"આ રીતે થઈ જશે ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષનો કાયમી અંત...', અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેને કહી મોટી વાત
પેલેસ્ટાઈનની સરકાર ટુ સ્ટેટ સોલ્યુશનના સમર્થનમાં જ્યારે હમાસ તેના વિરોધમાં
અગાઉ 1991માં અમેરિકી મધ્યસ્થતા હેઠળ મેડ્રિડ શાંતિ સંમેલનમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ટુ સ્ટેટ સોલ્યુશન પર સહમતિ સધાઈ હતી
Jo Biden Big Statement on israel-palestine Conflict | અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને કહ્યું કે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના લોકોની કાયમી શાંતિ માટે ટુ સ્ટેટ સોલ્યુશન (બે દેશોની સ્થાપના) જ યોગ્ય ઉપાય છે. જો બાયડેને એમ પણ કહ્યું કે મને આશા છે કે જ્યાં સુધી તમામ બંધકો મુક્ત નહીં થઇ જાય ત્યાં સુધી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ જારી રહેશે.
બાયડેને કહી મોટી વાત
આ દરમિયાન બાયડેને કહ્યું કે મને આશા છે કે હમાસ દ્વારા ટૂંક સમયમાં જ અમેરિકી બંધકોને મુક્ત કરાશે. ઉલ્લેખનીય છે કે રવિવારે હમાસે ફરી 17 બંધકોને મુક્ત કર્યા હતા જેમાં એક ચાર વર્ષની અમેરિકી બાળકી સામેલ હતી. તેના પછી મીડિયા સાથે વાત કરતાં બાયડેને શાંતિ સ્થાપિત કરવા કાયમી ઉપાય તરીકે ટુ સ્ટેટ સોલ્યુશનની વાત કહી હતી.
શું છે ટુ સ્ટેટ સોલ્યુશનનો પ્રસ્તાવ?
ઉલ્લેખનીય છે કે ટુ સ્ટેટ સોલ્યુશન હેઠળ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની અલગ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રચના કરવાની વાત કહેવામાં આવી છે. 1991માં અમેરિકી મધ્યસ્થતા હેઠળ મેડ્રિડ શાંતિ સંમેલનમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ટુ સ્ટેટ સોલ્યુશન પર સહમતિ સધાઈ હતી. જોકે પેલેસ્ટાઇનની વેસ્ટ બેન્કમાં જે સરકાર છે તે ટુ સ્ટેટ સોલ્યુશન પર સહમત છે પણ ગાઝાનું સંચાલન કરતું સંગઠન હમાસ તેના વિરોધમાં છે અને તે સમગ્ર ઈઝરાયલ પર દાવો કરે છે.