બાઈડેનનો વધે એક બફાટ : ઝેલેન્સ્કીને પુતિન કહી દીધા, આ સાંભળતા જ યુક્રેનના પ્રમુખ હસી પડ્યાં
- છેલ્લા કેટલાએ સમયથી બાયડેન બફાટ કરતા આવ્યા છે : 81 વર્ષના જો ઘણું ઘણું ભૂલી જાય છે : તેમના પક્ષના જ સભ્યો 'રેસ'માંથી ખસી જવા કહે છે
વોશિંગ્ટન : 'નાટો' સમિટ સમયે પ્રમુખ જો બાયડેને યુક્રેનના પ્રમુખ વ્લાદોમીર ઝેલેન્સ્કીને ઉપસ્થિત સભ્યો સમક્ષ પુતિન તરીકે પરિચય આપતાં ઉપસ્થિત સમુદાયને આંચકો લાગ્યો હતો. ત્યારે તેમની બાજુમાં જ ઉભેલા ઝેલેન્સ્કી પણ મંદ મંદ હસી રહ્યા હતા.
પ્રમુખે ગુરૃવારે સાંજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવાના હતા તે પહેલાં જ તેમણે કરેલો આ બફાટ તેમના ફરી ચૂંટાવાના પ્રયત્નોમાં અવરોધરૃપ બની રહેશે તેમ નિશ્ચિત લાગે છે. પ્રમુખના આ બફાટથી તેમની જ પાર્ટી ડેમોક્રેટિક પાર્ટીના જ ઘણાએ સભ્યો તેમને પ્રમુખપદની રેસમાંથી ખસી જવા કહે છે. તેટલું જ નહીં પરંતુ પાર્ટીને તે ચૂંટણી માટે લાખ્ખો ડોલર્સનું અનુદાન આપનાર હોલીવૂડના દિગ્ગજ એક્ટર જ્યોર્જ કલુની પણ તેઓને આ રેસમાંથી ખસી જવા કહે છે. તે ઉપરાંત તેમના જ પક્ષના પાંચ સાંસદોએ પણ તેઓને 'રેસ'માંથી ખસી જવા અનુરોધ કરતો પત્ર પણ લખ્યો છે. આમ છતાં બાયડેન પ્રમુખપદની સ્પર્ધામાં બીજી વાર ઝુંકાવવા માંગે છે.
ગુરૃવારે નાટો દેશોના પ્રતિનિધિઓ સમક્ષ ઝેલેન્સ્કીને રજૂ કરતાં બાયડેને કહ્યું, 'હું પ્રમુખ પુતિનને તમારી સમક્ષ રજૂ કરૃં છું.' તે સમયે ઝેલેન્સ્કી પણ હસી પડયા હતા. પરંતુ પછીથી તુર્ત જ વાત વાળી કહ્યું કે, 'તેઓ પુતિન કરતાં ઘણા સારા છે.'
વાસ્તવમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેની ડીબેટ સમયે પણ જો બાયડેન બફાટ ઉપર બફાટ કરી રહ્યા હતા. ત્યારથી જ તેઓની પ્રમુખ તરીકેની ફરજો બજાવવાની ક્ષમતા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય તે છે કે આ પ્રવચન પછી બાયડેન સભા ખંડમાંથી બહાર જતા હતા ત્યાં અચાનક પાછા ફરી તેઓ બોલ્યા 'પ્રમુખ પુતિન ? હું આ દ્વારા તેમ કહેવા માગું છું કે પ્રમુખ ઝેલેન્સ્કી પુતિનને પરાજિત કરવા માટે પૂરા સમર્થ છે.'
પ્રમુખ બાયડેનના આ બફાટને રાળી-ટાળી નાખવાનો પ્રયત્ન કરતાં હોય તે રીતે જર્મનીના ચાન્સેલર ઓલેફ શોલ્ઝે કહ્યું હતું કે, 'આવી સ્લિપ ઓફ ટંગ' તો થઈ જાય. જો તમે દરેકની પ્રત્યે ધ્યાનથી જોશો તો તમને જાણવા મળશે કે આવી 'સ્લિપ ઓફ ટંગ' તો થતી જ રહે છે.
ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોએ પણ કહ્યું કે, આ પરિષદ સમયે જાણે કે પોતે કમાન્ડ સંભાળી લીધો હોય તેવા સ્વસ્થ અને સુદ્રઢ દેખાતા હતા. જ્યારે બ્રિટિશ વડાપ્રધાન કેર-સ્ટેરમરે કહ્યું હતું કે તેઓ પૂરેપૂરા ફોર્મમાં હોય તેવું લાગતું હતું.
આ બધા જે કહે તે પરંતુ ૮૧ વર્ષના બાયડેન હવે કંટાળ્યા છે. તેમણે સ્પર્ધામાંથી ખસી જવું જોઈએ તેમ ઘણા માને છે.