Get The App

જાપાનનું અર્થતંત્ર વિશ્વમાં ચોથા ક્રમે ગબડી જવાની આગાહી

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
જાપાનનું અર્થતંત્ર વિશ્વમાં ચોથા ક્રમે ગબડી જવાની આગાહી 1 - image


- વરિષ્ઠોની વધારે વસતી અને નબળા યેનની અસરથી 

- અમેરિકા, ચીન અને જર્મની પ્રથમ ત્રણ સ્થાને : ભારત 4.1 લાખ કરોડ ડોલરના GDP સાથે પાંચમાં ક્રમે

અમદાવાદ : જાપાન, જે એક સમયે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગુરુવારે આંકડા જાહેર થશે ત્યારે ચોથા ક્રમ ઉપર આવી જશે એવો અંદાજ અર્થશાસ્ત્રીઓ લગાવી રહ્યા છે. વસતીમાં યુવાન કરતા વૃદ્ધ લોકોનું પ્રમાણ વધારે અને છેલ્લા બે વર્ષથી સતત ગબડી રહેલા સ્થાનિક ચલણ યેનના કારણે અર્થતંત્રનું કદ ૪.૩ લાખ કરોડ ડોલર રહે એવી શક્યતા જોવામાં આવી રહી છે. ત્રીજા સ્થાને ૪.૭ લાખ કરોડ ડોલરના જીડીપી સાથે જર્મની રહેશે.

જોકે, ૨૦૩૦ સુધીમાં સૌથી ઝડપે વિકસી રહેલા મોટા અર્થતંત્ર સાથે ભારત પાંચમાં સ્થાન ઉપરથી ત્રીજા સ્થાન ઉપર આવી જશે એવી આગાહી વૈશ્વિક નાણા સંસ્થાઓ, ક્રેડીટ રેટિંગ એજન્સીઓ અને કેન્દ્ર સરકારે કરી છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના (આઈએમએફ) આંકડાઓ અનુસાર અત્યારે ૨૭.૯ લાખ કરોડ ડોલર સાથે અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જ્યારે બીજા ક્રમે ૧૮.૫ લાખ કરોડ ડોલર સાથે ચીન આવે છે. ભારતના અર્થતંત્રનું કદ ૪.૧ લાખ કરોડ ડોલર આવે છે. એવી આગાહી છે કે ભારતીય અર્થતંત્રનું કદ ૨૦૩૦ સુધીમાં ૭.૩ લાખ કરોડ ડોલર થઇ જશે. 

આઈએમએફના આંકડા અનુસાર ૨૦૧૨માં જાપાનનું અર્થતંત્ર ૬.૩ લાખ કરોડ ડોલર હતું જે હવે ઘટી રહ્યું છે. સ્થાનિક ચલણ યેન અમેરિકન ડોલર સામે ૮૦ની સપાટીથી નબળો પડી અત્યારે ૧૪૦ પટકાતા, સરકાર અને સેન્ટ્રલ બેંકની નેગેટીવ વ્યાજ દર (એટલે કે બેંકમાં નાણા જમા કરાવવા માટે થાપણદારને ખર્ચ થાય એવી હોવાથી યેન સતત નબળો પડી રહ્યો છે. યેનની નબળાઈથી નિકાસ આધારિત અર્થતંત્ર ચાલી રહ્યું છે. જાપાનમાં વસતી ઘટી રહી છે, જન્મદર એકદમ નબળો છે એટલે વયસ્કની વસતી વિશ્વમાં સૌથી વધુ છે. દેશની ત્રીજા ભાગની વસતી ૬૫ વર્ષથી વધારે ઉંમર ધરાવે છે એટલે સ્થાનિક ખરીદી અને લોકોની ખરીદશક્તિ એકદમ ઓછી હોવાથી અર્થતંત્ર છેલ્લા એક દાયકાસ્થી લગભગ ૦.૨ ટકાથી ૧ ટકા વચ્ચે જ વિકસી રહ્યું છે અને તેના કારણે અર્થતંત્રનું કદ ઘટયું છે.

જાપાન એક સમયે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અણી પર હતું. જોકે તાજેતરના આ આર્થિક ઘટાડાથી દેશની આર્થિક ગતિ પર નવા પ્રશ્નો ઉભા થશે. ૨૦૧૦માં ચીનના અર્થતંત્રએ જાપાનના અર્થતંત્રને પાછળ છોડી દીધું હતું. જોકે આ વખતના અર્થતંત્રની નબળાઈના તબક્કામાં સરકાર, પોલિસી મેકર્સ અને સામાન્ય લોકોમાં જાપાનની અર્થવ્યવસ્થા પાછળ રહી જવાને લઈને એવી કોઈ ચિંતા નથી, જે ૨૦૧૦માં જોવા મળી હતી. તેનું એક મહત્ત્વનું કારણ એ છે કે દરેક લોકો જાણે છે કે કરન્સીમાં નબળાઈને કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે.

જોકે જાપાનના શેરબજારમાં તેજીનું વલણ યથાવત છે અને જાપાનની મધ્યસ્થ બેંક ૨૦૦૭ પછી પ્રથમ વખત વ્યાજદરમાં વધારો કરવા તૈયાર છે. ૧૫ ફેબ્રુઆરીના ડેટા બાદ બેંક ઓફ જાપાન આ દિશામાં નિર્ણાયક પગલાં લઈ શકે છે. જાપાનના અર્થશાસ્ત્રી હિડો કુમાનો અનુસાર, જાપાનના જીડીપીમાં ઘટાડાનું મુખ્ય કારણ ચલણ યેનની નબળાઈ છે. 'સસ્તું જાપાન જ જાપાનીઝ અર્થતંત્રને નાનું બનાવી રહ્યું છે.'

વિશ્વના ટોચના પાંચ અર્થતંત્ર

દેશ

અર્થતંત્ર લાખ કરોડ ડોલર

અમેરિકા

૨૭.૯

ચીન

૧૮.૫

જર્મની

૪.૭

જાપાન

૪.૩

ભારત

૪.૧


Google NewsGoogle News