જો બાયડેન અમેરિકાના ઇતિહાસમાં થયેલા સૌથી નકામા પ્રમુખ: ટ્રમ્પના તીવ્ર પ્રહારો
- બાયડેનની ઓપન-બોર્ડર પોલીસી એક આફત સમાન છે: તેથી અમેરિકા સમગ્ર વિશ્વમાં હાસ્યાસ્પદ બની રહ્યું છે
વૉશિંગ્ટન : વિદાય લેતા પ્રમુખ જો બાયડેન ઉપર તીવ્ર પ્રહારો કરતાં નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓને અમેરિકાના ઇતિહાસના સૌથી નકામા પ્રમુખ કહી દીધા છે. તેઓએ કહ્યું: ''બાયડેનની ઓપન બોર્ડર પોલિસી અમેરિકા માટે આફત સમાન બની રહી છે, અને દેશ સમગ્ર વિશ્વમાં હાસ્યાસ્પદ બની રહ્યો છે.''
આ સાથે ટ્રમ્પે કહ્યું, વાસ્તવમાં ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (ડીઓજે) અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એપબીઆઈ) તેમનું કામ યોગ્ય રીતે કરતા નથી.
પોતાની પોસ્ટ ઠ ઉપર ટ્રમ્પે તે વિભાગોને અકાર્યક્ષમ અને ભ્રષ્ટ કહી દીધા હતા. સાથે કહ્યું કે તે વિભાગો ગેરકાયદેસર મારી ઉપર હુમલા કરી રહ્યાં છે, તે બધા અમેરિકાની જનતાનું રક્ષણ કરવાને બદલે મારી ઉપર હુમલા કરે છે. અમેરિકન્સ ઉપર દેશમાં અને દેશની બહાર પણ હુમલા થઈ રહ્યાં છે. દુષ્ટ તોફાની તત્ત્વો અમેરિકાની સરકારમાં પણ ઘૂસી ગયાં છે, સમગ્ર દેશમાં પણ ફેલાઈ ગયાં છે.
તેઓએ વધુમાં જણાવ્યું આ પરિસ્થિતિમાં સીઆઈએએ બહુ મોડું થાય તે પહેલાં તત્કાળ પગલાં ભરવાં જોઈએ, અમેરિકા ભાંગી રહ્યું છે, સલામતીનું નખ્ખોદ નીકળી ગયું છે. જો આપણે દેશની પ્રતિષ્ઠા બચાવવી હોય, લોકશાહી ટકાવવી હોય અને દેશને વિશ્વમાં પ્રથમ ક્રમે રાખવો હોય તો શક્તિ સાધના અનિવાર્ય છે, સાથે સબળ નેતૃત્વ પણ અનિવાર્ય છે. ભલે આપણે હવે ૨૦મી જાન્યુઆરીએ મળીશું તેમ લખી ટ્રમ્પે ઠ પ્લેટફોર્મ પરનું તેઓનું કથન સમાપ્ત કર્યું હતું.