જો બાઈડન ફરી ગોથે ચઢ્યા, જિનપિંગને ચીનની જગ્યાએ રશિયાના રાષ્ટ્રપતિ ગણાવી દીધા
વોશિંગ્ટન, તા. 25 ફેબ્રુઆરી 2024
અમેરિકાના સૌથી વૃધ્ધ રાષ્ટ્રપતિ જો બાઈડન આજકાલ પોતાના ભૂલકણા સ્વભાવને લઈને ચર્ચામાં છે. વિરોધી રિપબ્લિકન પાર્ટી તો વારંવાર તેમના પર નિશાન સાધી જ રહી છે અને બાઈડનનો ભૂલકણા સ્વભાવનો લોકોને વારંવાર પરચો પણ મળી રહ્યો છે.
લેટેસ્ટ મામલામાં બાઈડને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને રશિયાના રાષ્ટ્રપતિ ગણાવી દીધા છે. જોકે તેમણે તરત જ પોતાની ભૂલ સુધારી દીધી હતી અને જિનપિંગને ચીનના રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા.
વ્હાઈટ હાઉસમાં નેશનલ ગવર્નર્સ એસોસિએશનના કાર્યક્રમમાં બાઈડન એક જુનો કિસ્સો યાદ કરીને કહી રહ્યા હતા કે, તે સમયના પ્રમુખ બરાક ઓબામાએ મને શી જિનપિંગ અંગે જાણકારી એકઠી કરવાની જવાબદારી સોંપી હતી. કારણકે જિનપિંગ રશિયાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા હતા...આટલુ બોલ્યા બાદ બાઈડને તરત ભૂલ સુધારીને કહ્યુ હતુ કે ના જિનપિંગ ચીનના રાષ્ટ્રપતિ બનવાના હતા...તે વખતે રશિયા સાથે અમારા સબંધો સારા નહોતા એટલે ઓબામા ઈચ્છતા હતા કે હું જિનપિંગ અંગે જાણકારી મેળવુ...
બે દિવસ પહેલા જ બાઈડન એલેક્સી નવલનીના પત્નીનુ ખોટુ નામ બોલાવ્યા હતા અને નવલીનાના પત્ની યૂલિયાનો ઉલ્લેખ યોલાંડા તરીકે કર્યો હતો.
એક ફંડ રેઈઝિંગ કાર્યક્રમમાં પણ થોડા સમય પહેલા બાઈડને આવો જ લોચો માર્યો હતો. તેઓ ભારતના સંદર્ભમાં વાત કરી રહ્યા હતા અને નામ ચીનનુ બોલ્યા હતા. જોકે તેમને ભૂલ સમજાતા તેમણે દિલગિરી વ્યક્ત કરીને કહ્યુ હતુ કે, મારો કહેવાનો મતબલ ચીન નહીં પણ ભારત હતો.