જયશંકર શ્રીલંકાના પ્રમુખ અનુરાકુમારા દિશાનાયકેને મળ્યા ટાપુ રાષ્ટ્રના આર્થિક પુનરૂદ્ધારમાં સહાયની ખાતરી આપી
- ચીન તાઈવાન સંઘર્ષ શ્રીલંકાના પ્રમુખના ધ્યાનમાં હશે
- દિશાનાયકે પ્રમુખ બન્યા પછી શ્રીલંકાની મુલાકાત લેનારા જયશંકર સૌથી પહેલા વિદેશી મહાનુભાવ બની રહ્યા છે
કોલંબો : ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર શ્રીલંકાના પ્રમુખ અનુરાકુમારા દિશાનાયકેને શુક્રવારે મળ્યા હતા. અને બંને દેશો વચ્ચે સહકાર સાધવા તથા બંને દેશોના સંબંધો મજબૂત બનાવવા ચર્ચા થઇ હતી. આ સાથે શ્રીલંકાના આર્થિક પુનરૂત્થાનમાં ભારતની સંપૂર્ણ સહાય આપવાની જયશંકરે પૂરેપૂરી ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે દિશાનાયકે જો સરકાર રચ્યા પછી શ્રીલંકાની મુલાકાતે જનારા જયશંકર સૌથી પહેલા વિદેશી મહાનુભાવ છે.
શુક્રવારે સવારે જયશંકર આ ટાપુરાષ્ટ્રની મુલાકાતે આવી પહોંચ્યા ત્યારે શ્રીલંકાના વિદેશ સચિવ અરૂણી વિજયેન્દ્રે અને શ્રીલંકા સ્થિત ભારતના હાઈ કમિશનરે તેઓનું વિમાનગૃહે સ્વાગત કર્યું હતું.
આ પછી લગભગ તુર્ત જ તેઓ શ્રીલંકાના પ્રમુખને મળ્યા અને ભારતનાં પ્રમુખ દ્રૌપદી મુર્મુએ પોતાના સ્વહસ્તે લખેલો અભિનંદન સંદેશો તેઓને આપ્યો હતો.
જયશંકરે શ્રીલંકાના વિદેશ સચિવ અરૂણી વિજેવર્દને સાથે પણ મંત્રણા કરી હતી.
શ્રીલંકાના વિદેશમંત્રી વિજિથા હેરાથે જયશંકરને આવકાર્યા હતા. એમ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ દ્રઢ બનાવવા મંત્રણાઓ કરી હતી. જયશંકરની શ્રીલંકાની આ મુલાકાત ભારતની નેબર ફર્સ્ટ પોલીસીના ભાગરૂપે છે.