જાપાનની આ રેસ્ટોરન્ટની અનોખી પહેલઃ મોબાઈલ ફોનના ઉપયોગ પર મૂક્યો પ્રતિબંધ, કારણ છે જાણવા જેવુ
નવી દિલ્હી, તા. 05 એપ્રિલ 2023, બુધવાર
બાળકો જ્યારે નાના હોય છે ત્યારે તેમને શીખવવામાં આવે છે કે જમતી વખતે ટીવી જોવું ખરાબ છે. ભોજન કરતી વખતે સંપૂર્ણ ધ્યાન ખાવા પર હોવું જોઈએ. જોકે આજના સમયમાં બાળકોનું ધ્યાન મોબાઈલ અને ટેબલેટમાં હોય છે. લોકો મોબાઈલ ફોનના વ્યસની બની ગયા છે અને તે જરૂરિયાત બની ગયા છે. લોકો પોતાના ફોનમાં એટલા મશગૂલ હોય છે કે જમતી વખતે પણ તેને છોડતા નથી. ગ્રાહકોની આ આદતથી કંટાળીને એક રેસ્ટોરન્ટે પોતાના ગ્રાહકો માટે એક નિયમ બનાવ્યો છે કે રેસ્ટોરન્ટમાં કોઈ પણ વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. લોકો રેસ્ટોરન્ટની આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે. તો ચાલો જાણીએ રેસ્ટોરન્ટને આવું પગલું કેમ ભરવું પડ્યું.
આ રેસ્ટોરન્ટમાં મોબાઈલ ફોન પર છે પ્રતિબંધ
મળતી માહિતી પ્રમાણે જાપાનના ટોક્યોમાં ડેબૂ ચેન (Debu Chan) નામની એક રેસ્ટોરન્ટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ રેમન નૂડલ્સ (Ramen noodles) સર્વ કરતા આ રેસ્ટોરન્ટમાં ઝડપથી જમવાનો અને જગ્યા છોડવાનો એક અકથિત નિયમ છે. રેમન ખાનારાઓની ભીડ ખૂબ જ હોય છે તેથી ગ્રાહકો પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ઝડપથી ભોજન સમાપ્ત કરીને અન્ય ગ્રાહકો માટે જગ્યા ખાલી કરી દે. તેમ છતાં ઘણા લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.
આ છે પ્રતિબંધનું કારણ
રેસ્ટોરન્ટના સ્ટાફે જ્યારે લોકો આટલો લાંબો સમય કેમ લઈ રહ્યા છે તેના પર ધ્યાન આપ્યું ત્યારે તેમને જણાયું હતું કે જે લોકો રેમન ઠંડુ થવાની રાહ જોતા હોય છે તેઓ લાંબા સમય સુધી ફોન ચલાવતા હોય છે. લોકો મોબાઈલ જોતા જોતા ખાવાનું ખાય છે તેથી તેમને વધુ સમય લાગે છે. રેસ્ટોરન્ટના માલિક કોટા કાઈએ જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટ હકાટા રેમન સર્વ કરે છે જે 1 મિલીમીટર પહોળી હોય છે. આટલી પાતળી હોવાને કારણે નૂડલ્સ ખૂબ જ ઝડપથી સ્ટ્રેચ થઈ જાય છે. રેસ્ટોરન્ટના માલિક કોટા કાઈએ જણાવ્યું કે અમે જોયું કે એક ગ્રાહકે પીરસ્યા બાદ મિનિટ સુધી ખાવાનું શરૂ કર્યું ન હતું. આ અમારા માટે ચિંતાનો વિષય હતો કારણ કે પાતળા નૂડલ્સ ખૂબ જ ઝડપથી ખરાબ થવા લાગે છે. આ સિવાય ફોન જોઈને ખાવાથી પણ ગ્રાહકોનો સમય બગડે છે. અને ગ્રાહકોની લાઈન લાગી જાય લાગે છે.
કોઈ સાઈન બોર્ડ નથી
પોતાની નજર સામે જ પોતાની ડિશનું બગડવી અને ગ્રાહકો માટે સીટ ન મળવી. આ બધુ જોઈને તેમણે પોતાને ત્યાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જાપાનમાં આ રેસ્ટોરન્ટના નિયમોને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. રેસ્ટોરન્ટમાં માત્ર 30 સીટો છે અને ક્યાંય પણ મોબાઈલ ફોન ઉપયોગ ન કરવા માટે ચિહ્ન નથી. રેસ્ટોરન્ટનો સ્ટાફ લોકો પાસે જાતે જ જાય છે અને તેમને આવું ન કરવા વિનંતી કરે છે.