જાપાનમાં વસ્તીનું મોટું સંકટ : યુવાનો નથી કરી રહ્યા લગ્ન, બાળકોની સંખ્યામાં રેકોર્ડબ્રેક ઘટાડો
જાપાનમાં બાળકોની સંખ્યામાં ઘટાડો, વસ્તીનું સંકટ
વર્ષ 2023માં જાપાનમાં લગ્નની સંખ્યા ઘટી
Japan Population Crisis: હાલ જાપાન વસ્તીના સંકટનો સામનો કરી રહ્યું છે. જેમાં જાપાનમાં જન્મ લેતા બાળકોની સંખ્યામાં સતત આઠમાં વર્ષે ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જન્મદરમાં 5 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. સતત ઘટી રહેલી વસ્તી જાપાનમાં વધતી વસ્તી કટોકટી દર્શાવે છે. ગત વર્ષની સરખામણીમાં વર્ષ 2023માં જાપાનમાં જન્મની સંખ્યા 5 ટકા ઘટીને 7,59,631 થશે. વર્ષ 2020માં 8,40,832, વર્ષ 2021માં 8,11,604 બાળકોનો જન્મ થયો હતો, જેમાં 3.5 ટકાનો ઘટાડો થયો હતો. જયારે વર્ષ 2022માં 7,99,728 જન્મ થયા હતા, જે 5.1 ટકાનો ઘટાડો હતો. એક અહેવાલ મુજબ આ વર્ષે લગ્ન કરનારા લોકોની સંખ્યામાં 5.9 ટકાનો ઘટાડો થયો છે. જે ચિંતાનો વિષય છે.
જાપાન માટે મોટી ચિંતા
જાપાનમાં લોકો લગ્ન ન કરતા આ એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે 90 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે કે જાપાનમાં એક વર્ષમાં લગ્નની સંખ્યા 5,00,000થી નીચે આવી ગઈ છે. લગ્નની સંખ્યામાં ઘટાડો એ દેશની વસ્તી સંકટનું કારણ છે. મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હયાશીએ સ્થિતિને ગંભીર ગણાવી હતી અને કહ્યું હતું કે જાપાન પાસે આ વલણને બદલવા માટે માત્ર થોડા વર્ષો છે.
સ્થિતિ સુધારવા જાપાન સરકાર આપે છે પરિવારોને ટેકો
આગામી છ વર્ષમાં અથવા 2030 સુધીમાં યુવાનોની સંખ્યામાં ઘટાડો સ્પષ્ટપણે દેખાશે. આથી અત્યારે આ સ્થિતિ બદલવાની આ છેલ્લી તક છે. આ સ્થિતિ જોઈને જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ તેને પોતાની સામે સૌથી ગંભીર સંકટ ગણાવ્યું. ગયા વર્ષે, તેમની સરકારે બાળકો ધરાવતા પરિવારોને ટેકો આપવા માટે ઘણા પગલાં લીધાં. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોપ્યુલેશન એન્ડ સોશિયલ સિક્યુરિટી રિસર્ચના અનુમાન મુજબ, વર્ષ 2070 સુધીમાં જાપાનની વસ્તી ઘટીને 87 મિલિયન થઈ જશે. તેમાંથી દરેક 10માંથી ચાર 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના હશે.