વિશ્વના બીજા સૌથી ધનિક જેફ બેઝોસ ફરી લગ્ન કરશે, 5000 કરોડનો ખર્ચની વાતને અફવા ગણાવી
Jeff Bezos Wedding : એમેઝોનના સ્થાપક અને દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ 28 ડિસેમ્બરે કોલોરાડોના એસ્પેનમાં પોતાની પ્રેમિકા લોરેન સાંચેઝથી લગ્ન કરવાના છે. અહેવાલ મુજબ, આ લગ્નમાં 600 મિલિયન અમેરિકન ડોલર (આશરે 5000 કરોડ રૂપિયા) નો ખર્ચ થવાની વાત ફેલાવાઈ હતી જેને ખુદ જેફ બેઝોસે રદીયો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા બેઝોસ અને સાંચેઝના લગ્નનું આયોજન 160 એકરના ભવ્ય ફાર્મમાં કરવામાં આવશે તેવા દાવા કરાયા હતા.
પાછલા વર્ષે કરી હતી સગાઇ
નોંધનીય છે કે, આ કપલે પાછલા વર્ષે જ સગાઇ કરી હતી. બેઝોસે સાંચેઝને પ્રપોઝ કરી અંગૂઠી પહેરાવી હતી. સાંચેઝે સોશિયલ મીડિયા પર બેઝોસ સાથે પોતાના રિલેશનશિપ અંગે માહિતી આપી હતી. લોરેન સાંચેઝ એમી એવોર્ડ વિજેતા પત્રકાર અને હેલિકોપ્ટર પાયલોટ છે તેમજ ઇન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.
પ્રી-વેડિંગ ફંક્શન
એવા અહેવાલ હતા કે બેઝોસ અને સાંચેઝના લગ્ન પહેલા 26 અને 27 ડિસેમ્બરે અમેરિકાના એક ભવ્ય રેસ્ટોરાંમાં પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન થશે. આ કાર્યક્રમમાં કપલના નજીકના મિત્રો અને પરિવારનો લોકો સામેલ થશે. આ ઉપરાંત બિલ ગેટ્સ, લિયોનાર્ડો ડિકેપ્રિયો અને ક્રિસ જેનર જેવી પ્રમુખ હસ્તિઓ પણ આ કાર્યક્રમમાં હાજર હોઇ શકે છે.
લોરેન સાંચેઝે અગાઉ 2005માં હોલિવૂડના એજેન્ટ પેટ્રિક વ્હાઇટસેલ સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના 13 વર્ષ બાદ 2019માં બંનેએ છુટાછેડા લીધા હતા. બંનેના ઇવાન અને એલા નામના બે બાળકો પણ છે. આ ઉપરાંત જેફ બેઝોસે 1994માં દુનિયાની સૌથી ધનિક મહિલાઓમાંની એક મેકેંઝી સ્કોટ સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના 25 વર્ષ બાદ 2019માં છૂટાછેડા લીધા હતા. બેઝોસ અને સ્કોટના ત્રણ દિકરાઓ તેમજ એક દત્તક લીધેલી દિકરી છે.
આ પણ વાંચોઃ VIDEO: જર્મની બાદ નાઈઝીરીયામાં ક્રિસમસ દરમિયાન નાસભાગ, 32ના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
બેઝોસની સંપત્તિ
બેઝોસની કુલ સંપત્તિ 20.26 લાખ કરોડ રૂપિયા છે. તેઓ 2024 માં સૌથી વધુ કમાણી કરનારા અબજોપતિમાંના એક છે, બેઝોસ ઇ-કોમર્સ કંપની એમેઝોન ઉપરાંત, વોશિંગ્ટન પોસ્ટના માલિક છે અને સબ-ઓર્બિટલ સ્પેસફ્લાઇટ સેવા બ્લુ ઓરિજિનના સ્થાપક પણ છે.