સતત 14મા વર્ષે જાપાનમાં વસ્તી ઘટાડો, 29 ટકા લોકો 65 વર્ષને પાર
વિદેશીઓ સહિત કુલ જનસંખ્યા ૧૨ કરોડ અને ૨૮ લાખ થઇ છે
જે ગત વર્ષની સરખામણીમાં ૦.૪૪ ટકા ઓછી છે
ટોકયો,૧૫ એપ્રિલ,૨૦૨૫,મંગળવાર
જાપાનની જનસંખ્યામાં સતત 14મા વર્ષે ઘટાડો નોંધાયો છે. જેમાં સિનિયર સિટિઝન વરિષ્ઠ નાગરિકોની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધારે છે. ગૃહ મંત્રાલયે સોમવારે ગત વર્ષે 1 ઑક્ટોબર સુધીની જનસંખ્યાના આંકડા બહાર પાડ્યા હતા. જાપાનમાં વિદેશીઓ સહિત કુલ જનસંખ્યા 12 કરોડ અને 28 લાખ થઈ છે જે ગત વર્ષની સરખામણીમાં 0.44 ટકા ઓછી છે. જાપાનમાં રહેતા વિદેશીઓની સંખ્યા 35 લાખ જે રૅકોર્ડ સ્તરે છે.
65 વર્ષ કે તેનાથી વધુ આયુષ્ય ધરાવતા લોકોની કુલ સંખ્યા દેશની કુલ જનસંખ્યાના 29.3 ટકા જેટલી છે જે એક રૅકોર્ડ છે. 75થી વધુ ઉંમર ધરાવતા લોકોની સંખ્યા કુલ વસ્તીના 16.8 ટકા છે જે પણ રૅકોર્ડ થયો છે. 15 કે તેનાથી ઓછી આયુ ધરાવતા લોકોની સંખ્યા 1 કરોડ અને 38 લાખ છે જે કુલ જનસંખ્યાના 11.2 ટકા છે. જાપાનની કુલ જનસંખ્યાના 15થી 64 વર્ષના કામકાજી આયુષ્ય ધરાવતા લોકોની સંખ્યા 59.7 ટકા છે. દેશમાં 47 પ્રીફેકચરોમાં માત્ર ટોકયો અને સાઇતામાની જનસંખ્યામાં જ વધારો થયો છે. બાકીના તમામ પ્રાંતોમાં ઓછા વત્તા પ્રમાણમાં વસ્તી ઘટાડો થયો છે.