Get The App

સીરિયામાં ભયંકર ગૃહયુદ્ધના એંધાણ, બળાવખોરોનો એલેપ્પો શહેર પર કબજો, 200થી વધુનાં મોત

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
સીરિયામાં ભયંકર ગૃહયુદ્ધના એંધાણ, બળાવખોરોનો એલેપ્પો શહેર પર કબજો, 200થી વધુનાં મોત 1 - image


Syria News | જેહાદીઓએ દમાસ્કસ-અલેપ્પો ધોરીમાર્ગ પર આક્રમણ કર્યું છે. પરિણામે ધોરીમાર્ગ બંધ કરવો પડયો છે. જેહાદી જૂથ હયાત-તાહીર-અલ્-શામ અને તેનાં સાથી જૂથોએ સીરિયા પર કબજો જમાવવા ખૂનખાર યુદ્ધ છેડી દીધું છે. તેમને રશિયાની સહાય છે. રશિયન-એર-સ્ટ્રાઇક્સને લીધે આ મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. કુવૈત-ઈરાક-સીરિયા લેબેનોન અને જોર્ડન તથા ઇઝરાયલનો વિસ્તાર વિશ્વના મહત્ત્વના વ્યૂહાત્મક વિસ્તારો પૈકીનો એક છે. આ વિસ્તાર પર કબજો જમાવવા મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષ ચાલે છે. ઈરાક અને સીરિયામાં વર્ષોથી આંતર-કલહ ચાલી રહ્યો છે. તે પૈકી સીરિયામાં તીવ્ર આતંર-કલહ ચાલે છે જે છેલ્લાં કેટલાંક સમયથી અતિ તીવ્ર બની રહ્યો છે. તેમ સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ જણાવે છે.

અત્યારે સીરિયામાં ચાલી રહેલાં ગૃહ યુદ્ધમાં હયાત તાહીર-અલ્-શામ (એચ.ટી.એસ.)ના 102 આતંકીઓ માર્યા ગયા છે. બીજા 19 તેનાં સાથી જૂથોના આતંકીઓ માર્યા ગયા છે. તો બીજી તરફ પ્રમુખ બશર અલ અસદની સરકારનાં અને સાથીઓનાં દળો મળી 61 નાં મોત થયાં છે. આમ કુલ આંક 182 મૃત્યુનો પહોંચ્યો છે.

ઉક્ત ઓબ્ઝર્વેટરીના રામી અબ્દુલ રહેમાન જણાવે છે કે રશિયાના વિમાન હુમલામાં અલેપ્પોની આજુબાજુના વિસ્તારોમાં કુલ મળી 19 નાં મૃત્યુ થયાં છે. જ્યારે સીરીયન લશ્કરના તોપમારાથી અન્યોનાં મૃત્યુ થયાં છે. 

ઉલ્લેખનીય છે કે રશિયા પ્રમુખ બશર અલ અસદને ટેકો આપે છે. જે સામે અમેરિકા સાથી પશ્ચિમના દેશો વિપ્લવ જૂથોને ટેકો આપે છે.

રશિયા પ્રમુખ બશર-અલ્-યાસદનું ગાઢ મિત્ર છે. સીરિયામાં 2015થી ગૃહયુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયાએ તેમાં હસ્તક્ષેપ શરૂ કર્યો અને ગૃહયુદ્ધ પ્રમુખ અસદ પક્ષે વાળી દીધું તે સમયે (2015માં) આસદ-સરકારના હાથમાં માત્ર દેશનો એક પંચમાંશ (20 ટકા) ભાગ જ હતો.

બીજી તરફ એચ.ટી.એસ. અને તેનાં સાથી જૂથોને તૂર્કી પણ ટેકો આપે છે. તેઓએ અત્યારે દમાસ્કસ અલેપ્પો ઇન્ટરનેશનલ હાઈવે એમ-૫ ઉપર કબજો જમાવી દીધો છે. ઉપરાંત એમ-૪ અને એમ-૫ હાઈવેઝનાં જંકશન ઉપર પણ કબજો જમાવી દીધો છે. તેમ બ્રિટન સ્થિત નિરીક્ષકો જણાવે છે.

ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયું ત્યારે કેટલાંક નિરીક્ષકોએ આગાહી કરી હતી કે આ યુદ્ધ સમગ્ર મધ્યપૂર્વ આવરી લેશે તે સાચી પડતી જાય છે.


Google NewsGoogle News