ સીમાં હૂતી જૂથ દ્વારા ઈરાનની મદદથી જહાજો પર હુમલા કરવામાં આવી રહયા છે.યમનમાં હૂતીઓના આશ્રય સ્થાનો પર હુમલા કરીને અમે ઈરાનને પણ સંદેશ આપી દીધો છે.
તેમણે કહ્યુ હતુ કે, જો હૂતી જૂથ દ્વારા અમારા સહયોગીઓ સાથે આ જ પ્રકારનો વર્તાવ ચાલુ રહ્યો તો હજી પણ વધારે આકરો જવાબ આપવા માટે અમે તૈયાર છે.બાઈડને સાથે સાથે કહ્યુ હતુ કે, રેડ સીમાં જહાજો પર હુમલાઓના કારણે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલની કિંમતો વધી શકે છે.
તેમના કહેવા અનુસાર હૂતી જૂથ એક આતંકવાદી સમૂહ છે અને તેને ફરી આતંકી સંગઠનોના લિસ્ટમાં સામેલ કરવા માટે અમેરિકા વિચાર કરી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે હૂતી જૂથને આતંકવાદીઓના લિસ્ટમાં નાંખ્યુ હતુ અને બાઈડન સરકારે સત્તા સંભાળ્યા બાદ હૂતી જૂથને તેમાંથી બહાર કરી દીધુ હતુ પણ હવે બાઈડન સરકાર આ નિર્ણય પર પુન વિચારણા કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને બ્રિટનની વાયુસેનાના વિમાનોએ સતત બીજા દિવસે પણ હૂતી જૂથના બેઝને ટાર્ગેટ કર્યા છે અને તેના માટે ખતરનાક ટોમ હોક ક્રુઝ મિસાઈલનો ઉપયોગ પણ કર્યો છે.હૂતી જૂથના વધતા જતા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.