'વીણી વીણીને બદલો લઇશું...' અમેરિકન સૈનિકોના મોત મામલે રાષ્ટ્રપતિ બાયડેનની આકરી ચેતવણી
કટ્ટરપંથી ઈરાન સમર્થિત આતંકી સમૂહોના એક સંગઠન ઈસ્લામિક રેઝિસ્ટન્સ ઈન ઈરાક એ જોર્ડન સીરિયા સરહદે કરાયેલ હુમલા સહિત અન્ય 3 ઠેકાણે હુમલાનો દાવો કર્યો
image : Twitter |
Jordan attack and Biden Reaction | સીરિયાની સરહદ નજીક ઉત્તર પૂર્વ જોર્ડનમાં તહેનાત અમેરિકન સૈન્યને માનવરહિત ડ્રોન વડે નિશાન બનાવાયું હતું. આ હુમલામાં 3 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે 34થી વધુ ઘવાયા હતા. રાષ્ટ્રપતિ બાયડેને આ હુમલા માટે ઈરાન સમર્થિત સમૂહોને દોષિત ઠેરવ્યાં છે. જેને લઈને તેમણે એક ચેતવણી પણ ઉચ્ચારી હતી.
વ્હાઈટ હાઉસે નિવેદન જાહેર કર્યું
વ્હાઈટ હાઉસ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં રાષ્ટ્રપતિ બાયડેને કહ્યું છે કે હુમલા વિશે તપાસ કરવામાં આવી રહી છે. અમે જાણીએ છીએ કે સીરિયા અને ઈરાકમાં સક્રિય ઇરાન સમર્થિત કટ્ટરપંથી આતંકી સમૂહો દ્વારા જ આ હુમલાને અંજામ અપાયો છે. તેમ છતાં અમે આ હુમલામાં સામેલ એક એક લોકોથી હિસાબ લઈશું અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું. વીણી વીણીને બદલો લેવામાં આવશે.
આતંકવાદ સામેની લડાઈ જારી રહેશે
રાષ્ટ્રપતિ બાયડેને આ હુમલામાં માર્યા ગયેલા સૈનિકો પ્રત્યે શોક વ્યક્ત કરતાં કહ્યું કે, 'સૈનિકોએ દેશની સેવા કરતાં કરતાં બલિદાન આપ્યું. અમે પણ આતંકવાદ વિરુદ્ધ લડતા રહીશું. આ એવી લડાઈ છે જે ક્યારેય બંધ નહીં કરી.' અમેરિકી સંરક્ષણ મંત્રી લૉયડ ઓસ્ટિને પણ આ ચેતવણી પુનરાવર્તન કરતાં કહ્યું કે અમે આ મામલે બાયડેનને સંપૂર્ણ માહિતી આપી દીધી છે. કટ્ટરપંથી ઈરાન સમર્થિત આતંકી સમૂહોના એક સંગઠન ઈસ્લામિક રેઝિસ્ટન્સ ઈન ઈરાક એ જોર્ડન સીરિયા સરહદે કરાયેલ હુમલા સહિત અન્ય 3 ઠેકાણે હુમલાનો દાવો કર્યો હતો.