જો બાઇડેન 'કોવિડ' પોઝિટિવ : બીજી તરફ વધતી વય પણ ચિંતાનો વિષય બની રહી
- કોઈ આરોગ્યની તકલીફ હશે તો 'રેસ'માંથી ખસી જશે
- 81 વર્ષના બાઇડેનને લા'વેગસમાં બુધવારે જ ચૂંટણી પ્રચાર ટૂંકાવવો પડયો : 2/3 ડેમોક્રેટ્સ તેઓને 'સ્પર્ધા'માંથી ખસી જવા કહે છે
વૉશિંગ્ટન : પ્રમુખ જો બાઈડેન બુધવારે કોવિડ પોઝિટિવ ટેસ્ટ થયા છે. તે પછી લગભગ તુર્ત જ તેઓએ જણાવ્યું હતું કે, આ નિદાન સાચું નીકળતાં, આરોગ્યની સ્થિતિ ગંભીર બની રહે, તેથી હું પ્રમુખ પદની ચૂંટણીની સ્પર્ધામાંથી ખસી પણ જાઉં.
૮૧ વર્ષના આ પ્રમુખે તેઓ માટેની કાર, લિનોનિઝકારમાં બેસતી વખતે તેઓએ અંગૂઠો ઊંચો કરી પત્રકારો અને જનસામાન્યને ગૂડ-બાય કહ્યાં હતાં. આ સાથે તેઓએ કહ્યું હતું કે મને અત્યારે તો સારૃં લાગે છે. પરંતુ ખરી હકીકત તે છે કે તેઓને અસ્વસ્થતા લાગતાં તેઓએ લા'વેગસની તેમની મુલાકાત અને ચૂંટણી પ્રચાર સભા બંને ટૂંકાવી દીધાં હતાં.
તેઓનાં સ્વાસ્થ્યની માહિતી આપતાં વ્હાઈટ-હાઉસે જણાવ્યું હતું કે તેઓને નાકમાંથી સતત પાણી નીકળે છે, કફ છે. અને સામાન્ય માંદગી (સુસ્તી જેવું) પણ લાગે છે. એક તરફ તેઓ કોવિડ-પોઝિટિવ જાહેર થયા છે. તો બીજી તરફ તેઓની વધતી વય પણ ચિંતાજનક બની રહી છે.
લા'વેગાસથી તેઓ પ્રમુખ માટેનાં ઉડતા કિલ્લા જેવાં વિમાન એરફોર્સ-૧ દ્વારા તેઓનાં ડેલવર સ્થિત રિહોબોથનાં બીચહાઉસમાં આઈસોલેશનમાં ચાલ્યા ગયા હતા.
જોકે આ પૂર્વે જ મંગળવારે, તેઓને અસ્વસ્થતા લાગવી શરૂ થઈ ગઈ હતી તે સમયે એક મુલાકાતમાં તેઓએ કહ્યું હતું કે મને કોઈ મેડિકલ કન્ડીશન (આરોગ્ય અંગેની) મુશ્કેલી ઊભી થશે તો હું પ્રમુખપદની સ્પર્ધામાંથી ખસી જઈશ. ટૂંકમાં એક તરફ કોવિડ, બીજી તરફ વધતી વય ચિંતાનો વિષય બની રહી છે.
ડેમોક્રેટિક પાર્ટીના ૨/૩ જેટલા સભ્યો તેઓને સ્પર્ધામાંથી ખસી જવા કહે છે. તે પૈકી હાઉસ ૨૦ ડેમોક્રેટ્સ અને ૧ સેનેટરે તો બાઈડેનને ખસી જવા રૂબરૂમાં પણ જણાવ્યું હતું.
છેલ્લાં કેટલાયે દિવસોથી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં નાટકીય ઘટનાઓ બની રહી છે. એક તરફ મતોનું ધૂ્રવીકરણ થતું જાય છે. તો બીજી તરફ ચૂંટણી પ્રચારમાં અસામાન્ય તીવ્રતા પણ પ્રસરી રહી હતી. તેમાં પ્રમુખપદ માટેના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર તેઓની રેલી દરમિયાન જ ગોળીબાર થયો એ સાથે વિશ્વમાં હાહાકાર થઈ ગયો તો બીજી તરફ ચૂંટણી પ્રચારમાં પણ ચક્રવાત શરૂ થઈ રહ્યો.
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સામેની વાક્-સ્પર્ધામાં અતિ ખરાબ દેખાવ બાઇડેને કર્યો હતો. તેમાં તેઓ થાકેલા અને અસમંજસમાં પડી ગયેલા દેખાતા હતા. આશરે ત્રણેક સપ્તાહ પૂર્વે બનેલી આ ઘટના પછી બાઇડેને પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યાં છે. તેવામાં એક તરફ તેઓ કોવિડ-પોઝિટિવ જાહેર થયા બીજી તરફ તેઓની વધતી વય તેને લીધે દેખાતી શારીરિક નબળાઈ તો ત્રીજી તરફ તેઓ અન્ય વક્તવ્યોમાં પણ કરેલા બફાટ (જેવાં કે ઝેલેન્સ્કીને પુતિન કહી દેવા)ને લીધે તેમના વિજયની સંભાવના ઘટી રહી છે.
જોકે વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરિન જીન-પીયરીમે જણાવ્યું હતું કે લા'વેગસમાં અમેરિકા સ્થિત લેટિન્સને પક્ષમાં રાખી તેઓ પ્રવચન આપતા હતા. ત્યારે જ અચાનક અસ્વસ્થતા તેમને જણાઈ હતી પરંતુ તેઓએ વેક્સિનેશન કર્યું છે. બૂસ્ટર ડોઝ પણ લીધો છે. તેમ જણાવતાં વ્હાઈટ હાઉસનાં નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ કોવિડ ઉપર દવા પ્લેક્સોવિડ લઈ રહ્યા છે. તેનો પહેલો ડોઝ પણ લઈ લીધો છે.